લઘુમતિ બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા હજ 2022ની જાહેરાત
હજ 2022 માટે 1 નવેમ્બરથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ; છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022
ભારતીય હજ યાત્રીઓ ‘વોકલ ફોર લોકલ’ને પ્રમોટ કરશે; ભારતના હજ પ્રારંભ બિંદુઓ પર યાત્રીઓને સ્વદેશી ચીજવસ્તુઓ અપાશે
હજ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા કોવિડ-19ના સંપૂર્ણ રસીકરણ પર આધારિત છે
તમામ હજ યાત્રીઓ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ “ઇ-મસીહા” : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી
प्रविष्टि तिथि:
01 NOV 2021 3:00PM by PIB Ahmedabad
મુંબઈ, 1 નવેમ્બર, 2021
હજ 2022 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 નવેમ્બર, 2021થી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ સોમવારે મુંબઈના હજ હાઉસ ખાતેથી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હજ 2022 નોંધપાત્ર સુધારાઓ તથા વધુ સુવિધાઓ સાથે યોજાઇ રહી છે.
યાત્રાની જાહેરાત કરતા, મંત્રીશ્રીએ કહ્યું કે, “સમગ્ર હજ પ્રક્રિયા 100 ટકા ઓનલાઇન રહેશે. લોકો ઓનલાઇન અરજી કરી શકે છે તેમજ આધુનિક સુવિધાઓ વડે સજ્જ ‘હજ મોબાઇલ એપ’ દ્વારા પણ અરજી કરી શકે છે. હજ 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે. આ ઍપને ‘હજ ઍપ ઇન યોર હેન્ડ’ ટેગલાઇન સાથે અપગ્રેડ કરવામાં આવી છે. તેમાં ઘણી નવી ખુબીઓ છે જેમાં વારંવાર પૂછાતા પ્રશ્નો, અરજી ફોર્મ ભરવા માટેની માહિતી અને અરજીકર્તાઓને અત્યંત સરળ રીતે ફોર્મ ભરવા માટે માહિતી આપતા વિડીયોનો સમાવેશ થાય છે.”

વોકલ ફોર લોકલ
મંત્રીશ્રીએ કહ્યું કે આ વખતે ભારતીય હજ યાત્રીઓ “વોકલ ફોર લોકલ”ને પ્રમોટ કરશે, સ્વદેશમાં બનાવાયેલા ઉત્પાદનો સાથે હજ પર જશે. અગાઉ હજ યાત્રીઓ વિદેશી ચલણ ચૂકવીને સાઉદી અરેબિયામાંથી બેડ શીટ્સ, ઓશિકા, ટોવેલ્સ, છત્રીઓ તથા અન્ય ચીજવસ્તુઓ ખરીદતા હતાં. આ વખતે મોટા ભાગની આ સ્વદેશી ચીજવસ્તુઓ ભારતમાં જ ભારતીય ચલણ ચૂકવીને ખરીદવામાં આવશે. ભારતમાં આ ચીજવસ્તુઓ સાઉદી અરેબિયાની તુલનાએ આશરે પચાસ ટકા ઓછાં ભાવે ઉપલબ્ધ થશે, તેનાથી “સ્વદેશી” અને “વોકલ ફોર લોકલ”ને પણ પ્રોત્સાહન મળશે. આ તમામ ચીજવસ્તુઓ હજ યાત્રીઓને ભારતમાં તેમના સંબંધિત પ્રારંભ બિંદુઓ ખાતેથી આપવામાં આવશે.

શ્રી નક્વીએ કહ્યું કે દાયકાઓ સુધી હજ યાત્રીઓ સાઉદી અરેબિયામાંથી આ તમામ ચીજવસ્તુઓ વિદેશી ચલણ આપીને ખરીદતા હતાં. રસપ્રદ વાત એ છે કે, આ પૈકીની મોટા ભાગની ચીજવસ્તુઓ “મેડ ઇન ઇન્ડિયા” હતી, જેને વિવિધ કંપનીઓ ભારતથી ખરીદતી હતી અને સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને બમણાં અથવા ક્યારેક ત્રણ ગણા ભાવે વેચતી હતી. શ્રી નક્વીએ કહ્યું કે એક અંદાજ પ્રમાણે આ વ્યવસ્થાના લીધે ભારતીય હજ યાત્રીઓના કરોડો રૂપિયા બચી જશે. ભારત દર વર્ષે 2 લાખ હજ યાત્રીઓ મોકલે છે.
કોવિડ-19ના સંપૂર્ણ રસીકરણના આધારે પસંદગી
શ્રી નક્વીએ કહ્યું કે હજ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રસીકરણ અનુસાર હાથ ધરાશે. ભારતીય તથા સાઉદી અરેબિયાની સરકારો દ્વારા હજ 2022ના સમયગાળા દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલ્સને નજર સમક્ષ રાખીને બંને ડોઝ તથા રૂપરેખાઓ અને માપદંડો નિર્ધારિત કરાશે.
શ્રી નક્વીએ કહ્યું કે કોવિડ મહામારીના પડકારો સંબંધિત તમામ પાસાઓને નજર સમક્ષ રાખીને લઘુમતી બાબતોના મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, વિદેશી બાબતોના મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, હજ કમિટી ઓફ ઇન્ડિયા, સાઉદી અરેબિયા ખાતેના ભારતીય એલચીની કચેરી અને જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સુલ જનરલ તેમજ અન્ય એજન્સીઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ હજ 2022ની આખી પ્રક્રિયાને ઘડવામાં આવી છે.

