માહિતી અને પ્રસારણ મંત્રાલય
ITના ભાગ III (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો, 2021 અંતર્ગત સત્તાઓ રાજ્યોને સોંપેલી નથી: માહિતી અને પ્રસારણ મંત્રાલયનો રાજ્યોને પત્ર
Posted On:
03 MAR 2021 7:14PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના પ્રશાસકોને પત્ર લખીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નિયમોના ભાગ III અંતર્ગત આવતી સત્તાઓનું સંચાલન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ પત્રમાં એ વાત પણ રેખાંકિત કરવામાં આવી હતી કે, આ સત્તાઓ રાજ્ય સરકારો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનરોને સોંપવામાં આવેલી નથી.
પત્રમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ સંબંધિત વ્યક્તિઓનું આ નોટિસ પર ધ્યાન દોરવામાં આવે.
આ પત્રમાં, ભાગ III અંતર્ગત આવતા નિયમોની જોગવાઇઓ કે જે ડિજિટલ સમાચારો અને સાંપ્રત બાબતોના પ્રકાશકો અને ઑનલાઇન ક્યૂરેટેડ કન્ટેન્ટ (OTT પ્લેટફોર્મ્સ)ના પ્રકાશકો સાથે સંબંધિત છે તેની ફરી સ્પષ્ટતા કરવામાં આવી છે. પત્રમાં ટાંક્યું છે કે, નિયમો નૈતિકતા સંહિતા પૂરી પાડે છે જેનું પાલન ડિજિટલ સમાચાર પ્રકાશકો અને OTT સામગ્રીના પ્રકાશકોએ કરવાનું રહેશે જેમાં ઉંમર આધારિત પાંચ વર્ગીકરણો સમાવી લેવામાં આવ્યા છે. વધુમાં, આ નિયમો અંતર્ગત ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર ઉભું કરવાની જરૂરિયાત બતાવવામાં આવી છે જેમાં પ્રકાશક (સ્તર-1), પ્રકાશક દ્વારા રચવામાં આવેલું સ્વ-નિયમિકારી સંગઠન (સ્તર-2) અને સરકારનું બાહ્ય વ્યવસ્થાતંત્ર (સ્તર-3) સામેલ છે, જેમાં નિર્ધારિત સમયમર્યાદામાં ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્રની આવશ્યકતા પણ દર્શાવેલી છે. અંતે, નિયમોમાં પ્રકાશક દ્વારા સરકારને માહિતી પૂરી પાડવાની અને સમયાંતરે ફરિયાદ નિવારણ સંબંધિત માહિતી સાર્વજનિક ડોમેન પર જાહેર કરવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000 અંતર્ગત 25 ફેબ્રુઆરી 2021ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો, 2021ની અધિસૂચના બહાર પાડવામાં આવી છે.
SD/GP/JD
(Release ID: 1702337)