પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

હવે દેશના માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ; માછીમાર સમુદાયના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ: શ્રી પરશોતમ રૂપાલા


કચ્છના સાગર કાંઠેથી સાગર પરિક્રમા યોજના પ્રસંગે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન, ડેરી મંત્રી શ્રી પરશોતમ રૂપાલાની જાહેરાત

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વ્યવસાય માટે આર્થિક સહાય

Posted On: 05 MAR 2022 5:35PM by PIB Ahmedabad

(ભુજ) કેન્દ્રીય મત્સ્ય, પશુ પાલન અને ડેરી વિભાગના મંત્રી શ્રી પરશોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે સાગર પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત માછીમાર સમુદાય, પશુપાલકો અને અન્ય સામાજિક રાજકીય આગેવાનોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રારંભ કરાયેલ આ યાત્રા દેશના કુલ 8000 કીમી જેટલા લાંબા સમુદ્ર કિનારા ઉપર ફરશે. આ સાગર પરિક્રમા યાત્રાનો મૂળ હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માછીમાર સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસ માટે શરૂ કરાયેલ કલ્યાણકારી યોજનાઓની જાણકારી માછીમાર સમુદાય સુધી પહોંચાડવાનો છે.

પ્રથમ ચરણમાં આજે માંડવી મધ્યે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માના જન્મ સ્થળ માંડવીથી શરૂ થયેલ આ યાત્રા આવતી કાલે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર પહોંચશે. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી પ્રથમ જ વાર વર્તમાન સરકારે દેશના માછીમાર સમુદાય અને પશુપાલકો માટે (કેસીસી) કિસાન ક્રેડીટ કાર્ડ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરી છે. કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા માછીમારો અને પશુપાલકો સરળતાપૂર્વક આર્થિક ધિરાણ મેળવી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા પછી પ્રથમ જ વાર કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ અપાતું ધિરાણ 8 લાખ કરોડ રૂ.થી વધીને બમણું 16.5 લાખ કરોડ રૂ. થયું છે. તેમણે દેશના માછીમાર સમુદાયને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ માત્ર 7 ટકાના વ્યાજે મળતાં નાણાકીય ધિરાણનો તેઓ લાભ લે અને નિયમિત રકમ ભરી કેન્દ્ર સરકાર દ્વારા મળતી 4 ટકા વ્યાજ સહાય મેળવે.

જોકે, ગુજરાત સરકારે ક્રેડીટ કાર્ડ માટે કરેલી પહેલને બિરદાવતાં શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ નિયમિત રકમ ભરનારને 3 ટકા વ્યાજ સહાય આપે છે. પરિણામે ગુજરાતમાં કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ શૂન્ય વ્યાજ દરે નાણાકીય ધિરાણ મળે છે. દેશના અન્ય રાજ્યો પણ ગુજરાતને અનુસરે એવી અપીલ તેમણે કરી હતી. કચ્છના માછીમારોને 92.82 લાખની સાધન સહાય અને ક્રેડીટ કાર્ડનું વિતરણ કર્યા બાદ ક્રેડીટ લોન મેળવનાર કચ્છના બે માછીમાર અઝીઝ કુરેશી અને ઈબ્રાહીમ જુણેજા સાથે શ્રી રૂપાલાએ સંવાદ સાધી કેન્દ્ર સરકાર દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતા માછીમાર સમુદાયના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી.

શ્રી રૂપાલાએ કચ્છના માંડવીના વહાણવટાના ભવ્ય ભૂતકાળને યાદ કરી જણાવ્યું હતું કે, અત્યારે આ બંદરને નડતી ડ્રેજિંગની સહિતની સમસ્યા દૂર કરવા અંગે હૈયાધારણ આપી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્તમાન બજેટમાં 880 કરોડ રૂપિયા જૂના બંદરો અને મત્સ્યોદ્યોગ માટે ફાળવ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને સાથે મળીને દરિયાઈ વ્યાપારને ગતિ આપવા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કુલ 20050 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરાઈ છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વ્યવસાયકારો રૂ. દસ હજારથી માંડીને રૂ. 1 કરોડ સુધીનું નાણાકીય ધિરાણ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ વિનોદ ચાવડા, રાજ્ય વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ગુજરાત સરકારના મંત્રીઓ રાઘવજી પટેલ, જીતુભાઈ ચૌધરી અને કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. 

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1803191)