સંરક્ષણ મંત્રાલય

INS વાલસુરા ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Posted On: 05 JUN 2021 7:31PM by PIB Ahmedabad

પર્યાવરણને લગતા બહુવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડવા અને લોકોને આ બાબતે સકારાત્મક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે, 05 જૂન 2021ના રોજ INS વાલસુરા ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી થીમ ઇકોસિસ્ટમનું પુનઃસ્થાપન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યુનિટ દ્વારા વર્તમાન સમયમાં ઇકોસિસ્ટમના પુનઃસ્થાપનનો સંદેશો લોકોમાં ફેલાવવા માટે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. એક સામૂહિક વૃક્ષારોપણ કવાયત યોજવામાં આવી હતી જેમાં 10 સ્થાનિક પ્રજાતિઓના 450 છોડ આ સમગ્ર પરિસરમાં રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ પ્રકારના વૃક્ષોના 300 છોડનું અહીંના રહેવાસીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેથી રહેણાંક વિસ્તારમાં હરિતાવરણમાં વધારો થઇ શકે. સામૂહિક સ્વચ્છતા કવાયત દરમિયાન રહેવાસીઓએ તેમના પરિસરમાંથી પ્લાસ્ટિક અને બિન-વિઘટનીય કચરાની સફાઇ કરી હતી. વિવિધ સ્થળે આ સ્વચ્છતા કવાયત યોજવામાં આવી હતી.

યુનિટ ખાતે કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરીને એક ચિત્રકામ સાથે સુવાક્ય લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓએ પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવતા સંદેશાઓ તેમના કલાત્મક કૌશલ્ય દ્વારા પ્રદર્શિત કર્યા હતા. યુવા માનસને માહિતગાર કરવા માટે, યુનિટના કેન્દ્રિય વિદ્યાલય અને નેવલ કિન્ડરગાર્ડન સ્કૂલ દ્વારા વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોને વધુ બળવાન કરતા, નેવલ વાઇવ્સ વેલફેર એસોસિએશન (વાલસુરા)ની મહિલાઓએ પણ બાળકો માટે અપસાઇકલ્ડ પાર્ટનર સ્પર્ધાનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કર્યું હતું.

SD/GP/JD


(Release ID: 1724777)