પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન – 2018ના ભવ્ય સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનાં અંશો

Posted On: 30 MAR 2018 10:55PM by PIB Ahmedabad

દેશના જુદા-જુદા ખૂણામાં રાત્રે સાડા આઠ વાગ્યે પણ દેશની ઉન્નતી માટે મારા દેશનો નવયુવાન દેશને માટે આટલા મોટા યજ્ઞમાં જોડાયેલો છે, મારો દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે.

દેશના જુદા જુદા કેન્દ્રોમાં હાજર મારા નવયુવાન સાથીઓને હું ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું, ખુબ ખુબ અભિનંદન આપું છું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન, આ આયોજન માટે માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી અને તેમની આખી ટીમને હું વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું.

સ્માર્ટ ઇન્ડિયાના સ્માર્ટ સંશોધકોની વચ્ચે આવવું મારા માટે હંમેશાથી એક સુખદ અનુભવ રહ્યો છે. જુદી-જુદી સમસ્યાઓનો ટેકનોલોજીના માધ્યમથી ઉકેલ શોધવાનો જે પ્રયાસ આપ સૌ કરી રહ્યા છો, તે ખુબ જ પ્રશંસનીય છે.

છેલ્લા કેટલાક કલાકોથી તમે બધા તમારા મિશનમાં લાગેલા છો, પરંતુ હું મારી સામે આ સ્ક્રીન પર જોઈ રહ્યો છું કે તમારો ઉત્સાહ, ઉમંગ, તમારો જુસ્સો એવો લાગી રહ્યો છે કે જાણે તમને થાક લાગી જ નથી રહ્યો અને ન તો તમને કોઈ તણાવનો અનુભવ થઇ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, તમને જોઇને મારો પણ થાક દુર થઇ જાય છે. આજની પેઢી જયારે રાષ્ટ્ર નિર્માણ માટે આ પ્રકારનાં પ્રયાસોમાં લાગેલી રહે છે તો ન્યુ ઇન્ડિયાનો ઉદ્દેશ વધુ મજબુત થઇ જાય છે.

મિત્રો, હું ગઈ વખતે પણ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનમાં આવ્યો હતો. જયારે મને પૂછવામાં આવ્યું કે શું તમે ફરીથી આવશો, તો મેં કહ્યું, શા માટે નહિ, હું જરૂરથી આ નવયુવાનોને મળવા માંગીશ, તમને મળીશ, તમારી વાતો સાંભળીશ, તમારી પાસેથી કૈક શીખવાનો પ્રયાસ કરીશ.

જો કોઈ એવું વિચારી લે કે તે સર્વજ્ઞાની છે, તેને બધું જ આવડે છે તો હું સમજુ છું કે જિંદગીમાં તેનાથી મોટી કોઈ ભૂલ ન હોઈ શકે. જો કોઈ સરકાર પણ એવું વિચારી લે અને મનમાં હવા ભરીને બેસી જાય કે જે પણ કરવાનું છે, તે સરકાર જ કરશે, સરકાર એકલી પોતાના જોરે કરશે, જો સરકાર પણ આવું વિચારે છે તો હું સમજુ છું કે સરકારની આ સૌથી મોટી ભૂલ હશે અને એટલા માટે હું ખુબ ભાર આપું છું ભાગીદારી પર, સહકારયુક્ત શાસન પર.

દુનિયાનો કોઈ પણ પડકાર, આ દેશના સવા સો કરોડ લોકોની ઈચ્છા શક્તિ અને શ્રમ શક્તિ કરતા જરા પણ મોટો નથી. જ્યાં 65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી ઉંમરની હોય, જ્યાં આગળ વસ્તી વિભાજનનો આટલો મોટો વિસ્તાર હોય, તે દેશના લોકો નક્કી કરી લે તો કોઈપણ લક્ષ્ય અશક્ય નથી હોતુ.

હું ખાસ કરીને નવયુવાનોની વાત કરૂ તો તમારા સૌમાં જે જોશ, જે ઉત્સાહ, જે આશા હું ન્યુ ઇન્ડિયાને માટે જોઈ રહ્યો છું તે મારા પોતાના વિશ્વાસને અનેક ગણો વધારી દે છે. હા, આપણે 21મી સદીમાં ભારતને તેનું એ સ્થાન અપાવી શકીશું જેનું હિન્દુસ્તાન અધિકારી છે.

