માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દાહોદ ખાતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું સફળ આયોજન

Posted On: 28 AUG 2021 4:48PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર, દાહોદ દ્વારા આયોજન.
  • માજી સૈનિક સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી.નાં યુવાનો ફિટનેસ જાગરૂકતા માટે આયોજનમાં સામેલ થયા.
  • માનનીય સંસદ સભ્ય શ્રી ભાભોરનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
  • ફિટનેસ કા ડોઝ-આધા ઘંટા રોજપ્રતિજ્ઞા દ્વારા યુવાઓને ફિટનેસ માટે સંસદ સભ્યનું આહ્વાન

દેશના 744 જિલ્લાઓમાં 13 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન થઇ રહેલ છે જેના ભાગરુપે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર-દાહોદ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરા સંલગ્ન કોલેજના એન.એસ.એસ. એકમ, અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સવારે 8:00 કલાકે માનનીય સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્રામગૃહ દાહોદ ખાતે ફ્રીડમ રન 2.0 યોજવામાં આવી હતી.આ ફ્રીડમ રન વિશ્રામગૃહ દાહોદ, પોલીસ વડા શ્રીની કચેરી, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી, નગરપાલીકા, ભગીની સમાજ થઇને વિશ્રામગૃહ પહોંચી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, નહેરુ યુવા સંગઠન ગુજરાતના નિવૃત્ત ડાયરેકટર શિવદયાલ શર્મા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય શ્રી નરેન્દ્રભાઇ સોની, દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી પંકજભાઇ શેઠ, માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી શકરભાઇ મોહનીયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને માનનીય સંસદ સભ્ય શ્રી દ્વારા યુવાનોને પોતાની અને તેમના પરિવારજનો, મિત્રોની ફિટનેસ જણાવવા માટે જાગૃત કરવા માટે ફિટનેસ કા ડોઝ-આધા ઘંટારોજમાટે આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણીને યાદગાર બનાવવા માટે પોતાની ફિટનેસની કાળજી રાખવા માનનીય શ્રી દ્વારા તમામ યુવાનોને અપીલ કરવામાં આવી અને તે માટે યુવાનોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. એના પછી મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું લીલી ઝંડી આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ ફ્રીડમ રનમાં 300 જેટલી મોટી સંખ્યામાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના યુવાનો, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ અને માજી સૈનિક સંગઠનના યુવાનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર સંગઠન-દાહોદના જિલ્લા યુવા અધિકારી શ્રી અજિતભાઇ જૈન, જિલ્લા એન.એસ.એસ.ના નોડલ અધિકારી ડૉ. શ્રેયસ પટેલ અને સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.

 


(Release ID: 1749920)