PIB Headquarters

ખેડૂતો માટે કલ્યાણકારી યોજના એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, દેશના 2.5 કરોડ ખેડૂતોને રાહતદરે અપાશે રૂપિયા 2 લાખ કરોડનું ધિરાણ


કેન્દ્ર સરકારના નવા આર્થિક પેકેજમાં ખેડૂત અને ખેતી માટે ઘણી લાભદાયક જોગવાઇ, સહાયથી થશે રાહત તો ધિરાણ થકી ખેડૂતો પામશે આર્થિક સધ્ધરતા

Posted On: 22 JUN 2020 10:50AM by PIB Ahmedabad

        ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનું હિત જાળવવું આવશ્યક છે. એ બાબત વર્તમાન ભારત સરકાર બરાબર સમજે છે. માટે જ કોરોના મહામારીમાં ઉભા થયેલા આર્થિક સંકટને દૂર કરવા કેન્દ્ર સરકારે રજૂ કરેલા આર્થિક પેકેજમાં કૃષિક્ષેત્ર માટે ઘણી જાહેરાતો સાથે ખેડૂતો અને ખેતી માટે નવી જોગવાઇઓ કરી છે. જે ખરેખર ખેડૂતો માટે લાભદાયક છે. કૃષિક્ષેત્ર માટેની આઠ મોટી જાહેરાતો સાથે કુલ 1.63 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ જ્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અપાતી સહાયથી ખેડૂતોને રાહત મળી છે. ત્યાં બીજી તરફ ખેડૂતોને તેમની ખેતી માટે જરૂર પડતી મૂડીની સમસ્યાને દૂર કરવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં છે.

 

        ઋતુ આધારિત ખેતી કરતા ખેડૂતોને ખેતીમાં મનપસંદ પાક લેવા નાણાની જરૂર ઉભી થાય ત્યારે આ યોજના હેઠળ પાક આધારિત ખેતીકામ માટે સરકારી કે સહકારી બેંકમાંથી ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે. આ ધિરાણ થકી ખેડૂતો પાકનું બિયારણ, ખાતર કે અન્ય જરૂરી સાધન-સામગ્રી ખરીદી શકે છે. ખેતીકામમાં થતા ખર્ચને કરી શકે છે. સરકારની લોનરૂપી સહાય તેમને અન્ય વ્યાજખોરોના ત્રાસથી બચાવે છે. અને તેઓ નિશ્ચિંત બની ખેતી કરી સારી ઉપજ મેળવી આત્મનિર્ભર બની શકે છે.

        કિસાન ક્રેડિડ કાર્ડ યોજનાની આવશ્યકતા અને સફળતાને જોતા કેન્દ્ર સરકારે નવા આર્થિક પેકેજમાં આ યોજના હેઠળ દેશના 2.5 કરોડ ખેડૂતોને રાહતદરે રૂપિયા 2 લાખ કરોડનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે. સાથે જ ખેડૂતોની ક્રેડિટમાં 20 ટકા સુધીના વધારો પણ કર્યો છે. સરકારની આ જોગવાઇથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધશે માટે જ સરકારના આ પેકેજ અને યોજનાને ઘણો જ આવકાર મળી રહ્યો છે.

 

1 mahendra.jpg

મેનેજર શ્રી મહેન્દ્રભાઇ વાળા

        ગુજરાતના ખેડા જિલ્લાની લીડ બેંક બેંક ઓફ બરોડાના મેનેજર મહેન્દ્રભાઇ વાળાએ અમારા પીઆઈબીના પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારની યોજનાનું અમલીકરણ કરીને ખેડા જિલ્લાની વિવિધ બેંકમાંથી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ છે. આ જિલ્લાની વિવિધ બેંકમાં કુલ 79,194 જેટલા ખેડૂત ખાતેદારો છે. જેમને કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. આ તમામ ખાતેદારોને જૂદીજૂદી તમામ બેંકોમાંથી કુલ 1515.68 કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ ધિરાણથી ખેડૂતો બિયારણ, ખાતર અને અન્ય ખેતી આવશ્યક સામાન ખરીદી શકે છે. આવશ્યકતાના સમયે નાણા મળી રહે છે માટે આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ  છે. આ યોજના બદલ હું ભારત સરકારને અભિનંદન આપવાની સાથે યોજનાની સરાહના કરું છું.

2 vikram.jpg

ખેડૂત શ્રી વિક્રમભાઇ પંડ્યા

        ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામના ખેડૂત વિક્રમભાઇ પંડ્યાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે હું બેંક ઓફ બરોડાની ડભાણ શાખામાં કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવું છું. મને ધિરાણ મળે છે અને તેની હું નિયમિત ચૂકવણી કરું છું. જેનાથી સરકારની વ્યાજ સહાય પણ મળે છે અને મારી ક્રેડિટ પણ વધે છે. ભારત સરકારે કોરોના સંકટને લઇને ક્રેડિટ પર 20 ટકાના વધારાની પણ જાહેરાત કરી છે. મને લોન પણ મળી છે. આ યોજના મારા જેવા ખેડૂતો માટે ખૂબ સારી છે. જે માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું.

5.jpg

ખેડૂત શ્રી ઉસ્માનખાન પઠાણ

        ખેડા જીલ્લાના ડભાણ ગામના ખેડૂત ઉસ્માનખાન પઠાણે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે અમે ઘણા વર્ષોથી ખેતી કરીએ છીયે. પરંતુ સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી અમને લોન મળતી થઇ ત્યારથી અમે આત્મવિશ્વાસથી ખેતી કરી શકીયે છીએ. યોગ્ય સમયે ઉચ્ચ કક્ષાના ખાતર અને બિયારણની ખરીદી કરી શકીયે છીએ. અને હવે કોવિડ-19 ના સમયમાં પણ કેન્દ્ર સરકારે નવી જાહેરાતો કરી છે. તો તે અમારા માટે સબળ પૂરવાર થશે. તે માટે હું પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.

        ખેતર ખેડતાં ખેડૂતોના મહેનતમાં સરકારની સહાય અને ધિરાણ ભળતાં ઇચ્છિત પરિણામ સાથે સારી ઉપજ મેળવી શકાય છે, તેવું ખેડૂતોનું માનવું છે. ત્યારે ભારત સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખી રજૂ કરેલ કૃષિલક્ષી આર્થિક પેકેજ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખરેખર સરાહનીય છે.

 

SD/GP


(Release ID: 1633277)