હજ 2022 માટે 10 પ્રારંભ બિંદુઓ
શ્રી નક્વીએ કહ્યું કે હજ 2022 માટે પ્રારંભ બિંદુઓ 21 થી ઘટાડીને 10 કરવામાં આવ્યા છે. હજ 2022 માટેના 10 પ્રારંભ બિંદુઓમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, કોચિન, ગુવાહાટી અને શ્રીનગરનો સમાવેશ થાય છે.
- દિલ્હીનું પ્રારંભ બિંદુ દિલ્હી, પંજાબ, હરયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓ આવરી લેશે.
- મુંબઈનું પ્રારંભ બિંદુ મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આવરી લેશે.
- કોલકાતાનું પ્રારંભ બિંદુ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ત્રિપુરા, ઝારખંડ અને બિહારને આવરી લેશે.
- અમદાવાદનું પ્રારંભ બિંદુ સમગ્ર ગુજરાતને આવરી લેશે.
- બેંગલુરુ પ્રારંભ બિંદુ સંપૂર્ણ કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાને આવરી લેશે.
- હૈદરાબાદ પ્રારંભ બિંદુ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને આવરી લેશે.
- લખનૌ પ્રારંભ બિંદુ ઉત્તર પ્રદેશના પશ્ચિમી હિસ્સાને બાદ કરતા બાકીના તમામ હિસ્સાને આવરી લેશે.
- કોચિન પ્રારંભ બિંદુ કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી, તમિલનાડુ તથા આંદમાન અને નિકોબારને આવરી લેશે.
- ગુવાહાટી પ્રારંભ બિંદુ આસામ, મેઘાલય, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ અને નાગાલેન્ડને આવરી લેશે.
- શ્રીનગર પ્રારંભ બિંદુ જમ્મુ-કાશ્મીર, લેહ-લદાખ-કારગિલને આવરી લેશે.
તમામ યાત્રીઓ માટે ઇ-મસીહા
શ્રી નક્વીએ કહ્યું કે, તમામ હજ યાત્રીઓને ડિજિટલ હૅલ્થ કાર્ડ “ઇ-મસીહા” આરોગ્ય સુવિધા તથા મક્કા-મદીનામાં રોકાણ વ્યવસ્થા/પરિવહન સંબંધિત તમામ માહિતી પૂરી પાડતી “ઇ-લગેજ પ્રિ-ટેગિંગ” સુવિધા પૂરી પડાશે.
શ્રી નક્વીએ કહ્યું કે હજ 2020 અને 2021 માટે 3000 કરતા વધુ મહિલાઓએ “મેહરામ” (પુરૂષ સાથી) વિનાની શ્રેણીમાં અરજી કરી હતી. આ મહિલાઓ જો હજ 2022 માટે જવા ઇચ્છશે તો હજ 2022 માટે પણ તેમની અરજીઓ પાત્ર રહેશે. અન્ય મહિલાઓ પણ હજ 2022 માટે “મેહરામ” (પુરૂષ સાથી) વિનાની શ્રેણીમાં અરજી કરી શકે છે. “મેહરામ” (પુરૂષ સાથી) વિનાની શ્રેણીમાં અરજી કરનાર તમામ મહિલાઓને લોટરી પ્રથામાંથી મુક્તિ અપાશે.


મુંબઈ સ્થિત રોયલ વાઇસ કોન્સુલ જનરલ ઓફ સાઉદી અરેબિયા હિઝ એક્સેલન્સી મોહમ્મદ અબ્દુલ કરીમ અલ-ઇનાઝી; કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી નિગાર ફાતિમા; હજ કમિટિ ઓફ ઇન્ડિયાના સીઇઓ મોહમ્મદ યાકુબ શેખા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
હજ મોબાઇલ ઍપ અહીંથી ડાઉનલોડ કરી શકાશે : https://play.google.com/store/apps/details?id=com.hajapp.hcoi
સાઉદી અરેબિયાની સરકાર દ્વારા પૂરી પડાતી હજ સંબંધિત સેવાઓ અહીંથી જાણી શકાશે :
https://www.haj.gov.sa/en/InternalPages/Details/10234
SD/GP/JD
(रिलीज़ आईडी: 1768556)
आगंतुक पटल : 380