આ એક ઘણું મોટું કારણ છે કે, હું યુવાન વ્યવસાયિકો, યુવાન સીઈઓ, યુવાન વૈજ્ઞાનિકો, યુવાન અમલદારોને મળવાનો કોઈ પણ અવસર ક્યારેય જવા નથી દેતો. તમારો આ ઉત્સાહ, આ ઉર્જા જ ન્યુ ઇન્ડિયાને સાકાર કરવા માટેનું સૌથી મોટુ ચાલક પરિબળ છે.

પરંતુ સવાલ એ પણ છે કે ન્યુ ઇન્ડિયાનું આ પરિવર્તન શું કેટલાક મર્યાદિત પ્રયાસો વડે શક્ય છે? તો જવાબ મળશે, જી ના. તેના માટે જરૂરી છે સમસ્યાઓના મૂળ સુધી જઈને સમાધાન માટે મર્યાદાઓની બહાર નીકળી, નવી-નવી તરકીબો, નવા-નવા રસ્તાઓ ખોલવામાં આવે.

અમારી સરકારનો એ જ પ્રયત્ન આપણને સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન પહેલ સુધી લઈને આવી છે.

મને જણાવવામાં આવ્યું છે કે ગઈ વખતે હેકાથૉનમાં જે લગભગ 60 પ્રૉજેક્ટ ફાઈનલ થયા હતા તેમાંથી અડધા તો પુરા થવાની તૈયારીમાં છે અને બાકીના આગામી બે ત્રણ મહિનામાં પુરા થઇ જશે.

મને ખુશી છે કે ગયા વર્ષે જ્યાં 40 હજારથી વધુ યુવાનોએ આમાં ભાગ લીધો હતો, ત્યાં આગળ આ વર્ષે આ સંખ્યા વધીને 1 લાખથી વધુ થઇ ગઈ છે. આ વર્ષે કેન્દ્ર સરકારના 27 મંત્રાલયોની સાથે-સાથે રાજ્ય સરકારો પણ આ હેકાથૉનનો ભાગ બની છે. મને જણાવવામાં આવ્યું છે કે હેકાથૉનમાં સોફ્ટવેર એડીશનની સાથે જ આવનારા કેટલાક મહિનાઓમાં હાર્ડવેર એડીશનને પણ જોડવામાં આવી રહ્યું છે.

આ પ્રયાસ માટે આપ સૌ નવયુવાનો અને જુદા-જુદા મંત્રાલયોને તથા પ્રદેશોની સરકારોને ખુબ-ખુબ અભિનંદન આપુ છું.

મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે પુર વ્યવસ્થાપન અને જંગલની આગ જેવા અનેક મોટા પડકારોનું સમાધાન શોધાવાનું છે. મને વિશ્વાસ છે કે ટેકનોલોજીથી ટ્રાન્સફોર્મેશનના જે રસ્તા પર આપણે ચાલી રહ્યા છીએ તે આપણને જરૂરથી લક્ષ્ય સુધી લઇ જશે.

સાથીઓ, એક એવા યુગમાં કે જ્યાં જ્ઞાન એ શક્તિ છે, આવિષ્કાર એ વિકાસનું પરિચાલક છે એટલે કે જ્ઞાન આપણી માટે ઉર્જાનું કામ કરે છે પરંતુ તે જ્ઞાનને વિસ્તાર આપવા માટે આપણે જેટલા રચનાત્મક બનીશું તેટલો જ દેશનો વિકાસ વધુ થશે.

જયારે આપણે નવીનીકરણની વાત કરીએ છીએ તો એ માત્ર એક શબ્દ નથી. નવીનીકરણ એક કાર્યક્રમ પણ નથી કે કેટલીક સ્પર્ધાઓ યોજાઈ, નિર્ણયો આવ્યા, ઇનામ વિતરણ કર્યા અને પછી ઉજવણી કરીને સૌ પોત પોતાના ઘરે ચાલ્યા ગયા. નવીનીકરણ એક પ્રક્રિયા છે જે સતત ચાલે છે. તમે ત્યારે જ કઈક નવું સંશોધન કરી શકશો જયારે તમે સમસ્યાને સમજશો, કેટલાક સવાલો કરશો, નવા વિચારો સામે મુકશો અને પછી તે વિચારોને અમલમાં મુકવા માટે ભરપુર પ્રયાસો કરશો.

