માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરનાર નાસિકના સામુદાયિક રેડિયો સ્ટેશને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો
રેડિયો વિશ્વાસના ‘શિક્ષણ સર્વાંસાથી’ ક્રાર્યક્રમે કોવિડ-19 મહામારી દરમ્યાન શિક્ષણની ખાઇ પૂરવામાં મદદ કરી
મહારાષ્ટ્રમાં 50,000થી વધુ ગરીબ વિદ્યાર્થીઓ આ નિ:શુલ્ક વ્યાખ્યાનથી લાભાન્વિત થયા
Posted On:
02 JUL 2021 10:54AM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સામુદાયિક પુરસ્કારોની 8મી આવૃત્તિમાં નાસિક, મહારાષ્ટ્રના એક સામુદાયિક રેડિયો સ્ટેશન ‘રેડિયો વિશ્વાસ’ એ બે પુરસ્કાર મેળવ્યા છે.
રેડિયો વિશ્વાસ 90.8 એફએમે ‘સસ્ટેનેબિલિટી મોડેલ એવૉર્ડ્સ’ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર અને ‘થિમેટિક એવૉર્ડ્સ’ શ્રેણીમાં પોતાના કાર્યક્રમ કોવિડ-19ના સમયમાં ‘એજ્યુકેશન ફૉર ઑલ’ને માટે બીજો પુરસ્કાર જીત્યો છે.
રેડિયો વિશ્વાસ મહારાષ્ટ્રના નાસિકના વિશ્વાસ ધ્યાન પ્રબોધિની એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ચલાવાય છે. આ સંસ્થાનની શરૂઆતથી જ આ રેડિયો સ્ટેશનથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન દરરોજ 14 કલાકનું પ્રસારણ કરે છે.
‘શિક્ષણ સર્વાંસાથી’ (તમામ માટે શિક્ષણ)
થિમેટિક એવૉર્ડ્સ શ્રેણી અંતર્ગત ‘ શિક્ષણ સર્વાંસાથી’ (તમામ માટે શિક્ષણ) માટે પુરસ્કાર જીતનાર આ સામુદાયિક રેડિયો સ્ટેશન જૂન 2020માં કોવિડ-19ના કઠિન સમયગાળા દરમ્યાન ત્રીજાથી 10મા ધોરણના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
આ રેડિયો સ્ટેશનથી જિલ્લા પરિષદ અને નાસિક નગરપાલિકાની શાળાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે ઑડિયો વ્યાખ્યાનો પ્રસારિત કરાયા હતા. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભાષાઓ અર્થાત હિંદી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃતમાં કરવામાં આવ્યું હતું.
સામુદાયિક રેડિયો સ્ટેશનના કામકાજ અને દ્રષ્ટિકોણ વિશે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો સાથે વાતચીત કરતા એના સ્ટેશન નિયામક ડૉ. હરિ વિનાયક કુલકર્ણીએ કહ્યું કે કાર્યક્રમને ઘણા સકારાત્મક પ્રતિભાવો મળ્યા છે. ‘આ એ ગરીબ વિદ્યાર્થીઓ છે જે ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ ફોન ખરીદી શક્તા ન હતા.’
‘શિક્ષણ સર્વાંસાથી’ કાર્યક્રમ 150 શિક્ષકોની મદદથી અમલી કરવામાં આવ્યો હતો જે અંતર્ગત તેમણે અમારા સ્ટુડિયોમાં લેક્ચર્સ રેકોર્ડ કર્યા. બાદમાં દરેક વિષય માટે ફાળવવામાં આવેલા સ્લોટ અનુસાર વ્યાખ્યાન પ્રસારિત કરવામાં આવ્યા. કાર્યક્રમને લક્ષિત સમુદાયથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી અને એનાથી નગર નિગમ અને જિલ્લા પરિષદ વિદ્યાલયોના પચાસ-સાંઠ હજાર વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા.’
ડૉ. કુલકર્ણીએ એમ પણ જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનોને મહારાષ્ટ્રના છ અન્ય સામુદાયિક રેડિયોને પણ વહેંચવામાં આવ્યા જેથી તેઓ પણ પોતાની રેડિયો ચેનલોના માધ્યમથી એને પ્રસારિત કરી શકે. ‘અમને આનંદ છે કે અમે સમગ્ર મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓની મદદ કરી શક્યા કેમ કે છ સામુદાયિક રેડિયો સ્ટેશનોએ આ સામગ્રીને પોત-પોતાના શહેરોમાં પ્રસારિત કરવા માટે અમારો સંપર્ક કર્યો છે.’

