મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલ ‘મહિલાઓનાં નેતૃત્વ હેઠળ વિકાસ’ની અગત્યતા પર કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો
સંઘીય માળખાની ખરી ભાવનાનો દાખલો બેસાડતા રાષ્ટ્રીય પરિષદે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની યોજનાઓ અને કાર્યક્રમોના વધુ સારા અમલીકરણ અને સંચાલન પર ચર્ચા અને વિચારણા કરી
શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતના ‘લોહપુરુષ’, મહાન દ્રષ્ટા, સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં વિઝનનું ઉદાહરણ પ્રસ્તુત કરવા અને સમગ્ર દેશોમાં આવાં વાવેતરને ઉત્તેજન આપવા માટે મહિલા તેમજ બાળ સશક્તીકરણ વન ખાતે પોષણક્ષમ ફળોના રોપા વાવ્યા
Posted On:
01 SEP 2021 8:36AM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ ગુજરાતના કેવડિયા ખાતે 30મી અને 31મી ઑગસ્ટના રોજ યોજાયેલી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પરિષદમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજાપરા અને વિવિધ રાજ્યોના મંત્રીઓ તેમજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મહિલા અને બાળ વિકાસ/ સમાજ કલ્યાણ વિભાગના અગ્ર સચિવોએ હાજરી આપી હતી. આ રાષ્ટ્રીય પરિષદ મંત્રાલયની યોજનાઓ અને કાર્યક્રમો ખાસ કરીને ત્રણ મહત્વપૂર્ણ મિશનો; મિશન પોષણ 2.0, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિના વધુ સારા અમલીકરણ અને સંચાલન પર ચર્ચા અને વિચારણા કરવા માટેનો એક મંચ હતો અને તેમાં વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્ય કાર્યક્રમ 31મી ઑગસ્ટ, 2021ના રોજ ભારતના ‘લોહપુરુષ’, મહાન દ્રષ્ટા, સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ સાથે શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના વિઝનનું ઉદાહરણ પ્રસ્તુત કરવા અને દેશભરમાં પોષણ વાટિકાઓનાં વાવેતરને ઉત્તેજન આપવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મહિલા અને બાળ વિકાસ મંત્રીઓ દ્વારા પોષણક્ષમ ફળ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ પરિષદ દરમિયાન, ત્રણ મહત્વનાં મિશન અને વૈશ્વિક સૂચકાંકો પર કેન્દ્રીય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન્સ અપાયા હતા. વધુમાં, એનસીપીસીઆર અને એનસીડબલ્યુનાં ચેર પર્સન્સે પણ બાળ અધિકારો અને મહિલા સશક્તીકરણ અંગે પોતાના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. રાજ્યોના પ્રતિનિધિઓએ વિચારણામાં સક્રિય ભાગ લીધો હતો અને એમનાં મૂલ્યવાન પ્રતિભાવો અને સૂચનો આપ્યાં હતાં.
એ દિવસે બાદમાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ મુખ્ય સંબોધન કરીને ભારતની મહિલાઓ અને બાળકોનાં ભવિષ્ય માટે એમનું વિઝન રજૂ કર્યું હતું. મિશન પોષણ 2.0 વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે 2021ની પહેલી સપ્ટેમ્બરથી પોષણ માહ 2021નો આરંભ થઈ રહ્યો છે. તેમણે તમામ રાજ્ય સરકારોને એમાં ખરા દિલથી ભાગ લેવા અને પોષણ વાટિકાઓના વિકાસ માટે પોતાના લક્ષ્યાંકો નક્કી કરવા; 13મી જાન્યુઆરી 2021ની વધુ કાર્યક્ષમ બનાવાયેલી માર્ગદર્શિકાને અનુરૂપ એસએએમ બાળકોની ઓળખ અને આનુષંગિક સારવાર માટે ઝુંબેશ ચલાવવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્યોને એડબલ્યુસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને માસ દરમિયાન મોબાઈલ ફોન અને જીએમડીનો પુરવઠો પૂરેપૂરો કરવાની વિનંતી પણ કરી હતી.
મિશન વાત્સલ્ય વિશે છણાવટ કરતા મહિલા અને બાળ વિકાસ કૅબિનેટ મંત્રીએ જુવેનાઈલ જસ્ટિસ (જેજે) એક્ટમાં તાજેતરના સુધારાઓની અગત્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે એનાથી ડીસી/ડીએમની જબાબદારીઓ વધશે અને એવાં હુમલાપાત્ર બાળકોને સમાજમાં ફરી દાખલ કરવાનું સરળ બનશે. તેમણે રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને જેજે સુધારા એક્ટ હેઠળ ઘડાનારા નિયમો માટે એમનાં મંતવ્યો અને સૂચનો પૂરાં પાડવાં વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જેની કલ્પના કરી છે એ “મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ” ની અગત્યતા પર કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે રોજગારી માટે વિવિધ રાજ્યોમાં જતી મહિલાઓ અને યુવતીઓ માટે વર્કિંગ વીમન હૉસ્ટેલ્સ (ડબલ્યુડબલ્યુએચ) પૂરી પાડવા માટે એક કેન્દ્રવર્તી મોડેલ વિક્સાવવાનું વિચારી શકીએ. તેમણે મિશન શક્તિની અગત્યતા પર વિસ્તારથી વાત કરી હતી અને વન સ્ટૉપ સેન્ટર્સની અગત્યતા પર ભાર મૂક્યો હતો અને દેશના શેષ જિલ્લાઓમાં વન સ્ટૉપ સેન્ટર્સ શરૂ કરવા માટે રાજ્યોને વિનંતી કરી હતી.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરાએ પણ આ કાર્યક્રમમાં એમના વિચારો રજૂ કર્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની આ પરિષદે આપણા સંઘીય માળખાની ખરી ભાવનાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું અને દેશની મહિલાઓ અને બાળકોનાં વિકાસ અને કલ્યાણ માટે સંકલિત અને કેન્દ્રીત પ્રયાસોમાં પરિણમી હતી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1751023)