માહિતી અને પ્રસારણ મંત્રાલય
ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો વેબિનાર
બંધારણના મૂલ્યોનું જતન કરવું એ આપણા સૌની ફરજઃ દેવેન્દ્ર ત્રિવેદી
Posted On:
26 NOV 2021 7:51PM by PIB Ahmedabad
ભારતીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા 'ભારતીય બંધારણઃ નાગરિકોના હક અને કર્તવ્ય' વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ લૉ કોલેજના સંયુક્ત આયોજનથી યોજાયેલ આ વેબિનારમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર ડૉ.સ્મિતાબેન વ્યાસ, જુનાગઢ લૉ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પરવેઝ બ્લોચ તેમજ ભાવનગર જિલ્લાના શિહોરના વરિષ્ઠ એડવોકેટ અને મોટીવેશનલ સ્પીકર શ્રી રાજુભાઇ જાની મુખ્ય વકતા સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીય બંધારણની લિખિત પ્રત એ માત્ર પુસ્તક નથી પરંતુ આપણા સૌ માટે એક ધર્મગ્રંથ- એક માર્ગદર્શક ગ્રંથ છે તેમ કહી ડૉ,સ્મીતાબેન વ્યાસે ભારતીય બંધારણની પ્રમુખ વિશેષતાઓ એને તેમાં નિર્દેશિત દેશના નાગરિકોના અધિકાર અને ફરજ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. વધુ જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે જો દેશના તમામ નાગરિકો તેમની ફરજોનું પાલન કરશે તો આપણો દેશ વિશ્વમાં સક્ષમ દેશ તરીકે ઉભરી આવશે. અંગત સ્વાર્થને ત્યજીને રાષ્ટ્રહિતને ધ્યાને રાખવું એ દેશના તમામ નાગરિકનું કર્તવ્ય છે.
ભારતીય બંધારણ રચવામાં પાયાના પથ્થર સમા તમામ બંધારણના ઘડવૈયાઓને યાદ કરી પોતાનું વક્તવ્ય આપતાં જુનાગઢ લૉ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પરવેઝ બલોચે જણાવ્યું કે વિશ્વના જુદાજુદા દેશોના બંધારણોના ઉંડાણપૂર્વકના અભ્યાસ બાદ આપણા દેશના નાગરિકોની સુખ-સુવિધા તેમજ આપણા દેશની સંસ્કૃતિને ધ્યાને રાખી આપણું બંધારણ ઘડાયું છે. જે લિખિત પણ છે અને લચીલું પણ છે. અખંડ ભારત વેરવિખેર ન થઇ જાય તે માટેની બંધારણમાં અનેક જોગવાઇ છે. દેશમાં કાયદાને સર્વોચ્ચ અને બંધારણના હાર્દ સમો ગણાવ્યો હતો અને બંધારણ દિવસે કાયદાઓનું પાલન કરવા પ્રતિજ્ઞાબદ્ધ થવાની અપીલ કરી હતી. શિહોરના એડવોકેટ શ્રી રાજુભાઇ જાનીએ ગામડાના વિકાસને રાષ્ટ્રના વિકાસનો આધારસ્તંભ ગણાવી દેશના છેવાડાના માનવી સુધી બંધારણમાં રહેલા અધિકારોની વાત પહોંચાડવા તેમણે યુવાવર્ગ અને શિક્ષિતવર્ગને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
વેબિનારનું સંચાલન કરવાની સાથે વક્તવ્ય આપતાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જે બંધારણે આપણને સમાનતા, સ્વતંત્રતા, શિક્ષણ જેવા વિભિન્ન અધિકારો આપ્યાં છે તેના મૂલ્યોનું જતન કરવું અને તેમાં દર્શાવેલ આપણી ફરજોનું પાલન કરવું એ આપણી જવાબદારી પણ બને છે. આપણા બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે અને આ અધિકારને પ્રાપ્ત કરવા દરેક યુવા મતદારે તેનું મતદારકાર્ડ ચોક્કસથી કઢાવી લેવું જોઇએ. એમ કહી દેશમાં ચાલી રહેલ મતદારયાદી સુધારણા તેમજ નવા મતદાર ઓળખ કાર્ડ વિશે જાણકારી આપતાં આપણા બંધારણ અને લોકતંત્રની જાણકારી પણ તેમણે આપી હતી. વેબિનારમાં ભારતીય બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ બંધારણના મૂલ્યોનું જતન કરવાના અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા અપાયેલ જાણકારી તેમજ વેબિનારમાં રસપૂર્વક જોડાયેલ લોકોના પ્રતિભાવોથી સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલ બંધારણ દિવસની ઉજવણી સાર્થક રહી હતી.
(Release ID: 1775401)