એટલા માટે હું કહું છું આઈ ટ્રીપલ પી (આઈપીપીપી) આમાં આપણો પણ આઈ જોડાઈ જાય છે, આઈ ટ્રીપલ પી એટલે કે ઇનોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ એન્ડ પ્રોસ્પર. આ ચાર સીડીઓ છે જેની પર ચાલીને આપણા દેશનો વિકાસ વધુ ઝડપથી થઇ શકે છે. જેટલું આપણે નવીનીકરણ કરીશું, જેટલું જલ્દી તે શોધોને પેટન્ટ કરાવીશું, તેમના ઉત્પાદનોનો રસ્તો સરળ બનાવીશું, જેટલુ જલ્દી તેને લોકો સુધી પહોંચાડીશું તેટલા જ વધુ સમૃદ્ધ પણ બનીશું.

એટલા માટે અમારી સરકાર સતત નવા આવિષ્કારોને પ્રોત્સાહિત કરી રહી છે. અટલ ઇનોવેશન મિશન એઆઈએમ એઇમના માધ્યમથી દેશમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ તૈયાર કરવામાં આવી રહી છે. આપણો ઉદ્દેશ્ય એક એવી પ્રણાલી તૈયાર કરવાનો છે જે વિદ્યાર્થીઓને નાની ઉંમરમાં જ ભવિષ્યની ટેકનોલોજીથી પરિચિત કરવી શકે. અમારો પ્રયાસ છે કે ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન ટેકનોલોજી, થ્રીડી અને રોબોટીક્સનો અનુભવ વિદ્યાર્થીઓને લેવા માટે એન્જીનીયરીંગ કોલેજ સુધી પહોંચવા સુધીની રાહ ન જોવી પડે.

નાની ઉંમરમાં જ નવોન્મેશનું માઈન્ડ સેટ તૈયાર કરવાની દિશામાં અમે દેશભરના લગભગ લગભગ બે હજાર ચારસો શાળાઓને પસંદ કરી છે. ભવિષ્યમાં આ શાળાઓની સંખ્યા વધીને અમારી સરકાર ત્રીસ હજાર સુધી લઇ જવા માંગે છે. અટલ ટીંકરીંગ લેબમાં છઠ્ઠાથી બારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગશાળાઓમાં શિક્ષણ અને શીખવાના ખ્યાલ પર અમલ કરતા બાળકોને આધુનિક ટેકનોલોજીથી પરિચિત કરાવવામાં આવી રહ્યા છે.

કિશોર અવસ્થામાં એક વાર રચનાત્મક મગજ બની ગયું તો સમજી લો કે તમારૂ અડધું કામ થઇ ગયું. તેના પછી વાત આવે છે સંશોધનના રસ્તાને મજબુત કરવાની. અને એટલા માટે ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ દરમિયાન સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વના નિર્ણયની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે.

સરકારે પીએમઆરએફ એટલે કે પ્રાઈમ મીનીસ્ટર રીસર્ચ ફેલોશીપની જાહેરાત કરી છે અને હું ઈચ્છીશ કે આપ સૌ તેનો ફાયદો ઉઠાવો. તે અંતર્ગત આઈઆઈટી, આઈઆઈએસસી, એનઆઈટી જેવા સંસ્થાનોના બીટેક, એમટેક અને એમએસસીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રાઈમ મીનીસ્ટર ફેલોશીપ આપવામાં આવશે. દર વર્ષે એક હજાર વિદ્યાર્થીઓને તેના માટે પસંદ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પાંચ વર્ષ સુધી દર મહીને 70 થી 80 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાયતા પણ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પરિષદો અને સેમીનારમાં તેઓ પોતાના સંશોધન પત્રો મૂકી શકે તેના માટે2 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ પણ સરકાર દ્વારા આપવામાં આવશે.

મિત્રો, બીજા વિશ્વ યુદ્ધ પછી જે દેશોએ ખુબ ઝડપી ગતિએ પ્રગતી કરી છે, તેમની અંદર એક વાત સામાન્ય હતી. તે દેશોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના વિકાસ પર ખુબ ભાર મુકવામાં આવ્યો હતો, તેમને પ્રાથમિકતા આપવામાં આવી હતી. મોટા સંસ્થાનોમાં થયેલા સંશોધનો, આર્થિક વિકાસનો પણ મોટો આધાર બનતા હોય છે.

