પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 25મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 JUN 2020 12:19PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પચ્ચીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ઉદઘાટન સમારંભનો પ્રારંભ કરાવતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. હું આ યુનિવર્સિટી સાથે જોડાયેલા સંપૂર્ણ તબીબી અને વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવું છુ.
આ વર્ષોમાં, તમે તબીબી વ્યવસ્થાતંત્રમાં શિક્ષણ તેમજ તાલીમ માટે અદભૂત કામ કરી રહ્યા છો.
25 વર્ષ નો અર્થ એ થાય છે કે આ યુનિવર્સિટી હવે તેના સર્વોચ્ચ યુવા તબક્કામાં આવી ગઇ છે. આ ખૂબ મોટું વિચારવાની અને બહેતર કામ કરવાની ઉંમર છે. મને વિશ્વાસ છે કે, આ યુનિવર્સિટી આગામી સમયમાં ઉત્કૃષ્ટતાની નવી ઊંચાઇઓ સર કરશે. કોવિડ-19 પરિસ્થિતિનું સંચાલન કરવામાં કર્ણાટકની સરકારે કરેલા પ્રયાસોની પણ હું પ્રશંસા કરવા માંગુ છુ. મિત્રો, સામાન્ય જીવનમાં, ઉજવણી ચોક્કસપણે ઘણી મોટી જ હોય છે. જો વૈશ્વિક મહામારી ના હોત તો, મેં આ વિશેષ દિવસે બેંગલુરુમાં આપ સૌની સાથે આખો દિવસ વિતાવવાનું પસંદ કર્યું હોત.
પરંતુ, આજે આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. વિશ્વ યુદ્ધ પહેલા અને પછીના તબક્કામાં જે પ્રકારે આખી દુનિયામાં પરિવર્તન આવી ગયું તેવી જ રીતે, કોવિડ પહેલાં અને પછીની દુનિયામાં તફાવત જોવા મળશે.
મિત્રો, આવા સમય દરમિયાન, દુનિયા આપણા ડૉક્ટરો, નર્સો, તબીબી સ્ટાફ અને વૈજ્ઞાનિક સમુદાય તરફ આશા અને કૃતજ્ઞતાની ભાવના સાથે મીટ માંડીને બેઠી છે. દુનિયા તમારી પાસેથી સારવાર અને સંભાળ બંને ઇચ્છે છે. 
મિત્રો, કોવિડ-19 સામે ભારતની હિંમતપૂર્વકની લડતના મૂળિયામાં તબીબી સમુદાય અને આપણા કોરોના યોદ્ધાઓનો અથાક પરિશ્રમ છે. ખરેખર તો, ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓ સૈન્યના યોદ્ધા જેવા છે, પરંતુ તેઓ સૈન્યના ગણવેશ વગરના યોદ્ધા છે. આ વાયરસ આપણો  અદ્રશ્ય દુશ્મન હોઇ શકે છે પરંતુ આપણા કોરોના યોદ્ધાઓ, તબીબી કર્મચારીઓ અજેય છે. અદ્રશ્ય વિરુદ્ધ અજેયની આ લડાઇમાં, આપણા તબીબી કર્મચારાઓનો ચોક્કસ વિજય થશે. મિત્રો, અગાઉ, વૈશ્વિકરણની ચર્ચાઓમાં આર્થિક મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહેતા હતા. હવે, આખી દુનિયાએ એક થઇને વિકાસ માટેના માનવતા કેન્દ્રિત પરિબળો પર ધ્યાન આપવું જ પડશે.
દુનિયાના રાષ્ટ્રોમાં આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિનું મહત્વ અગાઉ ક્યારેય ના હોય એટલું થઇ જશે. મિત્રો, છેલ્લા છ વર્ષ દરમિયાન, અમે ભારતમાં આરોગ્ય સંભાળ અને તબીબી શિક્ષણ ક્ષેત્રે સંખ્યાબંધ પહેલની શરૂઆત કરી છે.
અમે વ્યાપકપણે ચાર સ્તંભ પર કામ કરી રહ્યા છીએ:
પ્રથમ સ્તંભ છે – નિવારાત્મક આરોગ્ય સંભાળ. આમાં યોગ, આયુર્વેદ અને સામાન્ય તંદુરસ્તીનું મહત્વ સમાવવામાં આવ્યું છે. ચાળીસ હજારથી વધુ સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં જીવનશૈલી સંબંધિત બીમારીઓને નિયંત્રણમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશનમાં મળેલી સફળતા નિવારાત્મક આરોગ્ય સંભાળનો અન્ય એક મુખ્ય ભાગ છે.
બીજો સ્તંભ છે – પરવડે તેવી આરોગ્ય સંભાળ. આયુષમાન ભારત – દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના ભારતમાં ચાલી રહી છે. માત્ર બે વર્ષથી ઓછા સમયમાં, એક કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. મહિલાઓ અને ગામડામાં રહેલા લોકો આ યોજનાના સૌથી વધુ લાભાર્થીઓ છે.
ત્રીજો સ્તંભ છે – પૂરવઠા બાજુએ સુધારા. આપણા જેવા રાષ્ટ્રમાં યોગ્ય તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. દેશમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અથવા અનુસ્નાતક મેડિકલ ઇન્સ્ટિટ્યુટ હોય તે સુનિશ્ચિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. 
