કાપડ મંત્રાલય
ટફના બાકી દાવાઓના ઝડપી નિકાલ માટે સુરતમાં બે દિવસીય આઉટરીચ પ્રોગ્રામને ખુલ્લો મૂકતાં કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ
અમદાવાદની મુલાકાત વખતે સુરતમાં આવો આઉટરીચ કેમ્પ યોજવા વચન આપ્યું હતું એ આજે પૂર્ણ થયું: શ્રીમતી જરદોશ
જીઆઇ અને જીઆઇ પહેલ પછી ટેક્સ્ટાઈલ અને હૅન્ડીક્રાફ્ટ ઉત્પાદનોનાં રક્ષણ અંગે કાર્યશિબિરનું ઉદઘાટન કર્યું
કેન્દ્ર સરકારે સામે ચાલીને આઉટરીચ કેમ્પ થકી કાપડ ઉદ્યોગકારોને સરળતા રહે એવો અભિગમ અપનાવ્યો છે
જીઆઇ એક્ટ હેઠળ નોંધાયેલા સુરત જરી ઉત્પાદકોને પ્રમાણપત્ર એનાયત
Posted On:
30 MAY 2022 6:49PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના ટેક્સ્ટાઇલ મંત્રાલયની ટેક્સ્ટાઇલ કમિશનર કચેરી દ્વારા TUFS (ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ)ના બાકી રહેલા દાવાઓના ઝડપી નિકાલ માટે સુરતના MANTRA (મેનમેઇડ ટેક્સ્ટાઇલ રિસર્ચ એસોસિએશન)મંત્રાના કોન્ફરન્સ હોલ ખાતે તા.૩૦ અને ૩૧ મે દરમિયાન આયોજિત બે દિવસીય કેમ્પને કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ શ્રી રજનીકાંત બચકાનીવાલા, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી જયવદન બોડાવાલા, ટેક્સ્ટાઇલ વિભાગનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઉષા પોલ, એડિશનલ ટેક્સ્ટાઇલ કમિશનર એસ.પી.વર્મા, જેઆઈટીનું સંચાલન કરનાર ટેક્સ્ટાઇલ કમિટીના અધિકારીઓ અને સુરત વિભાગની ૩૨ નોડલ બૅન્કો અને ૧૨ પીએલઆઈ, ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અને ટેક્સ્ટાઇલ મંત્રાલય અને મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, TUFS હેઠળના તમામ પેન્ડિંગ દાવાઓના નિકાલને ઝડપી બનાવવા માટે ટેક્સ્ટાઇલ વિભાગ દ્વારા કાપડ ઉદ્યોગસાહસિકો સુધી ડોર ટુ ડોર જઈને આઉટરીચ કેમ્પ યોજવાનો અને ક્લસ્ટરોને લગતા કેસો માટે જરૂરી સ્પષ્ટતાઓ/દસ્તાવેજો એકત્ર કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે ટેક્સ્ટાઇલ કમિશનરની કચેરી દ્વારા બેંગલુરૂ, કોઈમ્બતુર, અમદાવાદ અને મુંબઈ બાદ સુરત ખાતે આઉટરીચ/ક્લિયરન્સ કેમ્પ યોજી રહ્યાં છીએ. આ કેમ્પ દ્વારા ટફ યોજનાના બાકી દાવાઓનું ઝડપી નિરાકરણ આવશે.

તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું કે મારી અમદાવાદની મુલાકાતોમાંની એક દરમિયાન સુરતમાં આવો આઉટરીચ કાર્યક્રમ યોજવા વચન આપ્યું હતું જે આજે પૂર્ણ થયું છે.
શ્રીમતી જરદોશે વધુમાં કહ્યું કે, પી.એલ.આઈ.( પ્રોડક્શન લિંકેડ ઇન્સેન્ટીવ) સ્કીમ હેઠળ મેનમેડ ફાઈબર, રેડીમેડ ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્સ્ટાઇલનો સમાવેશ થાય છે. ભારતમાં ૬૭માંથી ૭ પી.એલ.આઈ. યોજના ગુજરાતમાં કાર્યરત છે. તેમણે ટેક્ષટાઇલ તેમજ હેન્ડલૂમ ઉદ્યોગની માહિતી અને સચોટ જ્ઞાન લોકો સુધી પહોંચે તેના ભાગરૂપે શહેરની યુનિવર્સિટી સાથે ટાઈ-અપ કરી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું. તેમણે ગર્વભેર ઉમેર્યું કે કોરોનાના કપરા સમયમાં ભારતે સ્વદેશી PPE કીટનું મોટા પાયે ઉત્પાદન કરી વૈશ્વિક સ્તરે આગવી ઓળખ બનાવી હતી.
તેમણે કહ્યું કે ટેક્સ્ટાઇલ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે સંખ્યાબંધ પગલાં ભર્યા છે, ત્યારે ટફ યોજનાની સબસિડી સંબંધિત ઉદ્યોગકારોને વહેલી તકે મળી રહે એ માટે કેન્દ્ર સરકારે સામે ચાલીને આઉટરીચ કેમ્પ થકી કાપડ ઉદ્યોગકારોને સરળતા રહે એવો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશના સૌથી મોટા ટેક્સ્ટાઇલ ઉદ્યોગના ક્લસ્ટરોમાં સમાવેશ પામતા સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ માળખાગત મૂડીરોકાણ કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને તેની મશીનરીમાં થઇ રહ્યું છે, ત્યારે વિશ્વમાં કાપડમાં મેનમેઈડ ફાયબરનો હિસ્સો ૭૫ ટકા હોવાથી સુરત પણ આ ક્ષેત્રમાં બહુમૂલ્ય પ્રદાન કરે એ હેતુથી મેનમેઈડ ફાયબર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપસ્થિત ઉદ્યોગકારોને તેમણે અનુરોધ કયો હતો.
નોંધનીય છે કે, TUFS યોજના અંતર્ગત સબસિડી મેળવવા હેતુ બૅન્કમાં કુલ ૬ મુખ્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, ત્યારે ગુજરાતમાં ૨૮૩૧ ટફના કેસો નોંધાયેલા હતા, જે પૈકી અત્યાર સુધી ૧૨૫૪ ના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા છે.

અન્ય એક કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે આજે સુરતમાં જીઆઇ હેઠળનાં ટેક્સ્ટાઇલ અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનોનાં બૌદ્ધિક સંપત્તિનાં રક્ષણ (આઇપીઆર) અંગે એક કાર્યશિબિરનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે ટેક્સ્ટાઇલ સમિતિ, ભારત સરકારના સભ્ય ડૉ. તપનકુમાર, સીએમએઆઇ, મુંબઈના પ્રમુખ શ્રી રાહુલ મહેતા, સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અને સુરત જરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી જરદોશના હસ્તે જીઆઇ એક્ટ 1999 હેઠળ નોંધાયેલ સુરત જરી કલાના ઑથોરાઇઝ્ડ યુઝર્સને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.
સમારોહને સંબોધતા શ્રીમતી દર્શનાબેન જરદોશે જીઆઇ ટેગ મેળવેલ જરીના બ્રાન્ડિંગ અને આક્રમક માર્કેટિંગ પર ભાર મૂક્યો હતો. 2010માં સુરતની જરીને જીઆઇ ટેગ મળ્યું હતું. આજે 18 યુઝર્સએ પ્રમાણપત્ર અપાયાં છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સપોર્ટિવ અને સંવેદનશીલ છે, આપણે આપણી તાકાતને ઓળખીએ, નવી પેઢી અને નવી ટેકનોલોજીને સમાવીએ. ટેક્સ્ટાઇલની હાલની યોજનાઓનો મોટો લાભ સુરતને મળવાનો છે.
SD/GP/JD
(Release ID: 1829544)
Visitor Counter : 136