કાયદો અને ન્યાય મંત્રાલય
યોગ આપણી વૈદિક પરંપરા છે – કેન્દ્રીય ન્યાય અને કાયદા રાજ્યમંત્રી શ્રી પી.પી.ચૌધરી
અમદાવાદમાં ઉજવાયો ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
હજારો નાગરિકોએ કર્યો સામૂહિક યોગ અભ્યાસ
યોગ સાધકોએ મેળવ્યું પ્રધાનમંત્રીશ્રીનું વિડીયો દ્વારા માર્ગદર્શન
પોસ્ટેડ ઓન:
21 JUN 2018 5:26PM by PIB Ahmedabad
અમદાવાદ, 21 જૂન, 2018
અમદાવાદમાં આજે ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેના પ્રારંભે યોગસાધકોએ વીડિયોના માધ્યમથી યોગનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી કેન્દ્રીય કાયદો અને ન્યાય તથા કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી પી. પી. ચૌધરીએ પણ આ ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. મંત્રી શ્રી પી. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે. યોગ એ આપણી વૈદિક પરંપરા છે અને વિશ્વ આખાએ તેને સ્વીકૃતિ આપી છે એ જ પુરવાર કરે છે કે આપણી પરંપરા મહાન છે. યોગ મનને શાંત કરવાનું શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે. સાથે-સાથે યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે.


રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદભૂત પ્રદાનને આવકારતાં જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે વિશ્વભરમાં ફેલાયો છે એટલું જ નહીં તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં પણ યોગનું મહત્ત્વ પ્રસ્થાપિત થયું છે અને સ્વીકારાયું પણ છે.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીશ્રી તથા કેન્દ્રીય મંત્રી શ્રી પી. પી. ચૌધરીના વરદ હસ્તે રાજ્યકક્ષાએ અને જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે રહેનાર ખેલમહાકુંભનાં યોગ સાધકો તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેનાર યુવા યોગ સાધકોને પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા.
વિશ્વ યોગ દિસવની ઉજવણીના આ પ્રસંગે જિલ્લા કલેકટર, રાજ્યકક્ષાના સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અમદાવાદ શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
NP/GP
(રીલીઝ આઈડી: 1536190)
મુલાકાતી સંખ્યા : 256