એ જ કારણ છે કે સરકારનો ભાર દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને વધુમાં વધુ સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી આપવાનો છે. સરકાર દેશમાં વિશ્વ કક્ષાના 20 શ્રેષ્ઠતમ સંસ્થાનો બનાવવા પર પણ કામ કરી રહી છે. તેમાંથી પસંદ કરવામાં આવેલા જાહેર ક્ષેત્રના 10 સંસ્થાનોને કુલ 10 હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ પણ સરકાર દ્વારા આપવામાં આવશે.

એક બાજુ આપણે ભવિષ્યને માટે અનુરૂપ પ્રણાલી તૈયાર કરી રહ્યા છીએ, ત્યાં જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ હેઠળ નવા સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઉં કે જ્યારથી આ યોજના જાહેર કરવામાં આવી છે ત્યારથી 6 હજાર સ્ટાર્ટ અપને મંજુરી આપી દેવામાં આવી છે. આ સ્ટાર્ટ અપને સરકાર આર્થિક મદદ આપી રહી છે.

મિત્રો, રચનાત્મકતાની સંસ્કૃતિની સાથે જ વિશ્વ પડકારોને જોતા પોતાની જાતને પણ તે રીતે વાળવી જરૂરી છે. મને યાદ છે જયારે હળદર, લીમડો, બાસમતી જેવી પેટન્ટ પણ બીજા દેશોએ કરાવી લીધી હતી, તે કેટલો કપરો સમય હતો. એટલા માટે અમારી સરકારે પેટેન્ટ અને કોપી રાઈટની વ્યવસ્થાને પણ સુધારવા માટે અનેક નિર્ણયો લીધા છે.

તેનું પરિણામ છે કે વર્ષ 2013-14માં જ્યાં 4 હજારની આસપાસ પેટન્ટ રજીસ્ટર થતા હતા ત્યાં આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં 11,300થી વધુ પેટન્ટ રજીસ્ટર થયા છે અને મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમને ગર્વ થતો હશે તમને ખુશી થતી હશે. એટલે કે પહેલાની સરકારના મુકાબલે લગભગ-લગભગ ત્રણ ગણી વધારે પેટન્ટ રજીસ્ટર આ સરકારના સમયમાં થઇ રહી છે. ટ્રેડ માર્ક રજીસ્ટ્રેશન થતા હતા અને હવે આ આંકડો અઢી લાખથી ઉપર પહોંચી ગયો છે.

ઇનોવેશન અને પેટન્ટની સાથે જ ઉત્પાદન પર પણ અમારી સરકારે પૂરો ભાર મુક્યો છે. મેક ઇન ઇન્ડિયા એક એવી બ્રાંડ બની ગઈ છે જેની ચર્ચા સમગ્ર દુનિયામાં છે. તમને માત્ર એક ક્ષેત્રનું ઉદાહરણ આપુ તો તમે સંપૂર્ણ ચિત્ર સમજી જશો. મત્રો, 4 વર્ષ પહેલાઆપણા દેશમાં મોબાઈલ ફોન બનાવનારી માત્ર અને માત્ર બે જ ફેકટરીઓ હતી અને આપ સૌ નવયુવાનો આ ક્ષેત્રમાં છો, તમને ખુશી થવી જોઈએ કે,આજે ચાર વર્ષની અંદર-અંદર જે દેશે ગતિ પકડી છે, મેક ઇન ઇન્ડિયાએ ગતિ પકડી છે, બે ફેકટરીઓથી આગળ નીકળીને આજે હિન્દુસ્તાનમાં મોબાઈલ ફોન બનાવનારી 120 ફેકટરીઓ કામ કરી રહી છે.

જયારે ઇનોવેશન, પેટન્ટ અને ઉત્પાદન પોતાની પુર ઝડપ પકડે છે ત્યારે સમૃદ્ધિ આવવાની ગતિ પણ ઝડપી બની જાય છે. પરંતુ સાથીઓ, તેમાં એક મહત્વપૂર્ણ સવાલ પણ જોડાયેલ છે. આખરે ઇનોવેશન કોના માટે? શું આપણા પોતાને માટે કે આપણા દેશને માટે કે આપણા દેશના ગરીબ દુખી બંધુઓને માટે? પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે કે દેશની જરૂરિયાતોને પૂરી કરવા માટે?

