નાણા મંત્રાલય
નાણા મંત્રાલયના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે DIPAM દ્વારા "બજાર દ્વારા સંપત્તિનું સર્જન" વિષય પર સુરતમાં પરિષદ યોજાઇ
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ બેંગલુરુથી કોન્ફરન્સમાં જોડાયાં
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેતાં 75 શહેરોમાં મોટા પાયે પરિષદ યોજાઇ જેમાં સુરત ખાતે મૂડીબજારના નિષ્ણાતોએ સરળ ગુજરાતી ભાષામાં રોકાણકારોને શિક્ષિત કર્યા
प्रविष्टि तिथि:
10 JUN 2022 8:29PM by PIB Ahmedabad
"આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM)"ની ઉજવણીમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે (DIPAM) આજે દેશનાં 75 શહેરોમાં પ્રતિષ્ઠિત ઇવેન્ટ તરીકે "માર્કેટ દ્વારા સંપત્તિનું સર્જન" થીમ પર એક પરિષદ યોજી હતી. સુરત ખાતે પણ આ પરિષદ સંજીવકુમાર ઑડિટોરિયમમાં યોજાઇ હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતનાં 75 શહેરોમાં રોકાણ અને સંપત્તિનું સર્જન તેમજ નાગરિકોની નાણાકીય વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાઓ વિશે લોકોને શિક્ષિત, પ્રોત્સાહિત અને સશક્તીકરણ કરવાનો છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુમાંથી કોન્ફરન્સમાં જોડાયેલાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને અને વિજ્ઞાન ભવન, નવી દિલ્હીથી જોડાયેલા કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભગવત કિસનરાવ કરાડને સુરતમાં ઉપસ્થિત મહેમાનો, વક્તાઓ અને પ્રેક્ષકોએ વર્ચ્યુઅલી નિહાળ્યા-ધ્યાનપૂર્વક સાંભળ્યાં હતાં.

સુરત ખાતે આયોજિત આ પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે સુરત આવકવેરા વિભાગના ચીફ કમિશનર શ્રી ચંદ્રજીતસિંહ ગુલાટી ઉપસ્થિત રહ્યા હતા. છ નિષ્ણાત વક્તાઓએ વિષય પર વિગતે પ્રેઝન્ટેશન સાથે સ્થાનિક ગુજરાતી ભાષામાં વકતવ્ય આપીને રોકાણકારોને શિક્ષિત કર્યા હતા. પ્રશ્નોત્તરી સત્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી ગુલાટીએ કહ્યું કે આજે કૉલેજકાળથી જ યુવાનોમાં મૂડીબજાર તરફ જાગૃતિ અને આકર્ષણ વધ્યું છે અને એ દેશમાં ડીમેટ ખાતાની સંખ્યામાં આવેલા ઉછાળાથી ફલિત થાય છે.
સીડીએસએલના શ્રી હિમાંશુ ખત્રીએ કહ્યું કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ઓનલાઇન એકાઉન્ટ ઓપનિંગ અને એકાઉન્ટ ડિજિટલાઇઝેશન શરૂ થતાં ડિમેટ ખાતાની સંખ્યા ઘણી વધી છે. આજે 10 મિનિટમાં ખાતા ખુલી શકે છે.
એનએસઈના શ્રી જ્વલંત ગાંધી અને બીએસઈના શ્રી મંથન દેસાઇએ પોતપોતાના શૅર બજારો દ્વારા રોકાણકારોની જાગૃતિ માટે લેવાઇ રહેલાં વિસ્તૃત પગલાંની સમજ આપી હતી. શ્રી ગાંધીએ કહ્યું કે આરોગ્ય સુખાકારીની જેમ નાણાકીય સુખાકારી પણ એટલી જ અગત્યની છે.
આદિત્ય બિરલા મ્યુ. ફંડઝના શ્રી બ્રિજેશ દેસાઇ, આઇડીબીઆઇ કેપિટલના શ્રી દેવાંગ ભટ્ટ, આર.આર. વાડીવાલા સિક્યુરિટીઝના શ્રી જસ્મિન અકબરીએ રોકાણ માટેનાં વિવિધ માધ્યમો અને સંપત્તિ સર્જન માટે મ્યુચ્યુઅલ ફંડઝ અને ડાયરેક્ટ તેમજ પેસિવ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ વિશે રસપ્રદ માહિતી આપી હતી. રોકાણકારોને શું કરવું અને શું ન કરવું એની પણ માહિતી નિષ્ણાત વક્તાઓએ આપી હતી.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1833023)
आगंतुक पटल : 240