મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રીએ બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળ જિલ્લા અને રાજ્યોનું બહુમાન કર્યું
Posted On:
06 SEP 2019 4:26PM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તથા ટેક્સટાઈલ્સ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ સફળતાપૂર્વક બેટી બચાવો, બેટી પઢાવો યોજનાના અમલીકરણ બદલ જિલ્લા અને રાજ્યોનું આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં બહુમાન કર્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરી આ સમારંભમાં માનવંતા મહેમાન રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મહિલા અને બાળ વિકાસ મંત્રીઓનું જન્મ સમયે જાતિય ગુણોત્તરમાં સુધારા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.
જન્મ સમયે જાતિ ગુણોત્તરમાં સુધારા માટે 10 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા હતા. આ જિલ્લાઓમાં ઈસ્ટ કામેંગ (અરૂણાચલ પ્રદેશ), મહેન્દ્રગઢ અને ભિવાની (હરિયાણા), ઉધમ સિંગ નગર (ઉત્તરાખંડ), નમક્કલ (તામિલ નાડુ), જલગાંવ (મહારાષ્ટ્ર), ઈટાવા (ઉત્તર પ્રદેશ), રાયગઢ (છત્તીસગઢ), રેવા (મધ્ય પ્રદેશ) અને જોધપુર (રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જાગૃતિ પેદા કરવામાં તથા બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવા માટે 10 જિલ્લાઓનું પણ મંત્રી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં તિરૂવલ્લુર (તામિલ નાડુ), અમદાવાદ (ગુજરાત), મંડી, સિમલા, સીરમૌર (હિમાચલ પ્રદેશ), કિસ્તવર (જમ્મુ- કાશ્મીર), ગડઘ (કર્ણાટક), વોખા (નાગાલેન્ડ), ફરૂખાબાદ (ઉત્તર પ્રદેશ) અને નાગૌર (રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ અરૂણાચલ પ્રદેશના કામીંગ જિલ્લાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, કારણ કે ત્યાં વર્ષ 2014-15માં જન્મ સમયે જાતિય ગુણોત્તર 807 હતો તે વર્ષ 2018-19માં વધીને 1039 થયો છે. તેમણે જણાવ્યું હતું કે એવું સ્પષ્ટ પણે જણાય છે કે જો સરકાર અને સમાજ સાથે મળીને લક્ષ્યાંક હાંસલ કરવાનો નિર્ણય કરે તો કંઇ જ અશક્ય નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આ પ્રસંગે હરિયાણાના મહેન્દ્ર ગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યાં જન્મ સમયે જાતિય ગુણોત્તર વર્ષ 2001માં 800થી પણ નીચો હતો તે વધીને 916 થયો છે. તેમણે તામિલનાડુના તિરૂવલ્લુર જિલ્લાની પણ જન્મ સમયે જાતિય ગુણોત્તરમાં 38 પોઈન્ટના અસરકારક વધારા બદલ પ્રશંસા કરી હતી. છેલ્લા એક વર્ષમાં ત્યાં આ આંક 925થી વધીને 963 થયો છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે પણ જન્મ સમયે જાતિય ગુણોત્તર 13 પોઈન્ટ જેટલો સુધર્યો છે. વર્ષ 2014-15માં આ આંક 918 હતો તે વર્ષ 2018-19માં 931 થયો છે. મંત્રીશ્રીએ જન્મ સમયે જાતિય ગુણોત્તરના સુધારા માટે દરેક જિલ્લાએ બજાવેલી કામગીરીની નોંધ લીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પણ જન્મ સમયે કન્યા જન્મે તો તેની બાકીની જીંદગી સુરક્ષિત રાખવામાં સહાય કરી છે.
મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરીએ તેમના પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ગુણોત્તરમાં સુધારા માટે વધુ નક્કર પગલાંની જરૂર છે. જો તેવું થશે તો બાળકોનો કથળેલો જાતિય ગુણોત્તર સુધરશે. તેમણે જણાવ્યું હતું કે બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની સફળતા મોટા ભાગે રાજ્ય સરકારો, જિલ્લા વહિવટી તંત્ર અને સમુદાયોના સભ્યોના સક્રિય સહયોગ પર આધાર રાખે છે. તેમણે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ વડે સામાજિક પરિવર્તનનો હિસ્સો બનવા અને કન્યાઓ સાથે રાખવામાં આવતો ભેદભાવ દૂર કરવા તથા કન્યાઓ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભુ કરવા માટે સખત પરિશ્રમ કરવા દરેક નાગરિકને અનુરોધ કર્યો હતો.
સમારંભનું સ્વાગત પ્રવચન આપતાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવે બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંગે વિસ્તૃત રૂપરેખા આપી હતી.
રાજ્યો/જિલ્લાઓ દ્વારા તેમની કામગીરીમાં દર્શાવાયેલ ઈનોવેશન અને અમલીકરણ અંગે સ્લાઈડ શો બતાવવામાં આવ્યો હતો. તે પછી વિજેતા રાજ્યો અને જિલ્લાઓએ જે નવતર પ્રકારની કામગીરી હાથ ધરી હતી તે અંગેના નાનો વીડિયો દર્શાવવામાં આવ્યા હતા.
બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ તા. 22 જાન્યુઆરી, 2015ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું અમલીકરમ 640 જિલ્લામાં કરવામાં આવ્યું હતું અને દરેક જિલ્લાને મિડીયા કેમ્પેઈન અને પ્રચાર ઝૂંબેશથી આવરી લેવામાં આવ્યા હતા. આ જિલ્લાઓમાંથી 405 જિલ્લાને મલ્ટી-સેક્ટરલ ઈન્ટરવેશન હેઠળ 100 ટકા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સ્કીમ હેઠળ આવરી લેવાયા હતા અને જિલ્લા મેજીસ્ટ્રેટ/જિલ્લા કલેક્ટર બેટી બચાવો, બેટી પઢાવો યોજના પર સીધુ ધ્યાન આપતાં હતા.
તાજા અહેવાલો મુજબ વર્ષ 2014-15 અને વર્ષ 2018-19ના જન્મ સમયે જાતિય ગુણોત્તરના રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના આંકડા દર્શાવે છે કે તરાહમાં નોંધપાત્ર સુધારો થયો છે અને રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે જાતિય ગુણોત્તર 918 થી સુધરીને 931 થયો છે.
RP
(Release ID: 1584377)