રેલવે મંત્રાલય
અમદાવાદ ડિવિઝને વર્ષ 2021-22માં વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરી કેટલીક સિદ્ધિઓ
Posted On:
08 APR 2022 8:10PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન એ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કુલ 6039 કરોડ રૂપિયાનું વાર્ષિક રેવન્યુ પ્રાપત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. આ ઉપરાંત ડિવિઝને વિવિધ વિભાગો દ્વારા ઉલ્લેખનીય કાર્ય કરતાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન એ મીડિયા સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે અમદાવાદ ડિવિઝને 5012 કરોડ રૂ. માલ લોડિંગથી, 825 કરોડ રૂ. યાત્રિઓથી, 202 કરોડ રૂ. અન્ય કોચીંગ રેવેન્યુથી, 102 કરોડ રૂ. પાર્સલથી તેમજ અન્ય વસ્તુઓથી કુલ 6039 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેવેન્યુ પ્રાપ્ત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ વર્ષે ગયા વર્ષની અપેક્ષાએ લગભગ 8% અધિક રેવેન્યુ પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ ડિવિઝન પર આ વર્ષે ટ્રેનોનું સમય પાલન 96.8% રહ્યું. ડિવિઝન દ્વારા 400 કિલોમીટરથી વધુ ઇલેક્ટ્રીફિકેશન કરીને ભારતીય રેલવેમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આનાથી ઇંધણની બચત થશે તેમજ ટ્રેનોની સ્પીડ વધશે, અમદાવાદ સ્ટેશન પર એન્જિન બદલવામાં લાગતા સમયની પણ બચત થશે. ભારતમાં સૌથી વધુ ઇંધણમાં પેટ્રોલ ડિઝલની આયાત થાય છે, ઇલેક્ટ્રિફિકેશનથી પેટ્રોલ અને ડિઝલની આયાતમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થશે. આ વર્ષે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ 38.42 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું છે. જે વર્ષ 2014-15ના મહત્તમ થી લગભગ 10% વધુ રહ્યું છે. જેમાં મીઠું, ઓટોમોબાઈલ, આયર્ન અને સ્ટીલ વગેરે ઉત્પાદનો સામેલ હતા. યાત્રિઓને વધુ સુવિધા આપવા માટે આ વર્ષે ડિવિઝને આઠ આઇએફસી રેક્સના ડબ્બાઓને એલએચબી ડબ્બાઓમાં પરિવર્તિત કર્યા.
ડિવિઝને આ વર્ષે નવા રેલવે ઓવર બ્રિજ (આરઓબી) તથા રેલવે અંડર બ્રિજ (આરયુબી) બનાવીને 27 લેવલ ક્રોસિંગ ઘટાડ્યા. આરપીએફ ટીમ દ્વારા મેરી સહેલી અભિયાન લોંચ કરવામાં આવ્યું જેના હેઠળ ટ્રેનમાં એકલી મુસાફરી કરતી મહિલા યાત્રીને વધારાની સુરક્ષા અનુભવાશે. અમદાવાદ સ્ટેશન પર પ્રત્યેક પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પાણી અને ઠંડા પાણીની સુનિશ્ચિતતા માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસની ગતી વધારવામાં આવી છે જેનાથી લગભગ 45 મિનિટની બચત થઈ છે. ડિવિઝને ટ્રેક મેઈનટેનન્સ પર ઘણું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતાં રહીશું.
શ્રી જૈને એ પણ જણાવ્યું કે આ રેવેન્યુ વધારો ડિવિઝન દ્વારા માલ લોડિંગને વધારો આપવા માટે કરવામાં આવેલા વિવિધ અભિગમોને લીધે સંભવ થયો છે. માલસામાન અને પાર્સલના પરિવહન માટે રેલવે સાથે જોડાણ કરવા માલવાહક ટ્રાન્સપોર્ટરોને આકર્ષવા રેલવે મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર વિભાગે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરી છે. વધુમાં, નવા ટ્રાફિકને આકર્ષવા અને ટ્રાફિકના હાલના પ્રવાહમાં રેલવેનો હિસ્સો વધારવા માટે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) ની પણ રચના કરવામાં આવી હતી. આનાથી રેલવે માલવાહક ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ બન્યું છે અને આવકમાં પણ વધારો થયો છે.
(Release ID: 1815058)