વધુ 22 એઇમ્સ ઉભી કરવા માટે દેશમાં ઝડપથી આ દિશામાં પ્રગતિ થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં, અમે MBBSમાં ત્રીસ હજારથી વધુ અને અનુસ્નાતક અભ્યાસમાં પંદર હજારથી વધુ બેઠકો ઉમેરવામાં સમર્થ રહ્યાં છીએ. સ્વતંત્રતા પછી કોઇપણ સરકાર દ્વારા તેમની પાંચ વર્ષની મુદત દરમિયાન કરવામાં આવેલી આ સૌથી મોટી વૃદ્ધિ છે. સંસદના કાયદાની મદદ લઇને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના બદલે હવે નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવી છે. આના કારણે તબીબી શિક્ષણની ગણવત્તામાં લાંબાગાળો મોટો સુધારો આવશે, તેને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી લઇ જઇ શકાશે.
ચોથો સ્તંભ છે – મિશન મોડ પર અમલીકરણ. ખૂબ સારી રીતે વિચારીને કાગળ પર ટાંકેલો વિચાર માત્ર સારો વિચાર જ રહે છે. અને, સારી રીતે અમલમાં મુકેલો સારો વિચાર તેને શ્રેષ્ઠ બનાવે છે. આથી, વિચારનું અમલીકરણ ખૂબ જ મહત્વનું છે.
અહીં, હું ભારતના રાષ્ટ્રીય પોષણ મિશનની સફળતા પર પ્રકાશ પાડવા માંગુ છુ જે યુવાનો અને માતાઓને ખૂબ મદદરૂપ થઇ રહ્યું છે. 2025 સુધીમાં ભારતમાંથી TB નાબૂદ કરવા માટે દેશ અત્યારે ચોવીસ કલાકના ધોરણે કામ કરી રહ્યો છે. 2030માં સમગ્ર દુનિયામાંથી TB નાબૂદીના લક્ષ્યની સરખામણીએ આપણું લક્ષ્ય પાંચ વર્ષ અગાઉ જ છે. મિશન ઇન્દ્રધનુષના કારણે રસીકરણ કવરેજની વાર્ષિક વૃદ્ધિમાં ચાર ગણો વધારો થયો છે. મિત્રો, કેન્દ્ર સરકારે તાજેતરમાં 50થી વધુ અલગ અલગ આનુષંગિક અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સ શિક્ષણમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપતો નવા કાયદો લાવવાની માન્યતા આપી છે. આનાથી પણ ભારતમાંથી અન્ય દેશોમાં કૌશલ્યપૂર્ણ સંસાધનોની આપૂર્તિ કરવામાં મદદ મળી શકશે.
મિત્રો, એવી ત્રણ બાબતો છે જેના પર ચર્ચા કરવા અને તેમાં ભાગ લેવા માટે હું વિનંતી કરું છુ.
પહેલી વાત – ટેલિમેડિસિનમાં પ્રગતિ. શું આપણે એવા કોઇ નવા મોડલ વિચારી શકીએ જે ટેલિ-મેડિસિનને ખૂબ જ મોટાપાયે લોકપ્રિયતા અપાવી શકે? 
બીજી વાત, આરોગ્ય ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે સંકળાયેલી છે. પ્રારંભિક લાભથી મારામાં આશાવાદ જાગ્યો છે. આપણા આશાવાદી ઉત્પાદકોએ PPEનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને તેમણે અંદાજે 1 કરોડ જેટલા PPEનો જથ્થો કોવિડ યોદ્ધાઓને પૂરો પાડ્યો છે. તેવી જ રીતે, અમે તમામ રાજ્યોમાં 1.2 કરોડ ‘મેક ઇન ઇન્ડિયા’ N-5 માસ્કનો જથ્થો પૂરો પાડ્યો છે.
ત્રીજી વાત છે – તંદુરસ્ત સમાજ માટે IT સંબંધિત સાધનો. મને ખાતરી છે કે તમારા મોબાઇલમાં તમે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી જ હશે. 12 કરોડ આરોગ્ય સતર્ક લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. કોરોના વાયરસ સામેની લડાઇમાં આ એપ્લિકેશન ખૂબ જ મદદરૂપ છે.
મિત્રો, તમારા માટે સૌથી વધુ ચિંતાજનક બાબતથી હું સારી રીતે વાકેફ છુ. ટોળાની માનસિકતાના કારણે, જેઓ અગ્ર હરોળમાં રહીને કામ કરી રહ્યા છે, જેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે – ભલે તે ડૉક્ટર, નર્સો, સફાઇ કર્મચારીઓ કે પછી બીજી કોઇપણ વ્યક્તિ હોય તેઓ હિંસાનો ભોગ બની શકે છે. હું ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક જણાવવા માંગું છુ કે, હિંસા, ગેરવર્તણૂક અને કઠોર વર્તન કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. કોઇપણ પ્રકારની હિંસાથી તમને સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અમે અગ્ર હરોળમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ માટે રૂપિયા પચાસ લાખનું વીમા કવચ પૂરું પાડ્યું છે. 
મિત્રો, છેલ્લા 25 વર્ષની આ યુનિવર્સિટીની ફળદાયી સફર પર નજર કરતા મને ઘણી ખુશી થાય છે જેણે હજારો તબીબી અને પેરામેડિકલ લોકો આપ્યા છે અને તેમણે આ પડકારજનક સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી છે. મને ખાતરી છે કે, યુનિવર્સિટી આગામી સમયમાં પણ ઉત્કૃષ્ટ ગુણવત્તાના અને કૌશલ્યપૂર્ણ આરોગ્ય પ્રોફેશનલો આપશે અને તેમના કારણે રાજ્ય તેમજ દેશને ગૌરવ થશે. 
આભાર. 
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
 
 
                
                
                
                
                
                (Release ID: 1628330)
                Visitor Counter : 388
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam