માહિતી અને પ્રસારણ મંત્રાલય

'સેવા પરમો ધર્મ' આ ઉક્તિને શબ્દસહ ચરિતાર્થ કરી રહ્યા છે પાંચ કોવિડ વિજય રથ


ગરવી ગુજરાતની પ્રજા લઇ રહી છે સાવચેતી અને સલામતીના શપથ

Posted On: 14 OCT 2020 5:13PM by PIB Ahmedabad

આજથી સાડત્રીસ દિવસ અગાઉ શરુ થયેલ કોવિડ વિજય રથ જાગૃતિ અભિયાન તેના અંતિમ તબક્કામાં પણ ભરપુર ઉત્સાહ અને ઉર્જા દ્વારા લોક સેવાના ઉદેશ્યને ચરિતાર્થ કરી રહ્યું છે. ‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ એ નારા સાથે આજે આડત્રીસમાં દિવસે સતત નાગરિકોને માસ્ક બરાબર રીતે પહેરવો, સાબુથી હાથ વારંવાર ધોવા અને 6 ફુટના સામાજિક અંતરનું પાલન કરવું એ ત્રણ મુખ્ય બાબતો વિશે જાગૃત કરી રહ્યા છે. આ ઉપરાંત જનઆંદોલનને કેન્દ્રમાં રાખીને જન-જન સુધી કોવિડ વિજય રથ સાવચેતી, સલામતી અને જાગૃતિના શપથ લેવડાવી રહ્યા છે, સાથે જ સૌનું સ્વાસ્થ્ય સલામત રહે એની કાળજી પણ લઇ રહ્યા છે. રથ દ્વારા લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ પણ અવિરત ચાલુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રુપમોરા ગામથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે રથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાથી ખંભાળિયા જવાના માર્ગે આવતા ઝીવાડા ગામમોટા ગુંદા ગામ, ગુંદલા ગામ, ભાંભોખ્રી ભોખરી પોસ્ટ ઓફિસ પાસે, ભીંડા ગામ, ગુંદામોરા ખોડીયાર મંદિર પાસે વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા અને કોરોના સાવચેતી અંગે જાગૃત કર્યા, તેમજ લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા. આ સાથે જ લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું. સાંજે 4 વાગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ( જામ ખંભાળિયા ) ખાતે રથે રોકાણ કર્યું હતું.

આજે રથે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામથી પ્રસ્થાન કર્યું હતું. આરોગ્ય ઓફિસથી દીપકભાઈ પટેલ, આશા વર્કર નીતાબેન મહેતા, આંગણવાડી વર્કર નીતાબેન પટેલે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ  લોકોએ કોરોના સામે લડવા અને સાવચેત રહેવા માટે પ્રતિજ્ઞા લીધી. સમગ્ર દિવસ દરમિયાન રથે ભગવાનપુરા, પુના, વલવાડા વગેરે વિસ્તારોના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ખાતેથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. માંગરોળ ખાતેની તાલુકા આરોગ્ય કચેરી (બ્લોક હેલ્થ ઓફિસ) થી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એમ.કે. ડાભીએ લીલીઝંડી આપી રથ પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય કચેરીના તમામ આરોગ્ય કર્મીઓ તેમજ માંગરોળ ગામ લોકોની ઉપસ્થિતિ રહી. ઉપસ્થિત સૌ લોકોએ કોરોના મહામારી સામેના શરૂ થયેલા જન આંદોલનમાં જોડાવવા માટેના શપથ લીધા. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ તમામ નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. આજે આડત્રીસમા દિવસે માંગરોળ કોર્ટ વિસ્તાર, એમએન કલ્પની આર્ટસ કોલેજ વિસ્તાર, હાઉસિંગ કોલોની, પીજીવીસીએલ સ્ટોર, બીઆરએસ કોલેજ, ગણેશ સોસાયટી, દરગાહ સૈયદ, રાંદલ માં મંદિર, માંગરોળ દરિયા કિનારો, માંગરોળ બંદર સબ પોસ્ટ ઓફિસ વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. દિવસના અંતે સાંજે 4 વાગે માંગરોળમાં રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

આજે રથે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના હરીપુરા ગામથી રથે પ્રસ્થાન કર્યું હતું. હરીપુરા ગામના સરપંચ શ્રીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે ગામની આસપાસના વિસ્તારોમાં ભ્રમણ કરીને કોરોના અંગે, પોષણના મહત્વ વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રથ પર સવાર કલાકારોએ સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોને કોરોના જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.

આજે આડત્રીસમા દિવસે કોવિડ વિજય રથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની સામુહિક આરોગ્ય અને રેફરલ હોસ્પિટલ ખાતેથી ડોક્ટર સોલંકીએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના નાની ભાગોળ, પઠાણવાળા, તેમજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ, લોદરા ગામના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.

 

SD/GP/BT


(Release ID: 1664406) Visitor Counter : 201