માનવ સંસાધન વિકાસ મંત્રાલય
માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા વેબિનાર દ્વારા વાલીઓ સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સાથે ચર્ચા હાથ ધરશે
માનવ સંસાધન વિકાસ મંત્રાલય પોતાના વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે – શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’
Posted On:
27 APR 2020 6:46PM by PIB Ahmedabad
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે વેબિનારના માધ્યમથી સમગ્ર દેશના વાલીઓ તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓના કારણે તેમના મનમાં ઉભા થઇ રહેલા જુદા જુદા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ વેબિનાર સંવાદ વડે જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ સુધી તેમજ ગુવાહાટીથી લઈને ગુજરાત સુધી લગભગ 2000 વાલીઓ જોડાયા હતા.
કેન્દ્રીયમંત્રી દ્વારા પોતાના વેબિનાર સંવાદના માધ્યમથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓનલાઈન શિક્ષણ માટેના જુદા જુદા અભિયાનો અને યોજનાઓ વિષે તમામ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મંત્રાલયને પોતાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓની ચિંતા છે અને તે જ કારણસર અમે પહેલેથી ચાલી આવતી જુદી જુદી યોજનાઓને યુદ્ધના ધોરણે શરુ કરી હતી જેનો લાભ દેશના 33 કરોડ વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઉઠાવી શકે છે.
દેશભરના વાલીઓનો આભાર પ્રગટ કરતા કેન્દ્રીય મંત્રીજીએ કહ્યું હતું કે દેશ વર્તમાન સમયમાં અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. વાલીઓની માટે આ સમય વધારે કપરો છે કારણ કે તેમને પોતાના બાળકોના અભ્યાસ અને ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી હશે. શ્રી નિશંકે વાલીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના ભવિષ્યની માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ દિશામાં મંત્રાલય દીક્ષા, ઈ-પાઠશાળા, મુક્ત શૈક્ષણિક સંસાધનોનો રાષ્ટ્રીય ભંડાર (NROIR), સ્વયં, ડીટીએચ ચેનલ સ્વયં પ્રભા વગેરે દ્વારા તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ સતત ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શ્રી પોખરીયાલે જણાવ્યું કે ઓનલાઈન શિક્ષણ નીતિને સુદ્રઢ બનાવવા માટે અમે ભારત ભણે ઓનલાઈન અભિયાનની શરૂઆત કરી છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. અમને 10,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા જેની ઉપર મંત્રાલય ટૂંક સમયમાં દિશા નિર્દેશ લઇને આવશે.
કેન્દ્રીય મંત્રીએ વિદ્યાદાન 2.૦ વિષે વાલીઓને જણાવતા કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત મંત્રાલયે દેશના શિક્ષણવિદો અને શૈક્ષણિક સંગઠનોને જુદા જુદા ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર અભ્યાસક્રમને અનુસાર અભ્યાસ સામગ્રી તૈયાર કરવા અને તેમાં યોગદાન આપવાનો આગ્રહ કર્યો છે. શ્રી નિશંકે આગળ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અનેક શિક્ષણવિદો અને શૈક્ષણિક સંગઠનોએ પોતાનો રસ દાખવ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આપણને તે અંતર્ગત ઘણી બધી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ થઇ જશે.
આ ચર્ચા દરમિયાન ડૉ. નિશંકે વાલીઓના સવાલોના જવાબ પણ આપ્યા હતા. પટનાથી એક વાલીના એનસીઈઆરટી પુસ્તકોની ઉપલબ્ધતા વિષેના સવાલ પર મંત્રીજીએ જણાવ્યું હતું કે એનસીઈઆરટીએ લગભગ તમામ રાજ્યોમાં પુસ્તકો મોકલી આપ્યા છે અને ખૂબ જ ટૂંક સમયમ વિદ્યાર્થીઓને આ પુસ્તકો મળી જશે.
સીબીએસઈની ધોરણ 10 અને 12ની બાકી રહેલ પરીક્ષાઓ આયોજિત કરાવવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પરિસ્થિતિ સામાન્ય થાય પછી મુખ્ય વિષયોના 29 પેપરની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.
લોકડાઉનમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં થતું નુકસાન કઈ રીતે ઓછું કરી શકાય તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે મંત્રાલયના જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. તેમણે જણાવ્યું કે મંત્રાલય માત્ર દીક્ષા પ્લેટફોર્મ ઉપર જ 80,૦૦૦થી વધુ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે અને લોકડાઉનના સમયમાં તેને ઉપયોગમાં લેવાના દરમાં અનેક ગણી વૃદ્ધિ થઇ છે, તેમણે આગળ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કરોડો વિદ્યાર્થીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લોકડાઉનના કારણે અભ્યાસમાં નુકસાન ના થાય તેની માટે એનસીઈઆરટી દ્વારા વૈકલ્પિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે અને સીબીએસઈને પણ નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તે સિવાય કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓના કરિયર સંબંધી, પરીક્ષા સંબંધી અને અન્ય અનેક સવાલોના જવાબો આપ્યા હતા.
તેમણે આ દરમિયાન એ પણ જણાવ્યું કે મંત્રાલય સતત તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ સચિવોની સાથે સંપર્કમાં છે અને તે બાબતની ખાતરી કરવામાં લાગેલું છે કે આ સંકટની ઘડીમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે. તે જ સંદર્ભમાં આવતીકાલે તેઓ તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરશે જેમાં ખાસ કરીને કોવિડ-19 વડે ઉત્પન્ન થયેલ શૈક્ષણિક પડકારોને પહોંચી વળવા, મધ્યાહ્ન ભોજન અને સંપૂર્ણ શિક્ષણ અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે.
શ્રી નિશંકે આ વેબિનાર સાથે જોડાવા બદલ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવતા અઠવાડિયે તેઓ વેબિનારના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે જોડાશે અને તેમની સાથે વાતચીત કરશે.
તેમણે પોતાનો સંવાદ પૂરો કરતા પહેલા તમામ વાલીઓને આ મુશ્કેલ સમયમાં ધીરજની સાથે લોકડાઉનનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય વિભાગના દિશાનિર્દેશોનું પાલન કરતા રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને કોરોના વિરુદ્ધ આ લડાઈમાં સંપૂર્ણ ઈમાનદારી સાથે ભાગ લેવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
GP/DS
(Release ID: 1618779)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam