વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ઉત્સવોના દેશ ભારતમાં ઉજવાશે વિજ્ઞાન મહોત્સવ, પ્રથમવાર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર થશે ઉજવણી
વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો સાથે જોડાવાની એક ઉત્તમ તક એટલે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ
प्रविष्टि तिथि:
20 DEC 2020 9:54PM by PIB Ahmedabad
આપણો દેશ ભારતએ ઉત્સવોનો દેશ છે. અહીં પ્રકાશનો ઉત્સવ, રંગોનો ઉત્સવ અને બીજા ઘણા પરંપરાગત ઉત્સવો ઉજવાય છે. ત્યારે આ ઉત્સવોના દેશ ભારતમાં આગામી 22 ડિસેમ્બરથી વિજ્ઞાનનો મહોત્સવ ઉજવાવા જઇ રહ્યો છે. સીએસઆઇઆર તેમજ સીએસએમસીઆરઆઇ-ભાવનગરના નિદેશક ડૉ. કાનન શ્રીનિવાસને વિજ્ઞાન મહોત્સવની ઉજવણી પૂર્વે યોજાયેલ કાર્યક્રમમાં આ વાત કહી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વને પાઇનું મુલ્ય આપનાર અને શૂન્યની ભેટ આપનાર આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાચીનકાળથી વિશ્વના અન્ય દેશોની તુલનામાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. દેશની વિજ્ઞાનના ક્ષેત્રમાં થઇ રહેલ પ્રગતિ અને થઇ રહેલા નીતનવાં શોધ-સંશોધનોને જાણવા-માણવાનો અવસર એટલે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ. જે આ વર્ષે આગામી 22થી 25 ડિસેમ્બર સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાઇ રહ્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ, ફિલ્ડ આઉચરીચ બ્યુરો-જુનાગઢ તેમજ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, ભાવનગર દ્વારા ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2020 (આઈઆઇએસએફ2020) નાં ભાગરૂપે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વક્તા વિશેષ તરીકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયા, રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, સીએસએમસીઆરઆઇ-ભાવનગરના નિદેશક ડૉ. કાનન શ્રીનિવાસ તેમજ વિશેષજ્ઞ તરીકે સીએસએમસીઆરઆઇ-ભાવનગરના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા હલદર, ડૉ.અરૂપ ઘોષ અને ડૉ. ભૂમિ અંધારિયાની ઉપસ્થિતિ રહી હતી.
વિજ્ઞાન વિના જીવન શક્ય નથી અને વિજ્ઞાન વિના આત્મનિર્ભર થવું પણ શક્ય નથી તેવું કહેતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ કાર્યક્રમાં પોતાની વાત રજૂ કરતાં આ વર્ષના વિજ્ઞાન મહોસ્તવના વિષય 'આત્મનિર્ભર ભારત અને વિશ્વ કલ્યાણ માટે વિજ્ઞાન' વિશે જાણકારી આપી હતી. વૈજ્ઞાનિકો ખરા અર્થમાં વૈરાગી હોય છે તેવું કહી નવી શોધ માટે હંમેશા તત્પર રહેતાં અને સંશોધનમાં જ પોતાનુ જીવન સમર્પિત કરી દેતાં વૈજ્ઞાનિકો પ્રત્યે ડૉ. કાકડિયાએ તેમનો આદરભાવ પ્રગટ કર્યો હતો. કાર્યક્રમમાં વિશેષજ્ઞ તરીકે જોડાયેલ સીએસએમસીઆરઆઇના વૈજ્ઞાનિકોએ પોટાશ, સમુદ્રી શેવાળની ખેતી અને સોલ્ટ વિશે પાછલા વર્ષોમાં થયેલ શોધ-સંશોધનો વિશે જાણકારી આપી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમના સંસ્થાનમાં થઇ રહેલ સંશોધન માત્ર કોઇ નવી શોધ માટે જ નથી હોતું પરંતુ દેશમાં રોજગારીની નવી તકો ઉભી થાય તેમજ વર્ષોથી ચાલી આવતા માછીમારી, ખેતી જેવા વ્યવસાયોમાં પણ નવી શોધથી તેમના પૂરક રોજગારો ઉભા થાય તે દિશામાં પણ કાર્ય થાય છે. જે ખરા અર્થમાં દેશના બહુમોટા વર્ગને આત્મનિર્ભર બનાવે છે જેના થકી આપણે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ સાકાર કરી શકીશું.
રીજનલ આઉટરીચ બ્યુરોના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલે કાર્યક્રમના અંતમાં આભારવિધિ કરવાની સાથે પ્રથમવાર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાનારા વિજ્ઞાન મહોત્સવને દેશની વિજ્ઞાનના ક્ષેત્રની સિદ્ધિઓને જાણવા અને માણવાનું સૌથી મોટો મંચ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ 22થી 25 ડિસ્મેબર સુધી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાનારા વિજ્ઞાન મહોત્સવની માહિતી આપી દેશના સૌ લોકોને વિજ્ઞાન મહોત્સવમાં જોડાવા માટે અપીલ કરી હતી.
(रिलीज़ आईडी: 1682297)
आगंतुक पटल : 394