હું મારા નવયુવાન સાથીઓની સામે આ સવાલ જાણી જોઇને મૂકી રહ્યો છું. આંતરરાષ્ટ્રીય ગેજેટની અંદર, મેગેઝીનની અંદર, વૈજ્ઞાનિક ટેકનોલોજીની દુનિયામાં અમારૂ પેપર છપાઈ જશે પરંતુ સંતોષ તો ત્યારે મળશે કે મારી કોઈ વસ્તુ જો દેશના કામ આવનારી બને અને એટલા માટે તે વિષયમાં પણ વિચાર કરવો જોઈએ કે ઇનોવેશન શું હોય કે જે દેશની સમસ્યાઓનું સમાધાન કરે.

આ દેશમાં મલ્ટીપલ હેકાથૉન પણ એક પગલું હોઈ શકે છે. જેમ કે હેલ્થ હેકાથૉન, લો હેકાથૉન, આર્કીટેક્ચર હેકાથૉન, એગ્રીકલ્ચર હેકાથૉન અને રૂરલ હેકાથૉન. અનેક એવી વસ્તુઓ આપણે કાઢી શકીએ છીએ. આપણા દેશને જુદી રીતે વિચારનારા ખેડૂતો હોય, આર્કીટેક્ચર હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, મેનેજર હોય તેમની જરૂરિયાત છે.

મને આશા છે આ હેકાથૉન નવી પ્રતિભાઓને પણ મંચ આપવાનું એક મોટું માધ્યમ બની શકે છે. તેના માધ્યમથી જાહેર વાહનવ્યવહાર સાથે જોડાયેલા, સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા, સ્વચ્છતા સાથે જોડાયેલ નવા ઇનોવેશનને પણ આપણે સામે લાવી શકીશું.

તેનાથી દેશના લોકોની સામે રોજબરોજના પડકારો તો ઓછા થશે જ, તેમની જિંદગી પણ સરળ બનશે. તેના સિવાય તમારા ઇનોવેશન દેશની સેવા કરવાનું કામ પણ કરશે.

જેમ કે મને જણાવવામાં આવ્યું છે કે આપ સૌ આ હેકાથૉનમાં હાઈ રીઝોલ્યુશન ઈમેજીસને માટે ડ્રોનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તેના પર પણ કાર્ય કરી રહ્યાં છો. હવે તેની સાથે જોડાયેલ કોઈ પણ ઇનોવેશન દેશની ઘણી મોટી સેવા હશે.

તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રોન દ્વારા લેવામાં આવી રહેલ તસ્વીરોને કઈ રીતે અમારી સરકારે યોજનાઓની મોનીટરીંગ સાથે જોડી દીધી છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘરો બને છે, પ્રધાનમંત્રી સિંચાઈ પરિયોજના હેઠળ જે અધુરી યોજનાઓને પૂર્ણ કરવામાં આવી રહી છે, મનરેગા હેઠળ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેની જીઓ ટેગિંગ અને મેપિંગમાં તેની ઘણી મોટી ભૂમિકા છે.

ગયા મહિનાની વાત છે જયારે પ્રગતિની બેઠક દરમિયાન અમે ડ્રોન કેમેરાના માધ્યમથી લાઈવ સમીક્ષા કરી હતી કે કેદાર ઘાટીમાં નિર્માણનું કામ કેટલું પૂરૂ થઇ ગયું છે. વારૂ, ત્યાં બરફ વર્ષા ચાલી રહી હતી, ટેકનોલોજી જોડાણમાં કેટલીક તકલીફો પણ થઇ રહી હતી પરંતુ તેમ છતાં એક ચિત્ર મારી સામે રજુ થયું. દિલ્હીમાં બેસીને હું જાતે સંપૂર્ણ તેને મોનીટર કરી શક્યો. હવે તમે જે પણ ઇનોવેશન કરશો તો આવનરા દિવસોમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવો એ પણ ઘણી સામાન્ય બાબત થઇ જશે.

