વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ટકાઉ અર્થતંત્ર માટે ઉત્પાદનક્ષેત્રની હિસ્સેદારી 16 ટકાથી વધારવી અતિઆવશ્યક : શ્રી સુરેશ પ્રભુ
ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા ફરીથી કાપડ ઉદ્યોગ તરફ વળવું પડશે : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
Posted On:
04 MAY 2018 4:40PM by PIB Ahmedabad
અમદાવાદ, 04-05-2018
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ કહ્યું કે દેશના અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો માત્ર 16 ટકા છે, પરંતુ ટકાઉ અર્થતંત્ર માટે દેશના અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 16 ટકાથી વધારવો અતિ આવશ્યક છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ) અને મસ્કતી માર્કેટ મહાજન મંડળના સંયુક્ત ઉપક્રમે જીએમડીસી કન્વેશન હોલ ખાતે યોજાયેલા ‘ફાર્મ ટુ ફેશન , ઈન્ડીયન ટેક્ષટાઈલ ગ્લોબલ સમિટ-2018’ના ઉદ્ઘાટન સમારંભમાં આજે પોતાના વક્તવ્યમાં શ્રી પ્રભુએ જણાવ્યું કે આવનારા સમયમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા ભારતે ફરીથી કાપડ ઉદ્યોગ તરફ વળવું પડશે.


શ્રી પ્રભુએ જણાવ્યું કે કાપડ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો આપોઆપ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે કાપડની સાથે સાથે રેડીમેડ ગારમેન્ટની નિકાસ માટે બજારને વિકસાવવાની જરૂર છે. ભારતના કાપડ ઉત્પાદનનું મુખ્ય બજાર અમેરિકા છે પરંતુ શિયાળામાં અમેરિકામાં સિઝન નથી હોતી ત્યારે ભારતના કાપડ ઉદ્યોગને વિદેશી બજાર મેળવવામાં મુશ્કેલી પડે છે. આથી ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતના કાપડ ઉદ્યોગને નિકાસ માટે બારેમાસ યોગ્ય બજાર મળી રહે તે માટે યુરોપિયન યુનિયન સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યું છે. એ ઉપરાંત લેટીન અમેરિકા, આફ્રિકા તથા એશિયાના દેશોમાં પણ સતત પ્રવાસો અને મિટીંગોના માધ્યમથી ભારતીય કાપડ ઉદ્યોગ માટે નવા બજારો ઉભા કરવાના પ્રયાસો ચાલુ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પહેલાની સરકારોના સમયમાં માત્ર કૃષિનું ઉત્પાદન વધારવા તરફ લક્ષ્ય હતું જ્યારે વર્તમાન સરકારે કૃષિ ઉત્પાદનની સાથે સાથે ખેડૂતોની આવક વધારવા તરફ લક્ષ્ય રાખ્યું છે. વધુમાં શ્રી રૂપાલાએ સહકારી ખેતીના મહત્વને રેખાંકિત કરીને આવનારા સમયમાં સહકારી ખેતીને પ્રોત્સાહિત કરવા હાકલ કરી હતી. સાથે સાથે તેમણે ટપક સિંચાઈને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે સબસીડીની રકમ વધારીને 70 ટકા કરી છે તેની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત હતા. તેમણે ત્રણ દિવસ સુધી ચાલનારા ‘ફાર્મ ટુ ફેશન, ઈન્ડીયન ટેક્ષટાઈલ ગ્લોબલ સમિટ-2018’ કાર્યક્રમની ખૂબ સરાહના કરી હતી.
NP/J.Khunt/GP
(Release ID: 1531341)
Visitor Counter : 264