શિક્ષક અને વિદ્યાર્થી ‘સબ કે લિયે શિક્ષા’ કાર્યક્રમનું રેકોર્ડિંગ કરતા
ડૉ. કુલકર્ણીએ વિદ્યાર્થીઓને એફએમ ઉપકરણ વિતરિત કરવામાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પહેલ વિશે પણ જણાવ્યું હતું. ‘નાસિકના ઈગતપુરી તાલુકામાં શિક્ષકોના એક સમૂહે વિદ્યાર્થીઓને 451 એફએમ ડિવાઈસ (હાઇ એન્ડ સ્પીકર સહિત યુએસબી, બ્લુટૂથ) વિતરિત કર્યા હતા જેથી વર્તમાન અભ્યાસક્રમ એમનાથી છૂટી ન જાય એ સુનિશ્ચિત થઈ શકે. શિક્ષકો એને યુ ટ્યુબ પર અપલોડ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે જેનો ઉપયોગ સામાન્ય શાળા શિક્ષણ શરૂ થયા બાદ પણ કરી શકાય છે.’
‘કાર્યક્રમ હંમેશા લોકોની સાથે રહેશે’
ડૉ. કુલકર્ણીએ જણાવ્યું હતું કે સામુદાયિક રેડિયો સ્ટેશને અભિનવ મોડેલ અપનાવીને ચાર મુખ્ય ક્ષેત્રો- નાણાંકીય, માનવ, ટેકનોલોજી અને સામગ્રી ઉપલબ્ધતા-મા પોતાને ટકાવી રાખવામાં સક્ષમ બનાવ્યું છે.
10 વર્ષોના સમયગાળામાં આ સ્ટેશન લગભગ 3 લાખ શ્રોતાઓનો આધાર વિક્સિત કરવામાં સક્ષમ રહ્યું છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ‘અમને પૂરો વિશ્વાસ છે કે અમારા કાર્યક્રમોના માધ્યમથી ઉઠાવાયેલા મુદ્દાઓને કારણે પરિવર્તન આવશે અને સકારાત્મક પગલાં લેવાશે.’
સામુદાયિક રેડિયો સ્ટેશનના માધ્યમથી પ્રસારિત કરાઇ રહેલા વિવિધ કાર્યક્રમો વિશે જણાવતા તેમણે કહ્યું કે કેવી રીતે ‘શહેરી પરસબાગ’ (કિચન ગાર્ડન) કાર્યક્રમથી પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃતિ વધારવામાં મદદ મળી છે. તેમણે કહ્યું, ‘ આ કાર્યક્રમમાં અમારા શ્રોતાઓને બીજની ઉપલબ્ધતાથી લઈને છોડ રોપવા સુધીની પ્રક્રિયાની સમગ્ર જાણકારી આપવામાં આવે છે.’ ‘માલા અવદલેલા પુસ્તક’ ( વાંચવા માટે મનપસંદ પુસ્તકો વિશે) અને ‘જાનીવ સમાજકચી’ (વરિષ્ઠ નાગરિકો સમક્ષ આવતી મુશ્કેલીઓ પર કેન્દ્રીત) એવા કાર્યક્રમો છે જે દાયકાઓની એક વિસ્તૃત શૃંખલાને કવર કરવા માટે લક્ષિત છે.

સ્વયંસેવિકા મહિલાઓને આર્થિક સાક્ષરતા વિશે જાગૃત કરતા. (તસવીર કોરોના મહામારીના પ્રસાર પહેલા
લેવાઇ છે)
સામુદાયિક રેડિયો સ્ટેશન સામાન્ય રીતે 10-15 કિલોમીટરના દાયરામાં સ્થાનિક સમુદાયના લાભ માટે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ સ્ટેશન મોટા ભાગે સ્થાનિક લોકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે જે ‘ટૉક શૉ’ હૉસ્ટ કરે છે, સ્થાનિક સંગીત વગાડે છે અને સ્થાનિક ગીતો ગાય છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સામુદાયિક રેડિયો સ્ટેશનો વચ્ચે નવીનીકરણ અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2011-12માં રાષ્ટ્રીય સામુદાયિક રેડિયો પુરસ્કારોની સ્થાપના કરી હતી. આ સામુદાયિક રેડિયો સ્ટેશનોએ કોવિડ-19 મહામારી દરમ્યાન સંચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આજની તારીખમાં, ભારતના વિવિધ રાજ્યોમાં 327 સામુદાયિક રેડિયો સ્ટેશન ચાલી રહ્યા છે.
સંપર્ક:
ડૉ. હરિ કુલકર્ણી, કેન્દ્ર સંચાલક- 8380016500
રૂચિતા ઠાકુર, પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર - 9423984888
ઈ મેલ : radiovishwas[at]gmail[dot]com
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732284)