મારા જે નવયુવાન સાથીઓને પ્રગતિની બેઠકોના વિષયમાં જાણ નથી તેમને હું કહેવા માંગું છું કે અમારી સરકારે મોનીટરીંગની આ આધુનિક પદ્ધતિ વિકસિત કરી છે. તેમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં અમે લોકો બેસીએ છીએ રાજ્યોને લગતા અધિકારીઓ સેટેલાઈટના માધ્યમથી મારી સાથે જોડાય છે અને યોજનાઓની રીયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવે છે. યોજના પૂરી થવામાં કેમ મોડું થઇ રહ્યું છે, શું તકલીફો આવી રહી છે, કેટલું કામ થયું છે, કેટલું અધૂરૂ રહ્યું છે, તે બધા વિશે અમારી સામે ચાર્ચા થાય છે.

સાથીઓ બદલાતા સમયમાં હવે કોઈપણ દેશની આર્થિક પ્રગતિ હવે તેના ઇનોવેશન કવોશન્ટ (નવોન્મેશ આંક) પર નિર્ભર કરે છે. આપણા દેશમાં સાધનોની અછત નથી, સંસાધનોની ખોટ છે; સામર્થ્ય આપ નવયુવાનોમાં ભરપુર છે. મારો એક આગ્રહ જરૂરથી છે જેટલા સપનાઓ તમે જોવા માંગતા હોવ તે જુઓ, પરંતુ તેને પુરા કરવા માટે પગલાઓ પણ જરૂરથી ઉઠાવો. કોઈપણ સપનાને મરવા ન દેશો. જયારે જુસ્સો સપના પુરા કરવા માટે કંઈક કરી છૂટવાનું હોય, ત્યારે જ તમે લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકો છો.

યાદ રાખો- હું જે પેઢીમાંથી છું, તમે જે પેઢીમાંથી છો આપણે એવા લોકો છીએ જેમને સ્વતંત્રતા માટે લડવાનો અવસર નથી મળ્યો, જેલોમાં જિંદગી ગુજારવાનો અવસર નથી મળ્યો, પોતાની યુવાની દેશને માટે હોમવાનો અવસર નથી મળ્યો, દેશને માટે મરવાનો મોકો નથી મળ્યો પરંતુ આપણને સૌને દેશને માટે જીવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મરવાનો અવસર ન મળ્યો પરંતુ જીવવાનો અવસર મળ્યો છે. દેશને માટે જીવવાનો અવસર મળ્યો છે. ગરીબ, સામન્ય વ્યક્તિની જિંદગી માટે જીવવાનો અવસર મળ્યો છે અને એટલા માટે પોતાની પ્રતિભા, પોતાનું સામર્થ્ય દેશ પર લગાવો. ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કઈ રીતે દેશને માટે થઇ શકે છે તે વિષયમાં સતત વિચારતા રહો, પ્રયાસ કરતા રહો.

મિત્રો, હું જોઈ રહ્યો છું કે, તમે સવારથી બેઠા છો અને આવતીકાલ રાત સુધી બેસવાના છો, 36 કલાક ઘણા હોય છે. હું પણ આજે તમારો અનુભવ સાંભળવા માંગીશ. તમને આટલા તણાવભર્યા વાતાવરણમાં કદાચ તમને થોડી હળવાશ આપવા માટે કેટલાક પ્રાણાયામ પણ કરી લેતા હશો જરા ઊંડો શ્વાસ પણ લઇ લેતા હશો કે હાથ પગ ઉપર કરીને થોડા યોગનો પણ સ્વાદ લેતા હશો જેથી થોડી માનસિક હળવાશ આવી જાય તો ઝડપી ગતિએ નવા-નવા વિચારો આવે છે અને તમે જે કાર્યને કરી રહ્યા છો તે કાર્યનું બીજારોપણ પણ આપની વચ્ચે કરી રહ્યો છું.

સૌથી પહેલા જયારે હું તમારી વચ્ચે આવ્યો છું તો હું ઈચ્છીશ કે કેટલાક તમારા પણ અનુભવો સાંભળું. જુદા જુદા ક્ષેત્રોમાં જઈશ. મને જણાવવામાં આવ્યું હતું કદાચ મને સૌથી પહેલા પાણીપતનાં નવયુવાનો સાથે વાત કરવાનો મોકો મળી રહ્યો છે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1527561)
Read this release in: English , Hindi , Marathi , Tamil