આદિવાસી બાબતોનું મંત્રાલય

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર અમદાવાદ ખાતે શનિવારે ‘આદિ મહોત્સવ’નું ઉદઘાટન કરશે

Posted On: 18 OCT 2018 3:00PM by PIB Ahmedabad

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય આદિવાસી બાબતોના રાજ્યમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર શનિવારે અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે આદિ મહોત્સવનું ઉદઘાટન કરશે. આદિ મહોત્સવનું આયોજન ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય હેઠળના ટ્રાઈફેડ (ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા) દ્વારા કરવામાં આવ્યું છે.

આદિ મહોત્સવની થીમ છે : આદિવાસી સંસ્કૃતિ, વેપાર, ભોજન અને ક્રાફ્ટની ભાવનાની ઉજવણી. આ મહોત્સવ દરમિયાન લગભગ સો જેટલા સ્ટોલ્સ દ્વારા આદિવાસી હાથવણાટની ચીજ-વસ્તુઓ, કલા, ચિત્રો કાપડ, જ્વેલરી સહિત ઘણી બધી વસ્તુઓના પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવશે.  જુદા-જુદા રાજ્યોના લગભગ 200 જેટલા આદિવાસી કલાકારો આ પ્રદર્શનમાં પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરશે. આ મહોત્સવ 20 ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી ચાલશે. પ્રદર્શનની મુલાકાત સવારે 11 વાગ્યાથી રાત્રે 9  વાગ્યા દરમિયાન લઇ શકાશે.

ભારતના આદિવાસીઓ પાસે હાથની બનાવટોની સમૃદ્ધ કલા ઉપલબ્ધ છે. જેમાં હાથવણાટથી બનાવેલું કોટન, ઉન અને સિલ્કનું કાપડ, ટેરાકોટા, મોતીની બનાવટો, ઘરેણા, વાંસ, લાકડા અને ધાતુની બનાવટો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ બનાવટોની દેશ અને દુનિયામાં ખૂબ મોટી માંગ છે. આથી આદિવાસી કલાને બહોળું બજાર પૂરું પાડવા માટે ટ્રાઈફેડ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આદિ મહોત્સવ પણ આ પ્રયાસો પૈકીનો એક પ્રયાસ છે.

આ ઉપરાંત આદિવાસી વસ્તુઓના ઈ-વેચાણ માટે એમેઝોન, સ્નેપડીલ, ફ્લીપકાર્ટ, પેટીએમ અને જીઈએમ સાથે ટ્રાઈબ્સ ઇન્ડિયા દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે, તેમજ ટ્રાઈબ્સ ઇન્ડિયાના પોર્ટલ www.tribesindia.com પરથી પણ ખરીદી કરી શકાય છે.

ભારત સરકારના ડિજિટલ ચૂકવણી અભિયાનના ભાગરૂપે દરેક સ્ટોલમાં ડિજિટલ ચૂકવણી માટે પીઓએસ મશીન પૂરા પાડવામાં આવ્યા છે તેમજ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા આદિવાસી કલાકારોને ડિજિટલ ચૂકવણી માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. આદિ મહોત્સવ દરમિયાન પરંપરાગત આદિવાસી ચીજવસ્તુઓ ઉપરાંત આદિવાસી કલાકારોના ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ કૌશલ્યને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

 

J.Khunt/RP


(Release ID: 1550014) Visitor Counter : 150