ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI)નો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કર્યો
Posted On:
22 JAN 2022 8:53PM by PIB Ahmedabad
જમ્મુ-કાશ્મીરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એલ.જી. શ્રી મનોજ સિંહાજી જે પ્રકારે સરકાર ચલાવી રહ્યા છે તેનાથી નવા ભારતની પરિકલ્પનાને અનુરૂપ ઘણું મોટું પરિવર્તન જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળી રહ્યું છે
કાશ્મીરમાં વર્ષ 2019માં મોદીજીના નેતૃત્વમાં એક ખૂબ જ મોટા પરિવર્તનની શરૂઆત થઇ હતી અને જે કાશ્મીરમાં માત્ર 87 ધારાસભ્યો, છ સાંસદો અને ત્રણ પરિવાર જ સત્તામાં ભાગીદાર રહેતા હતા ત્યાં આજે ગ્રામ્ય સ્તરથી લઇને રાજ્ય સુધીના 30 હજાર કરતાં વધારે લોક પ્રતિનિધિઓ જનતાની સેવા કરી રહ્યા છે
આજનો દિવસ માત્ર જમ્મુ અને કાશ્મીર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે જમ્મુ અને કાશ્મીરમાં જે નવી શરૂઆત થઇ છે તે દેશના દરેક રાજ્યમાં આવશે અને પછી દેશના દરેક જિલ્લામાં સુશાસનની એક મજબૂત સ્પર્ધા શરૂ થશે
સુશાસનને જો સાચા અર્થમાં પાયાના સ્તર સુધી પહોંચાડવું હોય તો, તેના માટે જિલ્લો એક મહત્વપૂર્ણ એકમ છે અને જ્યાં સુધી જિલ્લામાં જ સુશાસન ના હોય ત્યાં સુધી તેનું કોઇ જ મહત્વ નથી
આ સુશાસન ઇન્ડેક્સ દ્વારા જિલ્લાઓ વચ્ચે જે સ્પર્ધા થશે તેનાથી જમ્મુ અને કાશ્મીરની સામાન્ય જનતાને ઘણો મોટો લાભ પહોંચશે
મોદીજી દ્વારા ગુડ ગવર્નન્સની શરૂઆત કરવામાં આવી તે પછી રાજ્યો વચ્ચે એક મજબૂત સ્પર્ધા થઇ હતી અને જમ્મુ-કાશ્મીર જિલ્લા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ સાથે જ હવે સમગ્ર દેશના જિલ્લાઓ વચ્ચે પણ લોકાભિમુક સુશાસન આપવાની મજબૂત હરીફાઇ થશે
જમ્મુ-કાશ્મીર જિલ્લા સુશાસન સૂચકાંકમાં 116 ડેટા આઇટમ સાથે શાસનના 10 ક્ષેત્ર અને 58 સૂચકાંક સામેલ કરવામાં આવ્યા છે જેમાં કૃષિ સેવાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન, પર્યાવરણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષા, સામાજિક કલ્યાણ અને વિકાસ સામેલ છે
કેટલાક રાજકીય પક્ષોમાં ડર છે કારણ કે જમ્મુ-કાશ્મીર તેમના પરિવારોના શકંજામાંથી નીકળીને હવે અહીં પંચાયતી રાજ આવ્યું છે અને તેઓ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી અહીં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે
હું આવા લોકોને કહેવા માંગુ છુ કે, એપ્રિલ 2017 થી 2019 અને 2019થી 2021 સુધીના સમયગાળામાં જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આંતકવાદી ઘટનાઓમાં 40 ટકા અને મૃત્યુઆંકમાં 57 ટકાનો ઘટાડો થયો છે
શાંતિનો સંબંધ નવા સુધારાઓ સાથે નહીં પરંતુ પ્રશાસન સાથે છે, જ્યારે જનતાને સારું પ્રશાસન મળે છે ત્યારે તેઓ પોતાની જાતે જ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની જાય છે
દરેક ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીરે બે વર્ષમાં લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને સ્વભાવિક છે કે વચેટિયાઓ આનાથી નારાજ થવાના, પરંતુ અમને એવા લોકોની નારાજગીનો જરાય ડર નથી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે જમ્મુ-કાશ્મીરની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે, તેમણે પોતાના લાભ માટે કંઇ આપવું ન પડે, તેમને પોતાની યોજનાઓના લાભ માટે કોઇ વચેટિયાની જરૂર ન પડે
જે લોકો સવાલ ઉઠાવે છે, હું તેમને સવાલ કરવા માંગુ છે કે આટલા વર્ષો સુધી ત્રણ પરિવારોએ શાસન કર્યું છે, તો આ બધુ શા માટે ના થઇ શક્યું, જો તમે આ બધુ ના કરી શકો, તો પછી જમ્મુ-કાશ્મીરની જનતાને ગેરમાર્ગે દોરવાનો મતલબ શું છે
જમ્મુ-કાશ્મીરમાં દુનિયાભરના પર્યટકોને આકર્ષવાની સંભાવના છે પરંતુ જે પ્રકારના નિવેદનો જમ્મુ-કાશ્મીરના અમુક નેતાઓ આપી રહ્યા છે, તેઓ નથી ઇચ્છતા કે જમ્મુ- કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન મળે
હું સ્પષ્ટ કહેવા માંગુ છુ કે, તમારા આવા નિવેદનોથી કોઇ ફેર નહીં પડે અને જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ઠંડીમાં વિક્રમી સંખ્યામાં પર્યટકો આવ્યા છે અને આવનારા દિવસોમાં તેમાં એકધારો વધારો થવાનું ચાલુ જ રહેશે
જમ્મુ-કાશ્મીરમાં રોજગારી અને પર્યટન સીધા જ એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ પર્યટકો ના આવે એટલા માટે વિપક્ષ આવા નિવેદનો આપીને યુવાનોને રોજગારીથી દૂર રાખવાના કાવતરા ચલાવે છે જેને જમ્મુ-કાશ્મીરની જનતાએ જાણી લેવું જોઇએ
અગાઉના શાસકોએ જમ્મુ-કાશ્મીરના જે યુવકોને ડૉક્ટર બનવા માટે પાકિસ્તાન અને વિદેશ જવા માટે મજબૂર કર્યા, હું તેમને જણાવવા માંગુ છુ કે, 1947 થી લઇને 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 4 મેડિકલ કોલેજ હતી અને 500 સીટ હતી
આજે અહીં 9 મેડિકલ કોલેજ છે અને 15 નર્સિંગ કોલેજો બની રહી છે, 1100 MBBSની સીટો છે અને 600 પેરામેડિકલ સર્વિસની સીટો છે
એકબાજુ 70 વર્ષમાં થયેલું રોકાણ રૂપિયા 12,000 કરોડ છે જ્યારે એક વર્ષમાં જ 12,000 કરોડના રોકાણના MoU જમ્મુ અને કાશ્મીરમાં થઇ ગયા છે અને 2,000 કરોડ રૂપિયાની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની પણ થઇ ગઇ છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જમ્મુ અને કાશ્મીર માટે અત્યાર સુધીની સૌથી સારી ઔદ્યોગિક નીતિ બનાવી છે જે અંતર્ગત લગભગ 50,000 કરોડ રૂપિયાનું રોકાણ જમ્મુ અને કાશ્મીરમાં આવવાનું છે અને તેનાથી 5 લાખ લોકોને રોજગારી મળશે
હું આજે ફરી વાર મારા યુવાન મિત્રોને અને ખાસ કરીને ખીણ પ્રદેશના યુવાનોને જણાવવા માંગુ છુ કે, આવો મોદીજીના વિકાસના માર્ગે આપ ચાલો, જમ્મુ-કાશ્મીરને આખા દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનવાથી કોઇ રોકી શકે તેમ નથી
જે લોકો તમને ગેરમાર્ગે દોરવા માંગે છે, તેમને હું કહેવા માંગુ છુ કે, છેલ્લા 3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 9,000 વિકાસના કાર્યો વધીને 21,000 વિકાસના કાર્યો પૂરા થઇ ગયા છે અને હું એમ પણ કહેવા માંગુ છુ કે જમ્મુ-કાશ્મીરની જનતાનું ભલું થાય એ જ મોદીજીની પ્રાથમિકતા છે
