માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આઇઆઇટી-ગાંધીનગરની મુલાકાત લીધી – ગુજરાતમાં કેન્દ્ર સરકારના ફંડથી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ સાથે બેઠક યોજી
“ભારત શિક્ષણના ક્ષેત્રમાં દુનિયા માટે મોડલ બનશે” – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
प्रविष्टि तिथि:
23 FEB 2021 7:45PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)ની મુલાકાત લીધી હતી તથા ગુજરાતની કેન્દ્ર સરકારના ફંડથી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન શ્રી પોખરિયાલે વર્તમાન ઇનોવેશન, માળખાગત સુવિધાઓ અને નવી શિક્ષણ નીતિ (એનઇપી)નો અમલ કરવા સંસ્થાઓની સજ્જતા પર ચર્ચા કરી હતી. મુખ્ય કાર્યક્ષેત્રો અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે ભારતના વિઝન પર સંસ્થાઓને માર્ગદર્શન આપતા શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, “આપણે બધા ખભેખભો મિલાવીને આપણી શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા કામ કરી રહ્યાં છીએ. એનઇપીનું વિઝન ભારતને શિક્ષણના ક્ષેત્રમાં દુનિયા માટે મોડલ બનાવવાનું છે, જેથી આપણા વિદ્યાર્થીઓને વિદેશી શૈક્ષણિક સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવવા જવું ન પડે. આપણે આપણા વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉદ્યોગસાહસિકો બનાવવા તૈયાર કરવાની પણ જરૂર છે, જેઓ રોજગારવાંચ્છુઓને બદલે રોજગારીના સર્જકો બનશે.”
મંત્રીએ ઇનોવેશન, ટેકનોલોજી, સંશોધન અને વિકાસમાં આપણી શૈક્ષણિક સંસ્થાઓને વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જો પેકેજલક્ષી માનસિકતાને પેટન્ટલક્ષી માનસિકતા સાથે બદલવામાં આવે, તો ભારત સંશોધન અને વિકાસની ઊંચાઈએ ઝડપથી પહોંચશે.

આ બેઠક દરમિયાન ગુજરાતમાં આઇઆઇટી ગાંધીનગર, આઇઆઇએમ અમદાવાદ, એસવીએનઆઇટી-સુરત, આઇઆઇઆઇટી વડોદરા, આઇઆઇઆઇટી સુરત, એનવીએસ આરઓ અને કેવીએસ આરઓ સહિત કેન્દ્ર સરકારના ફંડથી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(रिलीज़ आईडी: 1700277)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English