મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશને ગૌરવ અપાવવામાં નારીરત્નોનો ફાળો બહુમૂલ્ય: ભાવનગર મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં અનુસંધાને વેબિનાર યોજાયો

'નારી શક્તિ દેશની શક્તિ' વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા થયું વેબીનારનું આયોજન

Posted On: 09 MAR 2022 12:24PM by PIB Ahmedabad

પોતાની શક્તિ અને સામર્થ્યનાં જોરે પોતાની વ્યક્તિગત ઓળખ ઊભી કરવાની સાથે આપણા દેશના નારીરત્નોએ દેશની સંસ્કૃતિ અને કલા વારસાને પણ જીવંત રાખ્યો છે. સાથે દેશના ગૌરવને વધારવામાં નારીરત્નોનો ફાળો બહુમૂલ્ય છે એમ  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ વેબિનારને સંબોધન કરતા ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરિયાએ જણાવ્યું હતું. તેમણે  વધુમાં જણાવ્યું કે જે પ્રકારે દેવી સ્વરૂપે મા દુર્ગા દાનવોનો નાશ કરે છે તે પ્રકારે પ્રત્યેક નારી સમાજમાં પ્રવર્તમાન તમામ કુરિવાજોને નાથવા,બૂરાઈઓને દૂર કરવા અને દેશને રક્ષણ આપવા માટે સક્ષમ છે.

 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે જેના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીઝનલ આઉટરીચ બ્યૂરો-અમદાવાદપ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો- અમદાવાદ તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યૂરો -જૂનાગઢ અને પાલનપુર દ્વારા 'નારી શક્તિ દેશની શક્તિ' વિષયને લઈને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી શક્તિની વંદનાનો દિવસ છે એમ કહી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા એડીજી ર્ડા. ધીરજ કાકડિયાએ મહિલાઓના સન્માનને જાળવતા કાયદાઓ અને મહિલા સશક્તીકરણ અંગે વર્તમાન સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. નાના સરખા અપવાદોને બાદ કરી ઘણા લાંબા કાળ બાદ આજનો સમય નારીજગત માટે સુવર્ણકાળ હોવાનું જણાવી રીજનલ આઉટરીચ બ્યૂરો,અમદાવાદનાં નિદેશક સરિતાબેન દલાલે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નારીશક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વાત કરી હતી.

એકવીસમી સદી ભારતની સદી છે અને નારીનું નેતૃત્વ ભારતને વિશ્વભરમાં ગૌરવ અપાવશે તેવું જણાવી ભાવનગરના એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને મેન્ટર ર્ડા. છાયાબેન પારેખે નારીની નેતૃત્વ શક્તિને બિરદાવી હતી અને વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે નારીશક્તિનાં પ્રદાન અંગે વિસ્તારથી વાત કરી હતી. વેદ, શાસ્ત્રો, ઉપનિષદો તરફ નજર કરીએ કે પછી પ્રાચીનકાળની ભારતીય સંસ્કૃતિ તરફ દૃષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે તેમાં હંમેશા નારીના સન્માન અને ગૌરવની વાત કરવામાં આવી છે ત્યારે વર્તમાન સમયમાં નારીનું સન્માન જળવાય, તેને સુરક્ષા પ્રદાન થાય અને સલામતીનું વાતાવરણ ઊભું થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે એવું જણાવી મહેસાણાની બી. એસ. ડબલ્યુ,એમ.એસ. ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ ક્રાંતિબેન ત્રિવેદીએ હજુ પણ વર્તમાન સમયમાં નારી પર થતા અત્યાચાર અને શોષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુદરત સામે પણ બાથ ભીડી શકે તેવી નારી જો ધારે તો સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો અને દૂષણોને દૂર કરવા તેની સામે લડી પણ શકે અને જીતી પણ શકે તેવું જણાવી ભાવનગરના ગાયિકા અને મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. ભાવનાબેન અંધારિયાએ દરેક સ્ત્રીને પોતાના સામર્થ્ય અને શક્તિ પર પૂરતો વિશ્વાસ રાખવાનું જણાવ્યું હતું.

ફિલ્ડ આઉટરીચ બ્યૂરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે સ્ત્રી પ્રત્યેનો સન્માન અને આદરનો ભાવ માત્ર એક દિવસ પૂરતો સીમિત રાખતા પ્રતિદિન જીવન પર્યંત આપણા સૌમાં રહેવો જોઈએ તેવો અનુરોધ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વેને શુભકામનાઓ પાઠવી હતી. વેબીનારમાં સિહોરની ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ, મહેસાણા બી.એસ.ડબલ્યુ એમ.એસ.ડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતની વિભિન્ન સંસ્થાઓ અને રાજ્યભરમાંથી ઘણા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1804269)