જે લોકો પોતાના રાજકીય સ્વાર્થના કારણે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખીણ પ્રદેશની જમીન જતી રહેશે, તેમને પૂછો કે ખીણ પ્રદેશમાં કોની જમીન જતી રહી, આવા જુઠ્ઠાણાઓથી લોકોને ગેરમાર્ગે દોરીને જમ્મુ-કાશ્મીરના વિકાસમાં તેઓ અવરોધો ઉભા કરી રહ્યા છે
જે લોકો કહે છે કે, હિંસા વધશે તેમને જઇને પૂછો કે હિંસા વધી કે ઘટી છે, માત્ર રોકાણ આવશે જ નહીં, પરંતુ આજે નવી ઔદ્યોગિક નીતિના પરિણામે એક વર્ષમાં જ રૂપિયા 12,000 કરોડનું રોકાણ આવી પણ ગયું છે અને પર્યટકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમજ વિકાસના માર્ગે જમ્મુ-કાશ્મીર આગળ વધી રહ્યું છે
પોતાના અંગત રાજકીય સ્વાર્થના કારણે જે લોકો ખાસ કરીને ખીણ પ્રદેશની જનતાના મનમાં એક પ્રકારની ભાગલાવાદી ભાવના ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના કારણે હું કાશ્મીરની જનતાને હાથ જોડીને વિનંતી કરુ છુ કે, જમ્મુ-કાશ્મીરની જનતા આવી કોઇપણ પ્રકારની ઉશ્કેરણીમાં ના આવે
લોકશાહી પાયાના સ્તર સુધી પહોંચી ગઇ હોવાથી આવા લોકો અકળાઇ ગયા છે અને લોકશાહીથી જ જમ્મુની અંદર ખુશીઓ અને વિકાસ આવી શકે છે તેમજ લોકશાહી જ યુવાનોને રોજગારી આપી શકે છે અને લોકશાહી સારી હોય તેના માટે સૌથી જરૂરી છે કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે
તેમના ઉશ્કેરણીજનક નિવેદનોથી જમ્મુ-કાશ્મીરના યુવાનો ગેરમાર્ગે ના દોરવાય, એવું હું મારા ખાસ યુવાન મિત્રોને કહેવા માંગુ છુ
તમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પર ભરોસો રાખો, જમ્મુ-કાશ્મીરના પ્રશાસન પર ભરોસો રાખો, મનોજજીના નેતૃત્વમાં પ્રશાસન સંપૂર્ણપણે 70 વર્ષની ખોટને 5 વર્ષમાં પૂરી કરવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે અને મને પાક્કો વિશ્વાસ છે કે, મનોજજીના પ્રયાસ અને મોદીજીના આશીર્વાદથી આ ખોટ અમે પૂરી કરી દઇશું
જ્યાં સુધી ડેમોક્રેટિક પ્રોસેસનો સવાલ છે તો, સીમાંકન શરૂ થઇ ગયું છે અને ટુંક સમયમાં જ ચૂંટણીઓ યોજવામાં આવશે અને ત્યાર પછી સ્થિતિ સામાન્ય થઇ જશે, જમ્મુ-કાશ્મીરને એક પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થઇ જશે
હું આપ સૌને આગ્રહપૂર્વક કહું છુ કે, વિકાસ પર ધ્યાન આપો, ખાસ કરીને ખીણ પ્રદેશના યુવાનો વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને, નવી રાજકીય પ્રક્રિયા, લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર બને અને પોતાના ભવિષ્યને સ્વર્ગમય બનાવે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા સુશાસન સૂચકાંક (District Good Governance Index-DGGI)નો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કાર્યાલય અને કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર (એલ.