પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શહેરી વિકાસ પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું
Posted On:
28 JUL 2018 8:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં “ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ” (શહેરી પરિદ્રશ્યમાં પરિવર્તન) પર આયોજિત એક કાર્યક્રમમને સંબોધન કર્યું હતું, જેનું આયોજન શહેરી વિકાસ સાથે સંબંધિત ત્રણ મુખ્ય સરકારી પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે કરવામાં આવ્યું હતું. આ પહેલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી); અટલ મિશન ફોર રિજુવેનેશન ઓફ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને સ્માર્ટ સિટીઝ મિશન સામેલ છે.
પ્રધાનમંત્રીએ શહેરી વિકાસના મુખ્ય અભિયાનો પર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નાં 35 લાભાર્થીઓ સાથે વાત કરી હતી.
તેમણે ઉત્તરપ્રદેશનાં વિવિધ શહેરોમાંથી વીડિયો લિન્ક મારફતે પીએમએવાયનાં લાભાર્થીઓ પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો, તેમજ ઉત્તરપ્રદેશનાં મુખ્ય અભિયાનો અંતર્ગત વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત શહેરી પ્રશાસન શહેરોનું પ્રતિનિધિત્વ કરે છે, જે નવા ભારત અને નવી પેઢીની આશા અને આકાંક્ષાઓનું પ્રતીક છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ રૂ. 7,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો અમલ થઈ ગયો છે અને રૂ. 52,000 કરોડનાં પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ મિશનનો ઉદ્દેશ નીચલા, મધ્યમ નીચલા અને મધ્યમ વર્ગને વધારે સારી નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે તેમજ તેમનાં જીવનને સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, એકિકૃત નિયંત્રણ કેન્દ્રો (Integrated Command Centers) આ મિશનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે, આ કેન્દ્રોએ 11 શહેરોમાં કામ કરવાનું શરૂ કર્યું છે અને અન્ય ઘણાં શહેરોમાં કામગીરી ચાલુ છે.
શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીનાં પ્રયાસોને યાદ કરતાં કહ્યું હતું કે, શહેરી ભારતની સ્થિતિ બદલવાનું વિઝન લખનઉ સાથે જોડાયેલું છે, જેનાં સાંસદ શ્રી વાજપેયી હતાં.
શ્રી અટલ બિહારી વાજપેયીજીએ હાથ ધરેલી વિવિધ પહેલોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઝડપ, વ્યાપ અને જીવનની ગુણવત્તાને વધારવા તેમજ એ પહેલોને જાળવવા કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વર્ષ 2022 સુધી તમામને ઘર પ્રદાન કરવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ આંકડાઓ સાથે સમજાવ્યું હતું કે, આ દિશામાં કેવી રીતે વધુ કામ થયું છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે જે ઘરોનું નિર્માણ થાય છે એમાં શૌચાલયો અને વીજળીનું જોડાણ હોય છે. તેમણે જણાવ્યું હતું કે, આ મકાનો મહિલા સશક્તિકરણનું પણ પ્રતીક છે, કારણ કે આ મકાનોની નોંધણી મહિલાઓનાં નામે થઈ છે.
તાજેતરમાં થયેલી ટીકાનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ મુશ્કેલી અને દુઃખનાં સમયે ગરીબો અને વંચિતો, ખેડૂતો અને યુવાનોનાં ભાગીદાર છે તથા તેમની મુશ્કેલીઓનો અંત નિર્ણાયક રીતે લાવવા ઇચ્છે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક સમયે ભારત શહેરી આયોજનમાં નમૂનારૂપ ગણાતું હતું. પણ રાજકીય ઇચ્છાશક્તિ અને સ્પષ્ટ વિચારસરણીનાં અભાવે, ખાસ કરીને આઝાદી પછી, આપણાં શહેરી કેન્દ્રોને ઘણું નુકસાન થયું હતું.
તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે અને વૃદ્ધિનાં એન્જિન સમાન શહેરોનો વિકાસ સંયોગથી ન થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશન આપણાં શહેરોને નવા ભારતનાં નિર્માણ માટેનાં પડકારો ઝીલવા તૈયાર કરવામાં મદદરૂપ થશે અને 21મી સદી માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં શહેરી કેન્દ્રો તૈયાર કરવામાં સહાય કરશે. તેમણે કહ્યું હતું કે, રહેણાકનાં સ્થાનોમાં 5 "E" ખાસિયતો હોવી જોઈએઃ Ease of Living (સરળ જીવન), Education (શિક્ષણ), Employment (રોજગારી), Economy (અર્થતંત્ર) અને Entertainment (મનોરંજન).
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશન નાગરિકોની ભાગીદારી, નાગરિકોની આકાંક્ષા અને નાગરિકોની જવાબદારી પર આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે, પૂણે, હૈદરાબાદ અને ઇન્દોર શહેરોએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડીને સારું એવું ભંડોળ ઊભું કર્યું છે તથા લખનઉ અને ગાઝિયાબાદ જેવા અન્ય શહેરો પણ ટૂંક સમયમાં આ પ્રક્રિયા અનુસરશે. તેમણે કહ્યું હતું કે, નગરપાલિકાની સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થવાથી ભ્રષ્ટાચારનાં સ્રોત સમી લાંબી લાઈનો દૂર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ, સુરક્ષિત, સ્થાયી અને પારદર્શક વ્યવસ્થાઓ કરોડો લોકોનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકી રહી છે.
RP
(Release ID: 1540542)