ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા દળ (BSF)ના 18મા પ્રતિષ્ઠાપન સમારંભમાં અદમ્ય સાહસ, શૌર્ય, વીરતા અને ઉત્કૃષ્ટ સેવા બદલ દળના બહાદુર અધિકારીઓ અને કર્મીઓને પ્રતિષ્ઠાપન પ્રદાન કર્યું, રુસ્તમજી સ્મારક વ્યાખ્યાન આપ્યું
BSFના પહેલા મહાનિદેશક કે.એફ. રુસ્તમજીને શ્રદ્ધાંજલી અર્પણ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સીમા સુરક્ષા દળ અને દેશના અન્ય અર્ધ લશ્કરી દળોના બલિદાનના કારણે જ ભારત દુનિયાના નકશામાં પોતાનું ગૌરવપૂર્ણ હાજરી નોંધાવી રહ્યું છે
યુદ્ધકાળ હોય કે પછી શાંતિકાળ હોય, BSFના જવાનોએ હંમેશા તેમની ફરજ નિભાવવામાં કોઇ જ ખામી રાખી નથી
ભલે શૂન્યથી 45 ડિગ્રી ઓછું તાપમાન હોય કે પછી 45 ડિગ્રીની ગરમી હોય, લદાખની સરહદ હોય કે પછી રણ હોય, પૂર્વની સરહદમાં નદી-નાળા, જંગલો, પહાડો હોય, BSF અને આપણા સમગ્ર અર્ધ લશ્કરી દળો સરહદની સુરક્ષામાં સતત કાર્યરત છે
1965ના યુદ્ધ પછી સરહદી વિસ્તારના રાજ્યોની 25 બટાલિયનો સાથે એક બીજ તરીકે ઉદયમાન થયેલું સીમા સુરક્ષા દળ આજે એક વટવૃક્ષ બનીને દેશનું રક્ષણ કરી રહ્યું છે
અટલજીની સરકારમાં પહેલી વખત ‘વન બોર્ડર, વન ફોર્સ’ના સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યો હતો અને તેનું એક સ્ટ્રક્ચર્ડ માળખું શરૂ થયું
મોદી સરકાર આવી તે પહેલાં દેશની સ્વતંત્ર સંરક્ષણ નીતિ જ નહોતી, સારી સંરક્ષણ નીતિ વગર દેશનો વિકાસ શક્ય નથી, તેમજ લોકશાહી પણ સારી રીતે કામ કરી શકતી નથી
સીમા સુરક્ષા દળનો અર્થ
प्रविष्टि तिथि:
17 JUL 2021 6:57PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા દળ (BSF)ના 18મા પ્રતિષ્ઠાપન સમારંભ દરમિયાન અદમ્ય સાહસ, શૌર્ય, વીરતા અને ઉત્કૃષ્ટ સેવા બદલ બહાદુર અધિકારીઓ અને કર્મીઓને પ્રતિષ્ઠાપન પ્રદાન કર્યું હતું. ગૃહ મંત્રીએ રુસ્તમજી સ્મારક વ્યાખ્યાન પણ આપ્યું હતું. આ પ્રસંગે સીમા સુરક્ષા દળ પર એક ડોક્યુમેન્ટરી ‘બાવા’નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી અજય કુમાર, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરો નિદેશક, રૉના વડા, સીમા સુરક્ષા દળના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
BSFના પ્રથમ મહાનિદેશક કે. એફ. રુસ્તમજીને શ્રદ્ધાંજલી અર્પણ કરતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને તેઓ સલામ કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સીમા સુરક્ષા દળ અને દેશના અન્ય અર્ધ લશ્કરી દળોના કારણે જ ભારત સમગ્ર દુનિયાના નકશા પર પોતાની ગૌરવપૂર્ણ હાજરી નોંધાવી રહ્યું છે. તેમણે સીમા સુરક્ષા દળોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તમારા માત્ર નામથી પણ દુશ્મનો થરથર કંપી જાય છે અને આ કારણે જ દેશ લોકશાહીના અપનાવેલા વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દુનિયાના નકશા પર ભારત પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યું છે. તેમાં આપ સૌનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ અને અગ્ર હરોળનું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, એ બલિદાનીઓ, વીરો અને યોદ્ધાઓને ક્યારેય નહીં ભૂલી શકાય જેઓ આજે પણ માઇનસ 45 ડિગ્રી તાપમાનમાં થીજવી દેનારી ઠંડી હોય કે પછી 45 ડિગ્રીની ગરમી હોય, લદાખની સરહદો હોય કે પછી રણની ગરમી હોય, ભલે પછી તે પૂર્વની સરહદોમાં નદી-નાળા, જંગલો અને પહાડોના દુર્ગમ પ્રદેશો હોય, BSF અને આપણા તમામ અર્ધ લશ્કરી દળો, સરહદગની સુરક્ષામાં સતત કાર્યરત છે અને તેમના કારણે જ આજે ભારત દુનિયાના નકશા પર પોતાની ગૌરવપૂર્ણ હાજરી નોંધાવવામાં સફળ રહ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ રુસ્તમજીએ એક એવા દળની શરૂઆત કરી હતી જેણે પોતાના પરસેવા, નિષ્ઠા, મહેનત, સજાગતા અને બલિદાનથી એક મહાન કિર્તી સ્તંભની રચના કરી છે જે દેશના રક્ષણ માટે હજારો કિલોમીટર દૂરથી પણ દેખાઇ આવે છે. તેમણે કહ્યું હતું કે, 1965ના યુદ્ધ પછી સરહદી વિસ્તારોના રાજ્યોની 25 બટાલિયન સાથે એક બીજ રૂપે શરૂ થયેલું સીમા સુરક્ષા દળ આજે વટવૃક્ષ બની ગયું છે અને પોણા ત્રણ કરોડ લોકોનો પરિવાર બનીને દેશનું રક્ષણ કરી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, BSF દ્વારા ઉચ્ચ બલિદાનની પરંપરા સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સીમા સુરક્ષા દળની સ્થાપનાના 6 વર્ષ પછી જ જ્યારે તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં તમામ પ્રકારના માનવ અધિકારોનું હનન થઇ રહ્યું હતું, અકલ્પનીય યાતનાઓ આપવામાં આવતી હતી, અને જ્યારે સ્થિતિ અસહ્ય બની ગઇ ત્યારે તેવી સ્થિતિમાં ભારતે નિર્ણય લીધો અને BSFના જવાનોએ એક ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી જેના ફળરૂપે આજે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વ ધરાવે છે. શ્રી શાહે કહ્યું હતું કે, યુદ્ધકાળ હોય કે પછી શાંતિ કાળ, દરેક સ્થિતિમાં BSFના જવાનો હંમેશા પોતાની ફરજ નિભાવવામાં કોઇ જ ખામી રાખતા નથી અને તેના પરિણામે જ સીમા સુરક્ષા દળને અનેક વીરતા પુરસ્કારોથી અલંકૃત કરવામાં આવ્યું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, લાંબા સમયથી આપણે હંમેશા એક વિકટ પરિસ્થિતિમાં રહ્યા કે લગભગ 7,516 કિમીની સમુદ્રી સરહદ અને 15 હજાર કિમી લાંબી ભૂમિ સરહદથી આપણા દેશને આગળ વધવું પડ્યું અને તે સમયે જ જરૂરિયાત હતી કે, સીમા સુરક્ષા પર ધ્યાન આપીને તેની સંરચના કરવામાં આવે પરંતુ લાંબા સમય સુધી તેના પર સમગ્ર રૂપે વિચાર કરવામાં આવ્યો નહોતો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, જ્યારે દેશમાં અટલ બિહારી વાજપેયીજીની સરકાર બની ત્યારે તેને ગતિ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. અટલજીની સરકારમાં પહેલી વખત ‘વન બોર્ડર, વન ફોર્સ’ના સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યો હતો અને તેના એક સ્ટ્રક્ચર્ડ માળખાની રચના કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેમજ સૌની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકારે સરહદો પર માળખાકીય સુવિધાઓના કાર્યોને પ્રાથમિકતા સાથે શરૂ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જો સરખામણી કરીને જોવામાં આવે તો, 2008 થી2014 સુધીમાં 3,610 કિમીના માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2014 થી 2020 સુધીમાં 4,764 કિમીના માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવી જ રીતે 2008 -2014 દરમિયાન માર્ગ નિર્માણ માટેનું બજેટ રૂપિયા 23,000 કરોડ હતું જ્યારે 2014 થી 2020 સુધીમાં તે વધીને લગભગ 44,000 કરોડ રૂપિયા થઇ ગયું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીનો એવો દૃશ્ટિકોણ છે કે, જ્યાં સુધી સરહદો પર મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઠીક નહીં હોય ત્યાં સુધી ત્યાંથી હિજરત થતી રહેશે અને જો ત્યાં કોઇ વસ્તી નહીં હોય તો, સરહદોની સુરક્ષા કરવાનું ખૂબ જ મુશ્કેલ થઇ જશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2008 થી 2014 દરમિયાન 7,270 મીટર લાંબા પુલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2014 થી 2020 સુધીમાં તે બમણું થઇને 14,450 મીટર થઇ ગયું. વર્ષ 2008 થી 20214 દરમિયાન માત્ર એક રોડ સુરંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2014 થી 2020 સુધીમાં છ રોડ સુરંગનું નિર્માણ થઇ ચુક્યું છે અને બીજી 19ના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. એક અન્ય મહત્વનો આંકડો આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સરહદો પર ગેપ્સ ભરવા માટે મોદી સરકારે સંવાદ કરીને અડચણો દૂર કરી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, વર્ષ 2022 સુધીમાં સરહદો પર ફેન્સિંગમાં કોઇ જ ગેપ નહીં રહે. તેમણે કહ્યું હતું કે, આ ત્રણ ટકા ગેપ જ ઘુસણખોરો માટે સંભાવનાઓ છોડે છે અને બાકીના 97 ટકા ફેન્સિંગને ખરાબ કરી દે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકાર સીમાંત વિસ્તારોમાં વિકાસ કરવા માટે અને ત્યાંથી લોકોની