જી.) મનોજસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર જમ્મુ અને કાશ્મીર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે જમ્મુ અને કાશ્મીરમાં જે નવી શરૂઆત થઇ છે તે દેશના દરેક રાજ્યમાં આવશે અને પછી દેશના દરેક જિલ્લામાં સુશાસનની એક મજબૂત સ્પર્ધા શરૂ થશે. સુશાસનને જો સાચા અર્થમાં પાયાના સ્તર સુધી પહોંચાડવું હોય તો, તેના માટે જિલ્લો એક મહત્વપૂર્ણ એકમ છે અને જ્યાં સુધી જિલ્લામાં જ સુશાસન ના હોય ત્યાં સુધી તેનું કોઇ જ મહત્વ નથી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના એલ.જી. શ્રી મનોજ સિંહાજી જે પ્રકારે સરકાર ચલાવી રહ્યા છે તેનાથી નવા ભારતની પરિકલ્પનાને અનુરૂપ ઘણું મોટું પરિવર્તન જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળી રહ્યું છે. આ સુશાસન ઇન્ડેક્સ દ્વારા જિલ્લાઓ વચ્ચે જે સ્પર્ધા થશે તેનાથી જમ્મુ અને કાશ્મીરની સામાન્ય જનતાને ઘણો મોટો લાભ પહોંચશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોની દેખરેખને આ ઇન્ડેક્સમાં સમાવી લેવામાં આવી છે. તેના આધારે હવે જ્યારે તમામ જિલ્લા વચ્ચે સ્પર્ધા થશે ત્યારે સેવાઓના સ્તરમાં પણ સુધારો આવશે અનેતેનાથી જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ મોટું પરિવર્તન આવશે. શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું કે, મોદીજી દ્વારા ગુડ ગવર્નન્સની શરૂઆત કરવામાં આવી તે પછી રાજ્યો વચ્ચે એક મજબૂત સ્પર્ધા થઇ હતી અને જમ્મુ-કાશ્મીર જિલ્લા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો છે જે ગવર્નન્સ ઇન્ડેક્સ – 2021 પર આધારિત છે તેની સાથે જ હવે સમગ્ર દેશના જિલ્લાઓ વચ્ચે પણ લોકાભિમુક સુશાસન આપવાની મજબૂત હરીફાઇ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ઇન્ડેક્સ જિલ્લાના રેન્કિંગ અને તુલનાત્મક ચિત્ર પણ રજૂ કરશે જેથી જિલ્લાઓના કામનું મૂલ્યાંકન કરતી વખતે ખબર પડશે કે કયા ક્ષેત્રમાં વધારે સુધારની જરૂરિયાત છે. જિલ્લા ગુડ ગવર્નન્સ દ્વારા કરવામાં આવેલું મૂલ્યાંકન માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા માટે એક સારો માપદંડ નક્કી કરશે. જમ્મુ-કાશ્મીર જિલ્લા સુશાસન સૂચકાંકમાં 116 ડેટા આઇટમ સાથે શાસનના 10 ક્ષેત્ર અને 58 સૂચકાંક સામેલ કરવામાં આવ્યા છે જેમાં કૃષિ સેવાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ, માનવ સંસાધન, પર્યાવરણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષા, સામાજિક કલ્યાણ અને વિકાસ સામેલ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં વર્ષ 2019માં મોદીજીના નેતૃત્વમાં એક ખૂબ જ મોટા પરિવર્તનની શરૂઆત થઇ હતી અને જે કાશ્મીરમાં માત્ર 87 ધારાસભ્યો, છ સાંસદો અને ત્રણ પરિવાર જ સત્તામાં ભાગીદાર રહેતા હતા ત્યાં આજે ગ્રામ્ય સ્તરથી લઇને રાજ્ય સુધીના 30 હજાર કરતાં વધારે લોક પ્રતિનિધિઓ જનતાની સેવા કરી રહ્યા છે. પંચાયત એક્ટના અમલીકરણના પરિણામો આવનારા એક દાયકામાં કાશ્મીરની જનતા સમક્ષ હશે. જમ્મુ-કાશ્મીરની જનતાના 30 હજાર લોક પ્રતિનિધિઓ કાશ્મીર જિલ્લા સૂચકાંકના 116 ડેટા આઇટમ અને 58 સૂચકાંક ઇન્ડેક્સ દ્વારા કાશ્મીરનો વિકાસ સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષોમાં ડર છે કારણ કે જમ્મુ-કાશ્મીર તેમના પરિવારોના શકંજામાંથી નીકળીને હવે અહીં પંચાયતી રાજ આવ્યું છે અને તેઓ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી અહીં કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે. હું આવા લોકોને જણાવી દેવા માંગુ છુ કે, એપ્રિલ 2017 થી 2019 અને 2019થી 2021 સુધીના સમયગાળામાં જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આંતકવાદી ઘટનાઓમાં 40 ટકા અને મૃત્યુઆંકમાં 57 ટકાનો ઘટાડો થયો છે. આ બાબત બતાવે છે કે, શાંતિનો સંબંધ નવા સુધારાઓ સાથે નહીં પરંતુ પ્રશાસન સાથે છે. જ્યારે જનતાને સારું પ્રશાસન મળે છે ત્યારે તેઓ પોતાની જાતે જ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની જાય છે. શ્રી શાહે લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજસિંહાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારની તમામ યોજનાઓમાં આજે જમ્મુ-કાશ્મીર એકથી પાંચ ક્રમ સુધીમાં આવે છે. વિધવા સહાયતાની વાત હોય, વેતન લાભ પહોંચાડવાની વાત હોય, પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજના આખા જમ્મુ-કાશ્મીરમાં અમલમાં મૂકવાની વાત હોય, રાંધણ ગેસ પહોંચાડવાનો હોય, વીજળી પહોંચાડવાની હોય, શૌચલાય બનાવવાના હોય, સો ટકા રસીકરણ કરવાનું હોય, કોવિડ માટે ઓક્સિજનની ઉપલબ્ધતા કરવાની હોય અથવા પ્લાન્ટ લગાવવાના હોય – દરેક ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીરે બે વર્ષમાં લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સ્વભાવિક છે કે વચેટિયાઓ આનાથી નારાજ થવાના, પરંતુ અમને એવા લોકોની નારાજગીનો જરાય ડર નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે જમ્મુ-કાશ્મીરની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે, તેમણે પોતાના વેતન લાભ માટે કંઇ આપવું ન પડે, તેમને પોતાની યોજનાઓના લાભ માટે કોઇ વચેટિયાની જરૂર ન પડે. આજે જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધા જ 6 હજાર રૂપિયા મળી રહ્યા છે. જે લોકો સવાલ ઉઠાવે છે, હું તેમને સવાલ કરવા માંગુ છે કે આટલા વર્ષો સુધી ત્રણ પરિવારોએ શાસન કર્યું છે, તો આ બધુ શા માટે ના થઇ શક્યું, જો તમે આ બધુ ના કરી શકો, તો પછી જમ્મુ-કાશ્મીરની જનતાને ગેરમાર્ગે દોરવાનો મતલબ શું છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે હું ગઇ વખતે જમ્મુ-કાશ્મીરમાં આવ્યો હતો ત્યારે અહીંના યુવાનોને કહ્યું હતું કે, તમે વિકાસના ભાગીદારા બનો. જમ્મુ-કાશ્મીરમાં દુનિયાભરના પર્યટકોને આકર્ષવાની સંભાવના છે પરંતુ જે પ્રકારના નિવેદનો જમ્મુ-કાશ્મીરના અમુક નેતાઓ આપી રહ્યા છે, તેઓ નથી ઇચ્છતા કે જમ્મુ- કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન મળે. હું સ્પષ્ટ કહેવા માંગુ છુ કે, તમારા આવા નિવેદનોથી કોઇ ફેર નહીં પડે અને જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ઠંડીમાં વિક્રમી સંખ્યામાં પર્યટકો આવ્યા છે અને આવનારા દિવસોમાં તેમાં એકધારો વધારો થવાનું ચાલુ જ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં રોજગારી અને પર્યટન સીધા જ એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ પર્યટકો ના આવે એટલા માટે વિપક્ષ આવા નિવેદનો આપીને યુવાનોને રોજગારીથી દૂર રાખવાના કાવતરા ચલાવે છે જેને જમ્મુ-કાશ્મીરની જનતાએ જાણી લેવું જોઇએ.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં જમ્મુમાં એઇમ્સ બની, કાશ્મીરમાં એક એઇમ્સ બની, IIT, IIM અને IIMC-જમ્મુ બન્યા, નીટ, શ્રીનગરનું આધુનિકીકરણ થયું, રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થા, નિફ્ટનું નિર્માણ થયું, 9 નવી સરકારી મેડિકલ કોલેજ બની, અનંતનાગ, બારામુલા, રાજૌરી, ડોડા, કઠુઆ, હંદવાડા, ઉધમપુરમાં આ નિર્માણય થયું. 15 નર્સિંગ કોલેજો બની, બે કેન્સર ઇન્સ્ટિટ્યુટનું નિર્માણ થયું, જેમાંથી એક જમ્મુમાં અને એક કાશ્મીરમાં છે, બે પોલિટેકનિકલ કોલેજો મળી અને અગાઉના શાસકોએ જમ્મુ-કાશ્મીરના જે યુવકોને ડૉક્ટર બનવા માટે પાકિસ્તાન અને વિદેશ જવા માટે મજબૂર કર્યા, હું તેમને જણાવવા માંગુ છુ કે, 1947 થી લઇને 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 4 મેડિકલ કોલેજ હતી અને 500 સીટ હતી. પરંતુ આજે અહીં 9 મેડિકલ કોલેજ છે અને 15 નર્સિંગ કોલેજો બની રહી છે, 1100 MBBSની સીટો છે અને 600 પેરામેડિકલ સર્વિસની સીટો છે. તેમણે કહ્યું હતું કે, રોજગારીમાં પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. અમે સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા 25000 યુવાનોને આટલા ટૂંકા સમયમાં નોકરી આપી છે. 7000 નિયુક્તિ પત્રો પણ આપ્યા છે, ખાદી ગ્રામોદ્યોગના માધ્યમથી લગભગ 2,16,000 લોકોને ગૃહ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો સાથે જોડ્યા છે. તેમણે કહ્યું હતું કે, એકબાજુ 70 વર્ષમાં થયેલું રોકાણ રૂપિયા 12,000 કરોડ છે જ્યારે એક વર્ષમાં જ 12,000 કરોડના રોકાણના MoU જમ્મુ અને કાશ્મીરમાં થઇ ગયા છે અને 2,000 કરોડ રૂપિયાની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની પણ થઇ ગઇ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જમ્મુ અને કાશ્મીર માટે અત્યાર સુધીની સૌથી સારી ઔદ્યોગિક નીતિ બનાવી છે જે અંતર્ગત લગભગ 50,000 કરોડ રૂપિયાનું રોકાણ જમ્મુ અને કાશ્મીરમાં આવવાનું છે અને તેનાથી 5 લાખ લોકોને રોજગારી મળશે. મિશન યુથ કાર્યક્રમ હેઠળ સંખ્યાબંધ યુવાનોને જોડવાનો કાર્યક્રમ એલ.જી.