પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં : મોહનપુરા સિંચાઈ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
Posted On:
23 JUN 2018 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોહનપુરા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાથી રાજગઢ જિલ્લામાં ખેતીની જમીનની સિંચાઈની જરૂરિયાત પૂર્ણ થશે. તેના દ્વારા આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ પીવાના પાણીની વિવિધ યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.
મોહનપુરામાં એકત્ર થયેલી જંગી જનમેદનીને સંબોધતાં પ્રધાનમંત્રીએ શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથી પ્રસંગે અંજલી આપી હતી. તેમણે ડૉ. મુખર્જીના સંદેશાની યાદ અપાવતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રને તેની પોતાની ઊર્જા અને પ્રયાસોથી સુરક્ષિત કરી શકાય છે. તેમણે ઔદ્યોગિક નીતિ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં શ્યામાપ્રસાદ મુખર્જીના યોગદાનની યાદ અપાવતાં જણાવ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખર્જીએ શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ- અપ ઇન્ડિયા, મુદ્રા યોજના અને મેક ઈન ઇન્ડિયા જેવી દરેક યોજનામાં ડો. મુખર્જીના વિઝનનાં તત્વો જોવા મળે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજગઢ જિલ્લો એ સરકાર દ્વારા પસંદ કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં સમાવેશ પામે છે અને હવે અહીં વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકી રહી છે અને ભારતને 21મી સદીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા તરફ લઈ જવા માંગે છે. કૃષિ ક્ષેત્રે મહારાષ્ટ્ર સરકારે કરેલી કામગીરી અને વિકાસ માટે હાથ ધરેલી પહેલને તેમણે બિરદાવી હતી. તેમણે સિંચાઈ લાયક વિસ્તારમાં વધારો કરવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિંચાઈના લક્ષ્યાંકો પૂરા કરવા માટે રાજ્ય સરકાર સાથે ખભે ખભો મિલાવીને ચાલશે. તેમણે કહ્યું કે કહ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ રાજ્યમાં 14 પરિયોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સૂક્ષ્મ-સિચાઈ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ જેવી કે, સોઈલ હેલ્થ કાર્ડ, પાક વીમા યોજના, ઈ-નામ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉજ્જવલા યોજના અને મુદ્રા યોજનાના લાભ અંગે પણ વાત કરી હતી.
RP
(Release ID: 1536391)