પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં જણાવ્યું કે, સરકાર આતંકવાદને ઇંટનો જવાબ પથ્થરથી આપશે
પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો સાથે વાત કરી, જમ્મુ અને કાશ્મીરનાં નાગરિકોની લોકશાહી અને વિકાસ પ્રત્યેની કટિબદ્ધતાની પ્રશંસા કરી
પ્રધાનમંત્રીએ અવંતિપુરમાં નવી એઈમ્સનું શિલારોપણ કર્યું
શ્રીનગરમાં રૂ. 6000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રીએ બાંદીપોરામાં પ્રથમ ગ્રામીણ બીપીઓનું ઉદ્ઘાટન કર્યું
Posted On:
03 FEB 2019 9:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં તત્વોને દેશ ઇંટનો જવાબ પથ્થરથી આપશે. આજે શ્રીનગરમાં એકત્ર જનમેદનીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “અમે દરેક આતંકવાદીને એની જ ભાષામાં જવાબ આપીશું. અમે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની કમર તોડી નાંખીશું તથા અમારી સંપૂર્ણ ક્ષમતા સાથે લડીશું.”
પ્રધાનમંત્રીએ શહીર નઝીર અહમદ વાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમણે પોતાનું જીવન આતંકવાદીઓ સામે લડતાં સમર્પિત કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે,“હું શહીદ નઝિર અહમદ અને અન્ય બહાદુર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે પોતાનાં દેશ અને શાંતિ માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું. નઝિર અહમદ વાણીને અશોક ચક્ર એનાયત થયું હતું. તેમનું સાહસ અને તેમની બહાદુરી જમ્મુ અને કાશ્મીર તથા સંપૂર્ણ દેશનાં યુવાનો માટે જીવન જીવવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.”
પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણાં વર્ષો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ એની તેમને ખુશી છે. રાજ્યમાં વાતાવરણ ખરાબ હોવા છતાં લોકો મતદાન કરવા આગળ આવ્યાં એની તેમણે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આ લોકશાહીમાં તેમનો વિશ્વાસ અને રાજ્યનાં વિકાસ માટે તેમનો ઉમળકો દર્શાવે છે.
રાજ્યનાં સંપૂર્ણ વિકાસ માટે પોતાની પ્રાથમિકતા વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું અહીં રૂ. 6000 કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યો છું. આ તમામ પ્રોજેક્ટ શ્રીનગરની આસપાસનાં લોકો માટે જીવનને સરળ બનાવશે.”
પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરમાં શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે પુલવામામાં અવંતિપુરમાં એઈમ્સનું શિલારોપણ કર્યું હતું. એનો ઉદ્દેશ રાજ્યમાં હેલ્થકેરની માળખાગત સુવિધામાં સુધારો કરવાનો હતો. એને વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના આયુષ્માન ભારત સાથે જોડવામાં આવશે, જે મારફતે આશરે 10 લાખ લોકોને ફાયદો થશે. આ યોજનામાં જમ્મુ અને કાશ્મીરનાં જ આશરે 30 લાખ લોકોને આવરી લેવામાં આવ્યાં છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બાંદીપોરામાં પ્રથમ ગ્રામીણ બીપીઓનું ઉદ્ઘાટન થયું હતું. આ બાંદીપોરા અને પડોશી જિલ્લાઓનાં યુવાનો માટે રોજગારીની તકો વધશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાંદીપોરા ગ્રામીણ બીપીઓ આ વિસ્તારમાં યુવા પેઢી માટે રોજગારીની તકોનું સર્જન કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકાર કાશ્મીરી માઇગ્રન્ટ લોકોને સંપૂર્ણ સુરક્ષા આપશે, જેઓ અહીં પરત ફરવા ઇચ્છે છે અને જીવન જીવવા ઇચ્છે છે. આશરે 700 ટ્રાન્ઝિટ ફ્લેટનું નિર્માણ થયું છે, જેનો ઉદ્દેશ કાશ્મીરી માઇગ્રન્ટ કર્મચારીઓ માટે ટ્રાન્ઝિટ સુવિધા પ્રદાન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, 3000 પદો પર વિસ્થાપિત કાશ્મીરીઓને રોજગારી આપવાની કામગીરી ચાલુ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશનાં જુદાં જુદાં વિસ્તારોમાં કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી દ્વારા એક બટન દબાવીને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (આરયુએસએ) હેઠળ વિવિધ પ્રોજેક્ટ લોંચ કરવા પણ અન્ય એક આકર્ષણ હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં કિશ્તવાર, કુપવાડા અને બારામુલ્લામાં 3 મોડલ ડિગ્રી કોલેજનું શિલારોપણ કર્યું હતું. તેમણે જમ્મુ યુનિવર્સિટીમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને કારકિર્દી કેન્દ્રનું શિલારોપણ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ 400 કેવી ડી/સીની જલંધર-સામ્બા-રાજૌરી-શોપિયાન-અમરગઢ (સોપોર) ટ્રાન્સમિશન લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી જમ્મુ અને કાશ્મીરમાં ગ્રિડ કનેક્ટિવિટી વધી છે.
આ પ્રસંગે જનમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉની સરકારે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ઘણાં મોટાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ એનડીએ સરકારે વિવિધ વિસ્તારોમાં જુદાં જુદાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “અમારી સરકારે ઝારખંડમાં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી, ઉત્તરપ્રદેશમાં ઉજ્જવલા યોજના શરૂ કરી હતી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં કરી હતી, હેન્ડલૂમ અભિયાનની શરૂઆત તમિલનાડુમાં કરી હતી, બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનની શરૂઆત હરિયાણામાં કરી હતી.”
તેમણે જમ્મુ અને કાશ્મીરનાં લોકોને સપ્ટેમ્બર, 2018 સુધીમાં રાજ્યને ખુલ્લાં શૌચમુક્ત બનાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇન્નોવેશન, ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપ્સનો નવો પ્રવાહ ભારતમાં શરૂ થયો છે તથા સ્ટાર્ટ અપ અભિયાનને ગતિ મળી છે. તેમણે ઉમેર્યુ હતું કે, છેલ્લાં 3થી 4 વર્ષનાં ગાળાની અંદર ભારતમાં આશરે 15000 સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયાં છે તથા તેમાંથી અડધોઅડધ ટિઅર 1 અને 2 શહેરોમાં છે.
પ્રધાનમંત્રીએ ગાંદેરબાલમાં સીફોરામાં મલ્ટિપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇન્ડોર સ્પોર્ટ્સ સુવિધાથી યુવનોને મદદ મળશે અને તેમને ઇન્ડોર ગેમ્સ રમવાની તક મળશે. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરનાં તમામ 22 જિલ્લાઓને ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે, જેથી પ્રતિભાઓને આગળ આવવાની તક મળે અને રાજ્યમાં રમતગમતની માળખાગત સુવિધાઓમાં વધારો થાય.
પ્રધાનમંત્રીએ શ્રીનગરની ઓળખ સમાન દાલ સરોવરની મુલાકાત લીધી હતી અને અહીં ઊભી થયેલી સુવિધાઓની ચકાસણી કરી હતી.
પ્રધાનમંત્રીએ એક દિવસ માટે રાજ્યની મુલાકાત લીધી હતી અને તેમણે આ દરમિયાન રાજ્યનાં ત્રણે વિસ્તાર – લેહ, જમ્મુ અને શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો.
NP/J.Khunt/GP
(Release ID: 1562502)