PIB Headquarters
મનરેગાથી મળી રહ્યું છે રોજગારીને પ્રોત્સાહન, ગ્રામીણ અર્થતંત્રને બેઠુ કરવા માટે સરકારનું વધુ એક સરાહનીય પગલું
આર્થિક પેકેજમાં મનરેગા માટેની ફાળવણીમાં રૂપિયા 40 હજાર કરોડનો વધારો,300 કરોડ માનવ દિવસની રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં પણ મનરેગા હેઠળ રોજગારી મળતાં ગ્રામીણ લોકોને મળી મોટી રાહત
Posted On:
19 MAY 2020 9:41AM by PIB Ahmedabad
કોરોના સંકટથી અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારને પહોંચી વળવા ભારત સરકાર તરફથી 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગામડા એ ભારતીય અર્થતંત્રનો મુખ્ય ભાગ છે. ત્યારે ગ્રામીણ અર્થતંત્રને બેઠું કરવા આર્થિક પેકેજમાં ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય વિકાસની બાબતો પર વધારે ભાર આપવામાં આવ્યો છે. જે વાતને ધ્યાને રાખી મહાત્મા ગાંધી રાષ્ટ્રિય ગ્રામીણ રોજગાર કાયદો – મનરેગા માટેની ફાળવણીમાં રૂપિયા 40 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આર્થિક પેકેજની વિસ્તૃત જાણકારી આપતાં કેન્દ્રીય નાણમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ ફાળવણીથી 300 કરોડ માનવ દિવસની રોજગારી ઉભી કરવામાં મદદ મળશે. સાથે જ ચોમાસાની ઋતુમાં વતન પરત ફરેલા પરપ્રાંતીય કામદારો સહિત લાયકાત ધરાવતા લોકો માટે કામ પુરું પાડવાની જોગવાઇ કરાઇ છે. મનરેગા હેઠળ જળ સંરક્ષણ સુવિધાઓ સહિત આજીવિકાના માધ્યમોનું મોટી સંખ્યામાં સર્જન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીની આ જાહેરાતથી ગ્રામીણ લોકોને મોટી રાહત મળી છે.

ગુજરાતમાં પણ મનરેગા હેઠળ રાજ્યના 33 જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જેમાં મુખ્યત્વે જળસંગ્રહના સ્ત્રોત વધારવા તેમજ પાણીનું સ્તર ઉંચુ લાવવા માટેના કામોને પ્રાથમિકતા આપવાવાં આવી રહી છે. રાજયમાં નાની નદી, ચેકડેમ,તળાવ ઊંડા કરવાના મનરેગા હેઠળના કામો થઇ રહ્યાં છે. 11,42,167 માનવદિવસની રોજગારીનું સર્જન થઇ ચૂક્યું છે. અને હજુ આગળ પણ કામો ચાલી રહ્યાં છે. મનરેગાથી રોજગારી તો મળી જ રહી છે પરંતુ સાથે સાથે જળસંચયની કામગીરીને વેગ મળી રહ્યો છે તે આ યોજનાનું વધુ એક જમા પાસુ પણ બની રહ્યું છે.
રાજ્યના અમરેલી જિલ્લામાં થઇ રહેલા મનરેગાના કામોથી ગ્રામીણ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. અમરેલીના કુકાવાવ તાલુકાના ખડખડ ગામમાં મનરેગાના પહેલા તબક્કામાં એક અઠવાડિયામાં 90 લોકોને અને બીજા તબક્કામાં 150 લોકોને રોજગારી મળી છે. અહીં સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. આ રોજગારી બદલ ખડખડ ગામના શ્રમિકો ભારત સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

શ્રમિક મનજીભાઇ
કુકાવાવ તાલુકાના ખડખડ ગામના શ્રમિક મનજીભાઇ તેમના ગામમાં થઇ રહેલા મનરેગાના કામથી સંતુષ્ઠ છે. અને આ કામથી તેમના પરિવારના ભરણપોષણ માટે જરૂરી આવક તેમને મળી રહી છે તેનો તેમને આનંદ છે. જે બદલ તેઓ ભારત સરકારનો આભાર વ્યક્ત કરે છે.

શ્રમિક પ્રફુલ્લભાઇ
ખડખડ ગામના અન્ય એક શ્રમિક પ્રફુલ્લભાઇને પોતાના ગામમાં જ રોજગારી મળી છે. અને કામના સ્થળ પર સરકારના નિયમોનું પાલન કરીને આરોગ્યને લઇને પણ પૂરતું ધ્યાન અપાઇ રહ્યું છે. તે બદલ સરકારનો આભાર માને છે.
અમરેલી જિલ્લાની જેમજ સમગ્ર રાજ્યમાં અને દેશમાં પણ મનરેગાથી ગ્રામીણ રોજગારીને પ્રોત્સાહન મળ્યું છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ આપેલ માહિતી મુજબ દેશમાં 13 મે 2020 સુધીમાં 14.62 કરોડ માનવ દિવસની રોજગારી ઉભી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં વાસ્તવિક ખર્ચ આશરે રૂપિયા 10 હજાર કરોડનો થયો છે.12 મેના રોજ એક દિવસમાં જ 1.87 લાખ ગ્રામ પંચાયતોમાં કામ ઇચ્છતા 2.33 કરોડ લોકોને કામ આપવામાં આવ્યું હતું. મનરેગામાં ગયા વર્ષે મે મહિનાની સરખામણીમાં આ વર્ષે 40 થી 50 ટકા વધારે વ્યક્તિઓની નોંધણી થઇ છે. સરેરાશ દૈનિક મજૂરીનો ખર્ચ જે ગયા નાણાકિય વર્ષમાં રૂપિયા 182 હતો તે વધારીને રૂપિયા 202 જેટલો કરી દેવામાં આવ્યો છે. પરત ફરી રહેલા પરપ્રાંતીય મજૂરોની નોંધણી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જયારે કાયદાની જોગવાઇ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરપ્રાંતિય મજૂરોને પણ કામ આપવાની સૂચના આપવામાં આવી છે.
આ વાતને ધ્યાને લેતાં આર્થિક પેકેજમાં મનરેગામાં કરવામાં આવેલ વધારાના નાણાની ફાળવણી યોગ્ય સાબીત થઇ રહી છે. વધુમાં એમ ચોક્કસથી કહી શકાય કે કોરોના સંકટને કારણે મૃતઃપાય થઇ ગયેલા ગ્રામીણ અર્થતંત્ર માટે મનરેગા એ સંજીવની જડીબુટ્ટી સમાન છે જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પુર્નજીવીત થઇ રહ્યું છે.
SD/GP
(Release ID: 1625026)
Visitor Counter : 295