સંસદીય બાબતોનું મંત્રાલય

વિવિધતાભર્યા દેશને એકતાના તાંતણે બાંધે છે ભારતીય બંધારણ, વેબીનાર દ્વારા કરાઇ બંધારણ દિવસની ઉજવણી


કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા કરાયું વેબીનારનું આયોજન

Posted On: 26 NOV 2020 6:26PM by PIB Ahmedabad

       1700થી વધુ બોલીઓ જે દેશમાં બોલાય છે તે દેશ એટલે આપણો ભારત દેશ. જ્યાં જુદા-જુદા ધર્મ અને જુદી-જુદી જાતિના લોકો વસે છે. અનેક રંગોથી રંગાયેલ અને વિભિન્ન સંસ્કૃતિઓથી બનેલ આપણા વિવિધતાભર્યા દેશને એકતાના તાંતણે બાંધે છે ભારતીય બંધારણ. બંધારણ દિવસની ઉજવણી સંદર્ભે આયોજીત વેબીનારને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે આ વાત કહી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જે બંધારણે આપણને સમાનતા, સ્વતંત્રતા, શિક્ષણ જેવા વિભિન્ન અધિકારો આપ્યાં છે તેના મૂલ્યોનું જતન કરવું અને તેમાં દર્શાવેલ આપણી ફરજોનું પાલન કરવું એ આપણી જવાબદારી પણ છે.

        26 નવેમ્બરે ભારતીય બંધારણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો-અમદાવાદ, ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ અને પાલનપુર દ્વારા 'વિવિધતાભર્યા દેશને એકતાના તાંતણે બાંધતું ભારતીય બંધારણ' વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી આર.બી.અંગારી, વડોદરાના સિવિલ જજ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રટરી શ્રી વિશાલ ગઢવી, શેઠ એન.એમ લો કોલેજ, પાટણના સહાયક પ્રાધ્યાપક ડૉ. અવનીબેન આલ તેમજ પાટણના વકીલ શ્રી દેવાંગ ખમાર વેબીનારમાં મુખ્ય વકતા સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં.

     જો દેશના તમામ નાગરિકો તેમની ફરજોનું પાલન કરશે તો આપણો દેશ વિશ્વમાં સક્ષમ દેશ તરીકે ઉભરી આવશે એવું કહેતાં વડોદરાના સિવિલ જજ શ્રી વિશાલ ગઢવીએ દેશમાં કાયદાને સર્વોચ્ચ અને બંધારણના હાર્દ સમો ગણાવ્યો હતો અને બંધારણ દિવસે કાયદાઓનું પાલન કરવા પ્રતિજ્ઞાબદ્ધ થવાની અપીલ કરી હતી. દેશના છેવાડાના માનવી સુધી બંધારણમાં રહેલા અધિકારોની વાત પહોંચાડવા તેમણે યુવાવર્ગ અને શિક્ષિતવર્ગને આગળ આવવા અનુરોધ કર્યો હતો. ભારતીય બંધારણની લિખિત પ્રત એ માત્ર પુસ્તક નથી પરંતુ આપણા સૌ માટે એક ધર્મગ્રંથ- એક માર્ગદર્શક ગ્રંથ છે તેમ કહી પ્રાધ્યાપક ડૉ.અવનીબેન આલે બંધારણની લિખિત બે નકલો વિશે માહિતી આપી હતી. વધુ જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે લોકસભાની લાઇબ્રેરીમાં સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવામાં આવેલ બંધારણની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલ છે. જેના આમુખ પર બંગાળી કલાકાર દ્વારા સુંદર ચિત્ર સાથે તેને સુશોભિત કરવામાં આવી છે.  

 

    

 

      આપણા બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે. અને આ અધિકારને પ્રાપ્ત કરવા દરેક યુવા મતદારે તેનું મતદારકાર્ડ ચોક્કસથી કઢાવી લેવું જોઇએ. એમ કહી દેશમાં ચાલી રહેલ મતદારયાદી સુધારણા તેમજ નવા મતદાર ઓળખ કાર્ડ વિશે જાણકારી આપતાં ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી આર.બી.અંગારીએ આપણા બંધારણ અને લોકતંત્રની જાણકારી તેમના વક્તવ્યમાં આપી હતી.

      વેબીનારનું સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ પાલનપુરના અધિકારી શ્રી જે.ડી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તજજ્ઞો દ્વારા અપાયેલ જાણકારી તેમજ વેબીનારમાં રસપૂર્વક જોડાયેલ લોકોના પ્રતિભાવોથી સોશ્યલ મીડિયાના માધ્યમથી થયેલ બંધારણ દિવસની ઉજવણી સાર્થક રહી હતી.

 


(Release ID: 1676120)