માહિતી અને પ્રસારણ મંત્રાલય
સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ લડવૈયાઓને શ્રધ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે આઝાદીનો અમૃત મહોત્સવ
‘આઝાદીનો અમૃત મહોત્સવ' વિષયે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા વેબિનાર યોજાયો
Posted On:
29 AUG 2021 3:19PM by PIB Ahmedabad
દેશભરમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા 'સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ લડવૈયાઓ' વિષયને લઇને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વેબિનારમાં જુનાગઢના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાંસદશ્રીએ વેબિનારના આયોજનને બીરદાવતાં આઝાદીના અમૃત મહોત્સવની સર્વેને શુભેચ્છાઓ આપવાની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ લડવૈયાઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તારીખ 23 થી 29 ઓગષ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા 'આઇકોનીક વીક' ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આ વેબિનારનું આયોજન થયું હોવાનું ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

દેશને આઝાદી અપાવવા અનેક નાના-મોટા સ્વાતંત્ર્ય સંગ્રામો થયા છે અને અનેક નામી-અનામી સ્વાતંત્ર્યવીરોએ બલિદાનો આપ્યા છે તેવું કહેતાં વેબિનારના મુખ્ય વક્તા જાણીતા ઇતિહાસકાર અને ભારત તિબ્બેત સહયોગ મંચના પ્રદેશ સચીવ શ્રી નાનુભાઇ ડાંખરાએ તેમનું પ્રમુખ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાતના ગુમનામ સ્વાતંત્ર્યવીરોને યાદ કરતાં શ્રી નાનુભાઇએ જણાવ્યું કે પાલીતાણાના ભુતડિયા ગામના જોરસિંહજી કવિનું પણ સ્વાતંત્ર્ય ચળવળમાં અનેરું યોગદાન રહ્યું છે. તેમણે જણાવ્યું કે જોરસિંહજી કવિ અને તેમના ધર્મપત્ની કસ્તુરબાજીએ આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ દંપતિ દેશભક્તિના રંગે રંગાયેલુ હતું અને આ દંપતિ તપસ્વી દંપતી તરીકે આળખાતું હતું. વધુમાં તેમણે કહ્યું કે આવાજ એક સ્વાતંત્ર્યવીર હતા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કંથારીયા ગામના સરદારસિંહ રાણા. સ્વાતંત્ર્ય ચળવળમાં તેમના યોગદાનને પણ આપણે ક્યારેય ભૂલી નહી શકીયે.

ભારત દેશનો પ્રથમ તિરંગો બનાવવાનો શ્રેય જેમને ફાળે જાય છે તેવા ત્રણ વ્યક્તિઓમાં એક શ્યામજીકૃષ્ણવર્મા, બીજા મેડમ ભીખાજી કામા અને ત્રીજા એટલે લીમડીના સરદારસિંહ રાણા છે. આવા જ કેટલાંક વધુ ગુમનામ નાયકોની વાત કરવાની સાથે શ્રી નાનુભાઇએ આવી જ કેટલીક ગુમનામ સ્વાતંત્ર્ય ચળવળોની વાત કરી હતી અને જણાવ્યું હતું કે અંગ્રેજો સાથે યુદ્ધ કરી અંગ્રેજોને હંફાવનાર નાના સાહેબ પેશ્વા 1857ના વિપ્લવ બાદ પુનાના રસ્તે થઇ ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર ખાતે આવ્યાં હતાં અને અહીં પણ તેઓએ રોકાણ કરવાની સાથે સાથે અંગ્રેજો સામે લડાઇ લડી હતી. જેની બહુ ઓછા લોકોને જાણ છે. આવી વાતોને જાણી લોકો સુધી પહોંચાડવી એ આપણી ફરજ છે. વેબિનાર થકી આવી અજાણી વાતો અને ગુમનામ સ્વાતંત્ર્ય વીરોની જાણકારી લોકો સુધી પહોંચાડી સ્વાતંત્ર્યવીરોના બલિદાનોને યાદ કરી તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1750155)