એ ચલાવ્યો છે. યુથ ક્લબોના માધ્યમથી લોકશાહી જાગૃતિ અને સેવાઓનું વિસ્તરણ તેમજ તેમની રોજગારીનું પણ વિસ્તરણ આ ત્રણેય કામો એક સાથે થઇ રહ્યા છે. મેં મારી અગાઉની મુલાકાત વખતે જમ્મુ-કાશ્મીરના 63,000 કરતાં વધારે યુવાનો સાથે ઑનલાઇન વાત કરી હતી. હું આજે ફરી વાર મારા યુવાન મિત્રોને અને ખાસ કરીને ખીણ પ્રદેશના યુવાનોને જણાવવા માંગુ છુ કે, આવો મોદીજીના વિકાસના માર્ગે આપ ચાલો, જમ્મુ-કાશ્મીરને આખા દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનવાથી કોઇ રોકી શકે તેમ નથી. જે લોકો તમને ગેરમાર્ગે દોરવા માંગે છે, તેમને હું કહેવા માંગુ છુ કે, છેલ્લા 3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 9,000 વિકાસના કાર્યો વધીને 21,000 વિકાસના કાર્યો પૂરા થઇ ગયા છે અને હું એમ પણ કહેવા માંગુ છુ કે જમ્મુ-કાશ્મીરની જનતાનું ભલું થાય એ જ મોદીજીની પ્રાથમિકતા છે. કૃષિ અને બાગાયતમાં કેટલાય સુધારા કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જ્યારે કરફ્યૂ હતો ત્યારે સફરજનનું વેચાણ સારા ભાવે થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, ગ્રાન્ટ પણ આપવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરમાં સંગ્રહની સુવિધા વધારવા માટે પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન 35,000 મેટ્રિક ટન સંગ્રહની સુવિધાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેનાથી આવનારા દિવસોમાં ફળો અને ફુલોને બચાવી શકાશે. કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ ધોરીમાર્ગ -44 પર સંતોષકારક રીતે કામ ચાલી રહ્યું છે. જવાહર સુરંગની આસપાસમાં ભારે હીમવર્ષ અને હીમસ્ખલનના કારણે અગાઉના વર્ષોમાં વારંવાર અવરોધો આવવાની સમસ્યા થતી હતી જે આ વર્ષે દૂર થઇ જશે અને ધોરીમાર્ગ 44નું નિર્માણ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વરદાનરૂપ સાબિત થશે. 4,509 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે 14 કિલોમીટર લાંબી જોજીલા સુરંગનું કામ પણ આગળ વધારવામાં આવી રહ્યું છે. શ્રીનગર સોનમર્ગ પર સાડા છ કિલોમીટર લાંબી સુરંગનું કામ પ્રગતિ હેઠળ છે. બંને વિસ્તારો વચ્ચે રેલવે કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું કામ પણ સમયસર પૂરી થઇ જશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રીનગરથી શારજાહ વચ્ચે પહેલી ઉડાન હું જ્યારે જમ્મુ-કાશ્મીર આવ્યો હતો ત્યારે શરૂ કરી દેવામાં આવી હતી જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં રોકાણની ખૂબ જ મોટી સંભાવનાઓના દ્વાર ખુલશે. સબિસિડી વાળી હેલિકોપ્ટર યોજનાના માધ્યમથી જમ્મુ પ્રભાગના કિશ્તવાડ તેમજ કાશ્મીર પ્રભાગના ગુરેજ તેમજ તંગધાર સહિત જમ્મુ-કાશ્મીરના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે. પર્યટન ક્ષેત્રમાં ખૂબ જ સારા અને ઉત્સાહજનક આંકડાઓ આવી રહ્યાં છે. જેડ મોડ સુરંગ શરૂ થઇ જવાથી સોનમર્ગ પહેલી વખતે તેના શીતકાલિન કાર્નિવલની વ્યવસ્થા સાથે ખુલ્લું રહેશે. ઠંડીના મહિનાઓ દરમિયાન પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર અને પટનીટોપમાં હોટેલો ભરાયેલી રહે છે. જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ 2020 અને એપ્રિલ 2021 દરમિયાન પર્યટકોની સંખ્યા આઝાદી પછી સર્વાધિક નોંધાઇ હતી અને 2020થી 221 દરમિયાન આ આંકડો ત્રણ ગણો વધીને લગભગ 1,13,000 પર્યટકો સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું હતું કે, અમુક લોકો પોતાના અંગત રાજકીય સ્વાર્થના કારણે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. હું આપ સૌને અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના યુવાનોને આગ્રહપૂર્વક કહું છે કે તમારે તેમને સવાલ કરવો જોઇએ. જેઓ કહી રહ્યા છે કે ખીણ પ્રદેશની જમીન જતી રહેશે, તેમને પૂછો કે ખીણ પ્રદેશમાં કોની જમીન જતી રહી, આવા જુઠ્ઠાણાઓથી લોકોને ગેરમાર્ગે દોરીને જમ્મુ-કાશ્મીરના વિકાસમાં તેઓ અવરોધો ઉભા કરી રહ્યા છે. જે લોકો કહે છે કે, હિંસા વધશે તેમને જઇને પૂછો કે હિંસા વધી કે ઘટી છે, માત્ર રોકાણ આવશે જ નહીં, પરંતુ આજે નવી ઔદ્યોગિક નીતિના પરિણામે એક વર્ષમાં જ રૂપિયા 12,000 કરોડનું રોકાણ આવી પણ ગયું છે અને પર્યટકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમજ વિકાસના માર્ગે જમ્મુ-કાશ્મીર આગળ વધી રહ્યું છે. પોતાના અંગત રાજકીય સ્વાર્થના કારણે જે લોકો ખાસ કરીને ખીણ પ્રદેશની જનતાના મનમાં એક પ્રકારની ભાગલાવાદી ભાવના ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના કારણે હું કાશ્મીરની જનતાને હાથ જોડીને વિનંતી કરુ છુ કે, જમ્મુ-કાશ્મીરની જનતા આવી કોઇપણ પ્રકારની ઉશ્કેરણીમાં ના આવે. લોકશાહી પાયાના સ્તર સુધી પહોંચી ગઇ હોવાથી આવા લોકો અકળાઇ ગયા છે અને લોકશાહીથી જ જમ્મુની અંદર ખુશીઓ અને વિકાસ આવી શકે છે તેમજ લોકશાહી જ યુવાનોને રોજગારી આપી શકે છે અને લોકશાહી સારી હોય તેના માટે સૌથી જરૂરી છે કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો માહોલ જળવાઇ રહે. તેમના ઉશ્કેરણીજનક નિવેદનોથી જમ્મુ-કાશ્મીરના યુવાનો ગેરમાર્ગે ના દોરવાય, એવું હું મારા ખાસ યુવાન મિત્રોને કહેવા માંગુ છુ. તમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પર ભરોસો રાખો, જમ્મુ-કાશ્મીરના પ્રશાસન પર ભરોસો રાખો, મનોજજીના નેતૃત્વમાં પ્રશાસન સંપૂર્ણપણે 70 વર્ષની ખોટને 5 વર્ષમાં પૂરી કરવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે અને મને પાક્કો વિશ્વાસ છે કે, મનોજજીના પ્રયાસ અને મોદીજીના આશીર્વાદથી આ ખોટ અમે પૂરી કરી દઇશું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ડેમોક્રેટિક પ્રોસેસનો સવાલ છે તો, સીમાંકન શરૂ થઇ ગયું છે અને ટુંક સમયમાં જ ચૂંટણીઓ યોજવામાં આવશે અને ત્યાર પછી સ્થિતિ સામાન્ય થઇ જશે, જમ્મુ-કાશ્મીરને એક પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થઇ જશે. હું આપ સૌને આગ્રહપૂર્વક કહું છુ કે, વિકાસ પર ધ્યાન આપો, ખાસ કરીને ખીણ પ્રદેશના યુવાનો વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને, નવી રાજકીય પ્રક્રિયા, લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર બને અને પોતાના ભવિષ્યને સ્વર્ગમય બનાવે. આપ સૌને મારો આ જ આગ્રહ છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1791850)