પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
દેશની પ્રથમ બાળબેંકના બાળ સભાસદ અને વાલીઓના સંમેલનનો કાર્યક્ર્મ કેન્દ્રીય મંત્રી શ્રીપરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો
બાળક ભારતનુ ભાવિ છે તેમને બાળપણથી જ પૈસાનુ મુલ્ય સમજાય અને તે બચત કરતા શિખે તે જરૂરી છે - કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા
૧૬ હજાર બાળકો દ્રારા રૂ.૧૬ કરોડની બચત કરવામાં આવી
Posted On:
18 JUN 2022 10:27PM by PIB Ahmedabad
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી દેશની પ્રથમ બાળ બેંકના બાળ સભાસદ અને વાલીઓના સંમેલનનો કાર્યક્રમ કેન્દ્રીય પશુપાલન મત્સય ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ઇડરના ટાઉનહોલ ઇડર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, બાળ ગોપાલ બચત બેંક એક અનોખો અને અનેરો વિચાર છે આ બેંક દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થશે તેમજ પૈસાની બચત અંગે સમજ કેળવાશે. આ બાળકો આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે તેમને પૈસાની કિંમત સમજાવશે તેમજ પૈસાની બચત કેવી રીતે કરવી અને તેનું આયોજન કેમ કરવું તેની સમજ તેમનામાં વધશે. જે તેમના ભવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થશે. બાળકો દ્વારા કરવામાં આવતી બચત દ્વારા તેમને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થશે, તેમજ પરિવારમાં ઓચિંતી આવી પડતી આર્થિક તંગીમાં પણ મદદ મળી રહેશે. આ દેશની પ્રથમ બાળ બેંકમાં જન્મ થી ૧૮ વર્ષના સોળ હજાર બાળકો દ્વારા ૧૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમની બચત ઉદાહરણરૂપ છે. આ બચત તેમને ભવિષ્યમાં ઘણું બધું કરવા માટે પ્રેરણા પૂરી પાડશે સાથે આ બાળ ગોપાલ બચત બેંક નો વિચાર અન્ય શહેરો અને નગરોમાં પહોંચી ભારતના ભવિષ્યને ઉજ્વળ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા સૌથી વધુ બચત કરતા બાળકોનું તેમજ તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, વિધાનસભા પૂર્વ અધ્યક્ષશ્રી રમણલાલ વોરા, અગ્રણી શ્રી ભરતભાઈ આર્યા, સહકારી આગેવાન શ્રી મહેશભાઈ પટેલ, શ્રી જેઠાભાઈ પટેલ, તથા ધી બાળ ગોપાલ બચત અને ધિરાણ. ક. સહ. મંડળી લી. આ બચત બેંકના ચેરમેનશ્રી અશ્વિનભાઈ પટેલ, તેમજ બેંકના કર્મચારી તેમજ બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964