PIB Headquarters

લોકડાઉનના કપરા સમયમાં ગુજરાતના 3.04 લાખ ગરીબોને મનરેગા હેઠળ મળી રહેલી રોજગારી


3463 ગ્રામ પંચાયતો હેઠળ તળાવો,ચેકડેમ ઊંડા કરવા તથા અન્ય જાહેર નિર્માણ કામો ચાલુ

દેશભરના 13.62 કરોડ લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ પૂરવાર થઇ રહેલી મનરેગા યોજના

Posted On: 12 MAY 2020 11:06AM by PIB Ahmedabad

હાલના સમયમાં ઉનાળામાં ખેતીવાડીના કામો પૂરા થઇ જવા સાથે કોરોનાને કારણે લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થતા ગરીબી રેખાની નીચે જીવતા શ્રમિક વર્ગને ઘર ચલાવવાની તકલીફ પડતી હોય એ સ્વાભાવિક છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ મનરેગામાં રજિસ્ટર થયેલા પરિવારોને આર્થિક મદદ માટે કેન્દ્ર સરકારે મનરેગાના કામો શરૂ કરવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું છે કે લોકડાઉનમાં શ્રમિકો માટે રોજગારીની મોટી સમસ્યા હોવાથી આ મંજૂરી મળ્યે ગુજરાત સરકારે 20 મી એપ્રિલથી પોતાની કામગીરી આરંભી દીધી હતી. અને હાલ 3463 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ 3,04,756 શ્રમિકોને દરરોજ રોજગારી અપાય છે. મનરેગા હેઠળ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મનરેગાના લાભાર્થીઓને દૈનિક રૂપિયા 224/- ચુકવવામાં આવી રહ્યા છે જેનાથી ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ખૂબ મદદ મળી રહી છે.

ગરીબી રેખાની નીચે જીવતા પરિવારો અને આદિવાસી પરિવારો હાલ લોક ડાઉનને કારણે મજૂરી થી વંચિત થઇ જતા વિકટ પરિસ્થિતિમાં આવી જતા જીવન જીવવું મુશ્કેલ બનવા લાગ્યું હતું ત્યાં જ કેન્દ્ર સરકારે દીર્ઘ દ્રષ્ટિ સાથે સંવેદના રાખી આ પરિવારો માટે મનરેગા હેઠળ તળાવો, ચેકડેમો તેમજ અન્ય જાહેર કામો શરૂ કરી રોજ દીઠ રૂપિયા બસો ચોવીસ દર સપ્તાહે લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરવાનો નિર્ણય લઈ તાત્કાલિક કામો શરૂ કરી દેવાયા જેના ભાગ રૂપે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ના આદિવાસી ગામો પૈકી ઇશનપોર તેમજ આજુબાજુના ગામડાઓમાં યોજના હેઠળ સંખ્યાબંધ બી પી એલ તેમજ આદિવાસીઓ ને મજૂરી કામો મળી રહ્યા છે અને તેઓ સરકારનો આભાર માની રહ્યા છે.

લાભાર્થી શ્રમિક બહેન બિન્દુબહેન

ઇશનપોરમાં ચાલતા મનરેગાના કામના લાભાર્થી શ્રમિક બહેન બિન્દુબહેને પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે અહીં દિવસ દરમ્યાન આશા વર્કર બહેનને હાજર રાખવામાં આવે છે, જે ખાસ કરીને મહિલાઓ અને અન્ય શ્રમજીવીઓના આરોગ્યની સંભાળ રાખે છે.

 

લાભાર્થી રમેશભાઇ ચૌધરી

અન્ય એક લાભાર્થી રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાનું જમા પાસું એ છે કે લાભાર્થીઓના ખાતામાં જ રોજ દીઠ રૂપિયા બસો ચોવીસ લેખે દર સાત દિવસે સીધા જમા થઇ જતા ભૂતકાળમાં ચાલતી વચેટિયાઓની સાંઠગાંઠ બંધ થઈ ગઇ છે તથા તત્કાળ પૈસા મળી રહેતાં ઘર ચલાવવામાં સરળતા રહે છે.

 

લાભાર્થી મહેન્દ્રભાઇ

લાભાર્થી મહેન્દ્રભાઇ પણ રોજગારી મળી રહેતાં ખૂશ છે. તેઓ કહે છે કે કોરોનાની મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને બધા કામ કરે છે. લોકડાઉનના આ વિકટ સમયમાં કેન્દ્ર સરકારના મનરેગા કામો શરૂ કરવાના નિર્ણયને એમણે સંવેદનશીલ ગણાવી પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5 મે 2020 સુધીમાં 39 કરોડ ગરીબ લોકોને 34,800 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાઈ છે. મનરેગા માટે ચાલુ નાણાંકીય વર્ષમાં 5.97 કરોડ લોકોના માનવ દિવસના કામની બાંયધરી આપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રૂપિયા 21,032 કરોડ રાજ્યોને વેતન અને સામગ્રીની બાકી ચૂકવણીઓ પૂરી કરવા માટે આપ્યા છે. હાલ મનરેગા યોજનાનો લાભ દેશભરના 13.62 કરોડ પરિવારોને મળી રહ્યો છે. આમ લોક ડાઉનના કપરા સમયમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના ખરા અર્થમાં ગરીબો માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે.

 

SD/GP


(Release ID: 1623198) Visitor Counter : 223