પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડૉ. સંજીવ સંજીવ કુમાર બલ્યાને NDDB ખાતે નેશનલ ડિજિટલ લાઇવસ્ટોક મિશનની બ્લ્યુપ્રિન્ટનું અનાવરણ કર્યું
Posted On:
08 OCT 2021 12:19PM by PIB Ahmedabad
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી માનનીય ડૉ. સંજીવ બલ્યાને આણંદમાં આવેલ NDDB ખાતે નેશનલ ડિજિટલ લાઇવસ્ટોક મિશનની બ્લ્યુપ્રિન્ટનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે NDDBના ચેરમેન શ્રી મીનેશ શાહ, ભારત સરકારના DAHDના અધિક સચિવ (C&DD) સુશ્રી વર્ષા જોશી, ભારત સરકારના DAHDના સંયુક્ત સચિવ (LH) શ્રી ઉપમન્યુ બસુ, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય ખાતે વિઝિટિંગ PSA ફેલો ડૉ. સિંદુરા ગણપતિ, GCMMFના MD ડૉ. આર. એસ. સોઢી, ગુજરાતની વિવિધ દૂધ સહકારી મંડળીઓના મેનેજિંગ ડિરેક્ટરો, NDDB અને તેની સહાયક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ, TCS અને અર્નેસ્ટ એન્ડ યંગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ડૉ. બલ્યાને જણાવ્યું હતું કે, પશુધનનું ક્ષેત્ર ગ્રામ્ય આજીવિકાની કરોડરજ્જુ હોવાથી એક વિશિષ્ટ પ્રકારનું સંયોજન ધરાવે છે. આ ક્ષેત્રના વિકાસને સહાયક હોય તેવી ઇકોસિસ્ટમની રચના કરવા માટે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની સાથે સુમેળ સાધવાના જો સંકેન્દ્રિત પ્રયત્નો કરવામાં આવે તો, તેનો વિકાસ ઘણો સારી રીતે થઈ શકે તેમ છે. પશુપાલકોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને NDLMનું અમલીકરણ કરવા પાછળનો મુખ્ય વિચાર આ જ છે.

વર્તમાન ઇન્ફોર્મેશન નેટવર્ક ફૉર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ (INAPH)ની સ્થાપના પર આધાર રાખીને DAHD અને NDDB દ્વારા વિકસાવવામાં આવી રહેલા ડિજિટલ પ્લેટફૉર્મ NDLMના અમલીકરણ બાદ પશુધનનું ક્ષેત્ર વિકાસની મોટી છલાંગ લગાવવા માટે સજ્જ થઈ ગયું છે. તેનો ઉદ્દેશ્ય પશુપાલકો-કેન્દ્રી, ટેકનોલોજીથી સક્ષમ એક ઇકોસિસ્ટમની રચના કરવાનો છે, જ્યાં પશુપાલકો યોગ્ય માહિતી ધરાવતી પશુધન સંબંધિત પ્રવૃત્તિઓ મારફતે વધુ સારી આવક રળી શકે.

ડૉ. બલ્યાને જણાવ્યું હતું કે, NDDB પશુપાલકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને તેમની આજીવિકાનું વૈવિધ્યકરણ અને આર્થિક કલ્યાણ કરવા પર કેન્દ્રીત વિવિધ વૈકલ્પિક પ્રવૃત્તિઓ મારફતે પશુપાલકોને આવકના અનેકવિધ પ્રવાહોમાં સાંકળી રહ્યું છે.
સુશ્રી વર્ષા જોશીએ વિકસાવવામાં આવેલા આ સોફ્ટવેરના મહત્વ અને લાભ સમજાવ્યાં હતાં અને તમામ હિતધારકોને આ સોફ્ટવેરનું સફળ અમલીકરણ કરવાની દિશામાં કામ કરવા વિનંતી કરી હતી.
NDDBના ચેરમેને જણાવ્યું હતું કે, તમામ પશુધનની વિશિષ્ટ ઓળખ એ NDLMનો આધાર બની રહેશે, જે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સહિત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના તમામ કાર્યક્રમોનો પાયો હશે. હિતધારકોની ખૂબ જ વ્યાપક રેન્જને આ ઇકોસિસ્ટમ સાથે જોડવામાં આવનારી હોવાથી આ ડિજિટલ પ્લેટફૉર્મ મારફતે પશુપાલકો ખૂબ જ સહજતાથી વિવિધ બજારોને ઍક્સેસ કરી શકશે, ભલે પછી તેઓ કોઇપણ સ્થળે હોય અને તેમની પાસે ગમે તેટલું પશુધન હોય. આ સિસ્ટમમાં પ્રાણીઓના સંવર્ધનની સુદ્રઢ સિસ્ટમ, પોષણ, બીમારીઓના સર્વેલન્સ, બીમારીઓને નિયંત્રિત કરવાના કાર્યક્રમો અને પશુઓ અને પશુઓના ઉત્પાદનોને ટ્રેસ કરી શકવાની મિકેનિઝમનો સમાવેશ કરવામાં આવશે.
ડૉ. બલ્યાને આણંદના ઝાકરીયાપુરા ગામ ખાતે આવેલા NDDBના મેનોર મેનેજમેન્ટ ઇનિશિયેટિવની પણ મુલાકાત લીધી હતી. ઝાકરીયાપુરા ગામના પશુપાલકો સાથે વાતચીત કરતી વખતે તેમણે બાયોગેસ પ્લાન્ટની નવી ટેકનોલોજી સ્વીકારવા બદલ તેમને બિરદાવ્યાં હતાં. આ બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતી બાયો સ્લરીનો ઉપયોગ પ્રારંભિક રીતે ખેડૂતો દ્વારા તેમના જ ખેતરોમાં કરવામાં આવે છે અને વધારાની બાયો સ્લરીને અન્ય ખેડૂતોને વેચી દેવામાં આવે છે અથવા તો તેને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે. તેમણે બોરસદના વાસણા ગામ ખાતે સ્લરી પ્રોસેસિંગ ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું. NDDBનો સુધન ટ્રેડમાર્ક તેમને ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી કરી બ્રાન્ડની ઓળખ ઊભી કરવામાં પણ મદદરૂપ થાય છે. આથી વિશેષ, બાયોગેસનો વપરાશ કરતી તમામ મહિલાઓએ ઇંધણ વીણવાની વેઠ અને તેના સંબંધિત અન્ય જોખમોમાં ઘટાડો થયો હોવાનું પણ નોંધ્યું છે.
માનનીય કેન્દ્રીય મંત્રીએ જ્યારે NDDBની આધુનિક ઓવમ પિક અપ એન્ડ ઇન વિટ્રો એમ્બ્રીયો પ્રોડક્શન (OPU-IVEP) ફેસિલિટીની મુલાકાત લીધી હતી, ત્યારે ભારતના પશુધનની વસતીમાં આનુવંશિક સુધારણા અને ઉત્પાદનમાં વધારો એ ધ્યાનનું મુખ્ય કેન્દ્રીકરણ રહ્યું હતું.
(Release ID: 1762033)