પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ: શ્રી ગિરિરાજ સિંહ
શ્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ખેતી સાથે પશુપાલન ખેડૂતોની આવક વધારવા માટે ખૂબ જ જરૂરી છે
Posted On:
14 JUL 2019 3:45PM by PIB Ahmedabad
કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે. આ હેતુ માટે પહેલી વખત પશુપાલન ઉદ્યોગ અને ડેરીને ખેતી વિભાગથી અલગ કરવામાં આવ્યું છે. તેમનું મંત્રાલય ખેડૂતોને પરંપરાગત ખેતી સાથે પશુપાલન હાથ ધરવા માટે જરૂરી તમામ મદદ કરી રહ્યું છે. અમદાવાદ ખાતે આજે પત્રકારોને સંબોધતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેતી સાથે પશુપાલન એ ખેડૂતોની આવક વધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ ચાવી છે.
શ્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ખરવા મોવા જેવા રોગોથી ખેડૂતોને નફામાં 30 ટકા જેટલું નુકસાન થાય છે. આથી કેન્દ્ર સરકારે આવતા પાંચ વર્ષમાં આ રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ માટે સરકાર પૂરતા રસીકરણ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બ્રુસેલોસીસ નાબુદ કરવા માટે પણ અલાયદુ ભંડોળ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને તેમાં રહેલી તકો વિશે વાત કરતાં શ્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ માટે ખાસ ફંડ ફાળવવામાં આવ્યું છે. સરકાર માછીમારોની સુરક્ષા અને સર્વેલન્સ માટે ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન આપી રહી છે કે જેથી તેઓ ઊંડા દરિયામાં માછીમારી કરવા સક્ષમ બને. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ઝીંગા વિકાસની સારી તક રહેલી છે.
પશુની નસલ સુધારણાની જરૂરિયાત પર ભાર મૂકતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ અને આઈવીએફ ટેકનીક દ્વારા નસલ સુધારણા પર ધ્યાન આપી રહી છે.
શ્રી ગિરિરાજ સિંહે આજે અમદાવાદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમૂલ ડેરીના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.
J.Khunt
(Release ID: 1578708)