સંસ્કૃતિ મંત્રાલય
ગુજરાતના હરિપુરામાં લોકકળાની પ્રસ્તુતિઓએ હૃદય જીતી લીધું
પંડવાનીમાં દુઃશાસન વધ અને શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોવા મળ્યું
प्रविष्टि तिथि:
23 JAN 2021 10:48PM by PIB Ahmedabad
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિનાં પ્રસંગે પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઉદેપુર તરફથી હરિપુરામાં આયોજિત રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં લોકકલાકારોએ કળાઓ પ્રસ્તુત કરીને ભારતની વિશિષ્ટ અને અનોખી સંસ્કૃતિનું દર્શન કરાવ્યું હતું, જેમાં ગુજરાતના ડાંગ અને વસાવા આદિવાસી કલાકારોએ તેમનાં પરંપરાગત નૃત્ય પ્રદર્શન કર્યું હતું, તો કલાકાર પૂજાએ છત્તિસગઢની પંડવાની શૈલીમાં દુઃશાસન વધ અને ભગવાન શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપને પ્રસ્તુત કરીને દર્શકોના હૃદય જીતી લીધા હતા.
ગુજરાતનું હરિપુરા ગામ આઝાદીના આંદોલનનું સાક્ષી રહ્યું છે. તત્કાલિન કોંગ્રેસના વર્ષ 1938ના અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ગામમાં આવ્યાં હતાં અને તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ ગામમાં નેતાજીની આદમકદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી, જેને 51 બળદગાડાથી ખેંચવામાં આવી. પરિણામે જૂનાં દિવસોની યાદ તાજી થઈ ગઈ.

આ પ્રસંગે કેન્દ્ર દ્વારા યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને છત્તિસગઢના કલાકારોએ પોતાની રજૂઆતો કરી હતી. કાર્યક્રમની શરૂઆત ગણેશવંદના સાથે થઈ હતી. ત્યારબાદ ગુજરાતના વસાવા જનજાતિના કલાકારોએ તેમની પ્રસ્તુતિથી દર્શકોને રોમાંચિત કરી દીધા. રાજપીપળાના રાજુભાઈ વસાવા અને તેમના સાથીદારોએ તેમની પ્રસ્તુતિમાં લોકોને તરબોળ કરી દીધા હતા. ગુજરાતના જ ડાંગ જિલ્લાના ડાંગી આદિવાસી કલાકારોએ આ પ્રસંગે ડાંગ નૃત્ય પ્રસ્તુત કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. કલાકારોએ ઢોલકી થાપ અને શરણાઈના સૂરો સાથે સુંદર પિરામિડની રચના કરીને દર્શકોની વાહવાહી લૂંટી હતી.

જ્યારે છત્તિસગઢની પંડવાની ગાયિકા પૂજાએ પંડવાની કથાશૈલીમાં અભિનય કરીને ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ પ્રકટ કર્યું હતું, ત્યારે લોકો ભાવાવેશમાં આવી ગયા હતા. પ્રસ્તુતિમાં ગાયન, વાદન અને અભિનય ભાવભંગિમાઓનું ઉત્કૃષ્ટ મિશ્રણ હતું. પૂજા અને એમની ટુકડીએ મહાભારતના દુઃશાસન વધનો પ્રસંગ રસપ્રદ અંદાજમાં પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય સ્તરના આયોજિત કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, સાંસદ ઈશ્વરભાઈ પરમાર, માનનીય ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી શ્રી રુપાણીએ નેતાજીની પ્રતિમાને સૂત્રમાળા પહેરાવી હતી.
નંદલાલ બોઝની કૃતિઓનું પ્રદર્શન
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે હરિપુરાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓડિટોરિયમમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ તરફથી દેશના પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ પ્રદર્શન જોયું હતું. આ પ્રદર્શનમાં બોઝ દ્વારા હરિપુરાનાં ગ્રૉય જનજીવનના મનોરમ ચિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
(रिलीज़ आईडी: 1691738)
आगंतुक पटल : 203