PIB Headquarters
ગરીબ કલ્યાણ પેકેજમાં મનરેગાનાં કાર્યમાં શ્રમિકોનું વેતન રૂ. 182 થી વધારી રૂ. 202 કરવામાં આવ્યું
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે જરૂરી સાવચેતી સાથે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં મનરેગાનું કાર્ય શરૂ થયું
Posted On:
29 APR 2020 3:49PM by PIB Ahmedabad
કોરોનાવાયરસનું સંક્રમણ અટકાવવા સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે સાથે ગરીબ લોકો આર્થિક સંકડામણમાં ન સપડાય તેમજ તેમનો જીવન નિર્વાહ ચાલુ રહે તેવા હેતુંથી 26 માર્ચના રોજ પ્રધાનમંત્રીના મર્ગદર્શન અનુસાર નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી, 1.70 લાખ કરોડના આ પેકેજમાં મનરેગાના કાર્યનું વેતન રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવ્યું છે, જેનો લાભ દેશભરના આશરે 13.60 કરોડ પરીવારોને મળ્યો છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં 20 એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટેન્સીંગ અને જરૂરી સાવચેતી સાથે મનરેગાનું કાર્ય ચાલુ થયું છે, જેનાથી જિલ્લાના હજારો પરિવારોને રાહત મળી છે.

(નર્મદા જિલ્લાના મનરેગા તકનિકી સહાયક હિતેશ બક્ષી)
તકનિકી સહાયક હિતેશ બક્ષીએ પીઆઈબીના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગ્રામીણ શ્રમિકો માટે મનરેગા સૌથી સારી યોજના છે, ખોદવાનું અને માટી કાઢવાનું કામ કોઈ પણ શ્રમિક સારી રીતે કરી શકે છે, અહીં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના જરૂરી સાવચેતી સાથે કામ-કાજ શરૂ કરવામાં આવ્યું છે, આ પ્રમાણે જિલ્લાના પાંચ તાલુકામાં કામ શરૂ થયું છે અને અમારૂ લક્ષ્ય છે વધુમાં વધુ લોકોને આ કાર્ય દ્વારા રોજગારી આપીએ.”

(હજરપુરા ગામના રોજગાર સેવક સોહિલ શેખ)
નર્મદા જિલ્લાના નાંદોડ તાલુકાના હજરપુરા ગામના રોજગાર સેવક સોહિલ શેખે જણાવ્યું હતું કે, “સરકારના દિશાનિર્દેશો અનુસાર શ્રમિકો પાસેથી કામ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, કોઈ પણ બિમાર શ્રમિક પાસેથી કામ લેવામાં આવતું નથી તેમજ દરેક શ્રમિકોને માસ્ક આપવામાં આવ્યા છે સાથે કાર્ય સ્થળ પર સેનિટાઈઝર તેમજ સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉક્ટરોની ટીમ પણ અહીં મુલાકાત લે છે, શ્રમિકોના શરીરનું તાપમાન ચેક કરે છે અને તેમને જરૂરી ધ્યાન રાખવા જેવી બાબતો સમજાવે છે.”

(નર્મદા જિલ્લાના શ્રમિક વિજેન્દ્ર વસાવા)
જ્યારે શ્રમિક વિજેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી અમે ઘરે બેઠા હતા, હવે આ કામ શરૂ થયું તો અમને રોજગારી મળશે, અમારી પાસે અત્યારે બીજુ કોઈ કામ પણ નથી તો અત્યારે સરકારે અમને આ કામ આપ્યું માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.”
મનરેગા યોજના દ્વારા અત્યારે મુખ્યત્વે જળસ્રોતને મજબૂત કરવાનું કામ કરવામાં આવે છે, સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તળાવ માટે ખોદવાનું કે તેનું સમારકામ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મનરેગાનું કામ શરૂ થતા શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
(Release ID: 1619239)
Visitor Counter : 135