નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DGGI, સુરત ઝોનલ યુનિટ દ્વારા ૧૦ રાજ્યોમાં GST ચોરીની તપાસ


રૂ. 1516 કરોડ નાં બોગસ બિલો કે જેમાં રૂ. 231 કરોડ ની GST ચોરી પકડી

Posted On: 13 JAN 2022 6:49PM by PIB Ahmedabad

DGGI, સુરત ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવેલ કે, ઘણી કંપનીઓ આયર્નના આર્ટિકલ સપ્લાય કરે છે અને GST ની ચોરીમાં સક્રીય છે. સંદર્ભમાં વધુ વિગત મેળવવામાં આવેલ અને ધ્યાન પર આવેલ કે ભારતના 10 રાજ્યોમાં નોંધાયેલ પેઢીઓ/કંપનીઓ માલસામાનના વાસ્તવિક પુરવઠા વિના GST ની ITC અયોગ્ય રીતે પાસ ઑન કરતા હતાં.

તદનુસાર, તપાસ શરૂ કરવામાં આવી હતી અને પ્રારંભિક તબક્કામાં આવી 79 કંપનીઓના નોંધાયેલ સરનામાઓ ઉપર એક સાથે દરોડા પાડવામાં આવેલ, જેમાંથી 46 સ્થળોને DGGI દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગલુરુ, નાગપુર, ભોપાલ અને પુણે ની ઝોનલ કચેરીઓની મદદથી આવરી લેવામાં આવ્યા હતા.

વધુમાં, સુરત ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા આવી પેઢીઓ, 11 ટ્રાન્સપોર્ટરો અને 4 વે બ્રિજ ઓપરેટરોની વધુ 33 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી.

સર્ચ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાએ સાબિત કર્યું છે કે તમામ કંપનીઓએ રીટર્નમાં જે માલસામાનનો સપ્લાય દર્શાવ્યો છે તે અને અંતિમ વપરાશકારોને જે ITC પસાર કર્યો છે તે અસ્તિત્વમાં નથી/બોગસ છે અને બનાવટી દસ્તાવેજોના આધારે નોંધાયેલ છે.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કાં તો ટ્રાન્સપોર્ટરો અસ્તિત્વમાં નથી અથવા તેમના બનાવટી એલ.આર.નો ઉપયોગ બોગસ કંપનીઓના બિલ સાથે અંતિમ વપરાશકારોને માલનું પરિવહન બતાવવા માટે કરવામાં આવ્યો હતો. પેઢીઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારોને સાબિત કરવા માટે કરવામાં આવ્યો હતો.

પુરાવાઓને જ્યારે તેમની સમક્ષ મૂકવામાં આવ્યા ત્યારે, આવી બોગસ કંપનીઓએ તેમનો ગુનો કબૂલ કર્યો હતો અને તેમની પાસેથી ITC રિવર્સલ કરીને વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે CGST અધિનિયમ, 2017ના 132(1)(b) હેઠળ આચરવામાં આવેલા ગુનાઓ માટે આવા 5 માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસને અંતિમ વપરાશકારો તરફ પણ લંબાવવામાં આવી છે અને અંતિમ વપરાશકારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર ચેઈનમાં બોગસ બિલીંગની કુલ રકમ રૂ. 1516 કરોડ કે જેમાં રૂ. 231 કરોડ ની GST ચોરી સામેલ છે. રૂ. 14.14 કરોડ ની કુલ રિકવરી કરવામાં આવી છે જેમાં રૂ. 1.80 કરોડ ની રોકડ કર વસૂલાતનો સમાવેશ થાય છે.

કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ડિટેક્શન અને રિકવરીનું પ્રમાણ વધવાની ધારણા છે.

SD/GP/JD


(Release ID: 1789715)