વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલના હસ્તે જુનાગઢ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન માટેની 15 ઈ-રીક્ષા અને 5 એમ્બ્યુલન્સનું લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે રોપ-વેમાં ગિરનારના સૌંદર્યનો નજારો માણી વિઝીટ બુકમાં પ્રતિભાવ નોંધ્યો
Posted On:
03 SEP 2022 9:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે ઘન કચરા વ્યવસ્થાપન માટેની 15 ઈ-રીક્ષા અને 5 એમ્બ્યુલન્સને કલેકટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન- ગ્રામિણ અને જિલ્લા પંચાયતના 15મા નાણાપંચના અનુદાનમાંથી જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા ગામો માટે કુલ રૂ. 39.75 લાખના ખર્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટેની 15 ઈ- રીક્ષા લોકાર્પિત કરવામાં આવી હતી.

આ તકે મંત્રીશ્રીએ ધંધુસર ગામના સરપંચ શ્રી ચીનુભાઈ દીવરાણીયાને પ્રતિકાત્મક રીતે ઈ-રીક્ષાની ચાવી અર્પણ કરી હતી.
ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વ-2021ના અનુદાનમાંથી બાંટવા, લીંબુડા, વડાલ, ચુડા અને સાસણના આરોગ્ય કેન્દ્રો માટે અંદાજિત રૂ.56 લાખના ખર્ચે પાંચ દર્દીવાહિનીને લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે રોપ-વેના માધ્યમથી ગિરનારના કુદરતી સૌંદર્યનો નજારો પણ માણ્યો હતો. મંત્રી શ્રીએ આ સફરને આહલાદક, રોમાંચક અને આરામદાયક ગણાવી હતી. આ સાથે તેમણે મા અંબાના દર્શનના લ્હાવાને પોતાનું સૌભાગ્ય માન્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રતિભાવ ઉડન ખટોલાની વિઝીટ બુકમાં નોંધ્યો હતો.
આ જનસેવાના પ્રકલ્પના શુભારંભ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી, ઈન્ચાર્જ કલેકટર શ્રી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારી- અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1856587)