હિજરત રોકવા માટે સંખ્યાબંધ યોજનાઓનો આરંભ કર્યો છે. તે અંતર્ગત બે વર્ષ માટે 888 કરોડ રૂપિયાની સીમા વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અર્ધ લશ્કરી દળોને નોડલ એજન્સી બનાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, એક સીમાંત વિકાસોત્સવની શરૂઆત ગુજરાતના કચ્છથી કરવામાં આવી છે. તે અંતર્ગત કચ્છના સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓના સરપંચો, મામલતદારોને બોલાવીને તેમના વિકાસના પ્રશ્નો સમજવામાં આવ્યા છે. તેનાથી નિશ્ચિતરૂપે ગામડાઓનો વિકાસ થશે અને ત્યાંથી લોકોનું સ્થળાંતર અટકાવી શકાશે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકારે સરહદી વિસ્તારોને મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, ગામડાઓનો વિકાસ કર્યો છે, તમામ અર્ધ લશ્કરી દળોને સારો માહોલ પૂરો પાડ્યો છે, તેમની જરૂરિયાતોને સમજી છે, તેમના ખાલી પડેલા હોદ્દાઓ પર ભરવાના કાર્યો પણ કર્યા છે અને એક સુનિયોજિત યોજના સાથે આગળ વધ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મોદી સરકાર અગાઉ દેશમાં સ્વતંત્ર સંરક્ષણ નીતિ જ નહોતી અને જે પણ નીતિ હતી તે દેશની વિદેશ નીતિથી પ્રભાવિત હતી. મોદી સરકારના આવ્યા પછી, સંરક્ષણ નીતિને સ્વતંત્ર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સારી સંરક્ષણ નીતિ વગર દેશનો વિકાસ કરવો શક્ય નથી અને લોકશાહી પણ તેમાં સારી રીતે કામ કરી શકતી નથી. શ્રી અમિત શાહે સુરક્ષા દળોને એવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો જેનાથી સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાંઓમાંથી લોકોનું સ્થળાંતરણ અટકે કારણ કે, આપણી જ જવાબદારી છે કે, ત્યાંથી લોકોનું સ્થળાંતરણ રોકવામાં આવે અને તેમના સુધી વિકાસની તમામ યોજનાઓ પહોંચે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સીમા સુરક્ષાનો અર્થ છે રાષ્ટ્રીય સુરક્ષા અને જે દેશમાં સરહદો જ સુરક્ષિત ના હોય તે દેશ સુરક્ષિત ના રહી શકે. ઘુસણખોરી, માનવ તસ્કરી, ગૌ તસ્કરી, હથિયારોની તસ્કરી, ડ્રોન જેવા પડકારોનો ઉલ્લેખ કરતા શ્રી અમિત શાહે દેશના અર્ધ લશ્કરી દલોની સજાગતા, સમયાનુકૂળ પરિવર્તન લાવવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ તમામ પડકારો પા કરીને આપણે આપણી સરહદોને સુરક્ષિત કરીશું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સીમા સુરક્ષા દળે અનેક સુરંગો શોધીને તેનું વિજ્ઞાનિક વિશ્લેષણ કરીને એક ખૂબ જ સારું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ડ્રોનના વધતા જોખમ સામે અમારી ઝુંબેશ આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમસ્યામાં ઘટાડો લાવવા માટે DRDO અને અન્ય એજન્સીઓ સ્વદેશી ટેકનિક પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ડ્રોન વિરોધી સ્વદેશી સિસ્ટમની મદદથી સરહદો પર તૈનાતી વધારવામાં આવશે.
સુરક્ષા દળોની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સુરક્ષા દળોએ 15 અબજ રૂપિયાના નાર્કોટિક્સ ડ્રગ્સ પકડ્યા છે, સાડા ચાર કરોડ રૂપિયાના સોના-ચાંદીનો જથ્થો પકડ્યો છે, 15 આતંકીઓને ઠાર માર્યા છે અને લગભગ 2000 આતંકીઓ અને ઘુસણખોરોને પકડી લીધા છે. તેમણે ભવિષ્યમાં સરહદપારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ટેકનિકના ઉપયોગના જોખમ પ્રત્યે ચેતવ્યા હતા અને તેના વિરુદ્ધ એક દીર્ઘકાલિન યોજના બનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ નક્સલીઓ વિરોધી અભિયાનમાં પણ ખૂબ જ સારું કામ કર્યું છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ડિટેક્ટ કરવા, સુરંગો શોધી કાઢવી, પોર્ટેબલ એન્ક્રિપ્ટેડ વ્યૂહાત્મક મોબાઇલ સંચાર, એન્ટી ડ્રોન ટેકનિક જેવા વિષયો પર એક સીરિઝ ઓફ હેકાથોનથી ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, સરહદી સુરક્ષા અંગે તમામ જરૂરી ચીજો અને ટેકનિક અંગે આપણે આત્મનિર્ભર બનવા માંગીએ છીએ અને હેકાથોન સીરિઝથી તેમાં પણ ફાયદો થશે.
****
(रिलीज़ आईडी: 1736454)
आगंतुक पटल : 504