સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આગામી સમયમાં આવી રહેલી તહેવારોની લાંબી ઋતુ દરમિયાન પ્રધાનમંત્રીના જન આંદોલનના અમલીકરણ અંગે ડૉ. હર્ષવર્ધને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ચર્ચા કરી

Posted On: 19 OCT 2020 6:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો અને રાજ્ય તેમજ કેન્દ્રના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ચર્ચા થઈ હતી.

દેશ હાલમાં મહામારીના દસમા મહિનામાંથી પસાર થઇ રહ્યો હોવાનું સૌને યાદ અપાવતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હાલમાં સક્રિય કેસની સંખ્યા લગભગ 7,72,000 છે જે લગભગ એક મહિનાથી 10 લાખથી નીચે છે. છેલ્લા 24 કલાકમાં નવા 55,722 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 66,399 નવા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કેસની સંખ્યા બમણી થવાનો સમય વધીને 86.3 દિવસ થઇ ગયો છે અને દેશમાં ટૂંક સમયમાં જ કુલ પરીક્ષણોની સંખ્યા 10 કરોડના આંકડા સુધી પહોંચી જશે.

ગુજરાતમાં કોવિડના વ્યવસ્થાપન અંગે તેમણે નોંધ્યું હતું કે, સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંથી એક એવા ગુજરાત રાજ્યએ શરૂઆતથી જ સાજા થવાની સંખ્યામાં નોંધપાત્ર પ્રગતિ કરતા ભારતના રિકવરી દર (88.26%)ની સામે રાજ્યનો રિકવરી દર 90.57% નોંધાયો છે. તેમણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ 77,785 પરીક્ષણો કરવા બદલ રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા જેની સામે દેશમાં આ સરેરાશ આંકડો 68,901 છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સક્રિય કેસનું ભારણ માત્ર 14,414 રહ્યું છે જેમાંથી 99.4% દર્દીઓની સ્થિતિ સ્થિર છે. બાકીના 0.6% દર્દીઓ એટલે કે માત્ર 86 દર્દીને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

હવે શિયાળો આવી રહ્યો છે અને તહેવારોની લાંબી ઋતુ  પણ આવી રહી છે ત્યારે કોવિડ-19 સામે અત્યાર સુધી મળેલા સારાં પરિણામો સામે જોખમ પણ વધી ગયું છે – પોતાના આ વિધાનનો પુનરુચ્ચાર કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિના માટે આપણે સૌએ સતર્ક રહેવું પડશે. માસ્ક/ફેસકવર પહેરવું, શારીરિક અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવાનો પ્રધાનમંત્રીનો સંદેશો છેવટના નાગરિક સુધી પહોંચવો જોઇએ. તેના ચુસ્ત પાલન પર દેખરેખ રાખવા માટે પગલાં લેવા જોઇએ. કોવિડને રોકવા માટે યોગ્ય શિષ્ટાચારનું પાલન કરવું ખૂબ જ સરળ છે.

ડૉ. હર્ષવર્ધને સૌથી અસરગ્રસ્ત અને પોતાના શહેરી વિસ્તારોના કારણે સૌથા વધુ સંવેદનશીલ જિલ્લા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતના જિલ્લા કલેક્ટરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં નોંધપાત્ર પ્રમાણમાં કેસની વૃદ્ધિ નોંધાવનારા જુનાગઢ અને જામનગર જિલ્લામાં લેવામાં આવેલા નિવારાત્મક પગલાં અંગે પણ માહિતી મેળવી હતી.

આગામી ઋતુ કે જેમાં તહેવારોની સાથે સાથે મોટી સંખ્યામાં લગ્નો અને પર્યટન પણ વધશે તે સ્થિતિમાં રાજ્યની પૂર્વતૈયારીઓ અંગે શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિવિધ પ્રવૃત્તિઓનું સલામત રીતે આયોજન થઇ શકે તે માટે SoP બહાર પાડવામાં આવી છે. બસો દ્વારા અમદાવાદની મુલાકાતે આવી રહેલા લોકોનું શહેરની સીમા બહાર જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પોઝિટીવ દર્દી મળે તો તેમને આઇસોલેશન માટે મોકલવામાં આવે છે.

લોકોના જીવનની સાથે સાથે આજીવિકા બચાવવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગો દ્વારા વીજ વપરાશનું પ્રમાણ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી ગયું છે અને રાજ્યમાં GST કલેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે.

રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના નિદેશક શ્રી સુજિત સિંહે રાજ્યમાં કોવિડ અંગેની ચર્ચામાં ઉપસ્થિત તમામ લોકોની પ્રશંસા કરી હતી અને ઇન્ફ્લુએન્ઝાના ફેલાવા સામે સૌને સતર્ક રહેવા માટે ચેતવ્યા હતા કારણ કે શિયાળાની ઋતુમાં તેનું પ્રમાણ સર્વાધિક હોય છે.

અધિક સચિવ (આરોગ્ય) શ્રીમતી આરતી આહુજા, ગુજરાતના અગ્ર સચિવ (આરોગ્ય) સુશ્રી જયંતિ રવિ, ICMRના મહા નિદેશક પ્રો. (ડૉ.) બલરામ ભાર્ગવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

SD/GP/BT


(Release ID: 1665957)