સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ.મનસુખ માંડવિયાએ રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે રક્તદાનનું ઉદ્ઘાટન કર્યું
પોતે રક્તદાન કર્યું તેમજ સેવા અને સહયોગની ભાવના અને સમૃદ્ધ પરંપરાને અનુસરીને સૌ લોકોને દેશવ્યાપી મહા સ્વૈચ્છિક રક્તદાન કવાયતમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો
“ટેકનોલોજીની દૃશ્ટિએ પ્રગતિ થઇ હોવા છતાં, લોહીનો કોઇ જ વિકલ્પ નથી અને 1 યુનિટ લોહી ત્રણ જેટલા જીવ બચાવી શકે છે”
ભારતમાં દર બે સેકન્ડમાં એક વ્યક્તિને લોહીની જરૂર પડે છે; દર ત્રણમાંથી એક વ્યક્તિને જીવનભર લોહીની જરૂર પડે છેઃ ડૉ.મનસુખ માંડવિયા
प्रविष्टि तिथि:
17 SEP 2022 12:18PM by PIB Ahmedabad
“રક્તદાન કરવું એ એક ખૂબ જ ઉમદા ઉદ્દેશ્ય છે અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ તેમજ સેવા અને સહયોગની પરંપરાને જોતા, હું દેશવ્યાપી મહા સ્વૈચ્છિક રક્તદાન અભિયાન- રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે તમામ નાગરિકોને આગળ આવવા અને સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે અનુરોધ કરું છું. રક્તદાન એ માત્ર રાષ્ટ્રીય જરૂરિયાતને પૂર્ણ કરતું નથી પરંતુ સમાજ અને માનવજાતની પણ એક મહાન સેવા છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રક્તદાન શિબિરમાં રક્તદાન કરતી વખતે આ શબ્દો કહ્યા હતા.



સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ પર વિશેષ ભાર મૂકતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવની મોટી ઉજવણીનો એક ભાગ છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય નિયમિત ધોરણે વળતરની ભાવના રાખ્યા વગરના સ્વૈચ્છિક રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો અને રક્ત અથવા તેના યુનિટ્સ (સંપૂર્ણ રક્ત/પેકિંગ કરેલા લાલ રક્તકણો/પ્લાઝમા/પ્લેટલેટ્સ) ઉપલબ્ધ થાય, સુલભ બને, સસ્તા હોય અને સલામત હોય તે સુનિશ્ચિત કરવાનો છે.” તેમણે જણાવ્યું હતું કે, 2021ના આંકડા મુજબ, ભારતની વાર્ષિક જરૂરિયાત લગભગ 1.5 કરોડ યુનિટની છે. ભારતમાં દર બે સેકન્ડે કોઇ વ્યક્તિને લોહીની જરૂર પડે છે અને આપણામાંથી પ્રત્યેક ત્રણ વ્યક્તિમાંથી એકને આખા જીવનકાળ દરમિયાન લોહીની જરૂર પડશે. ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે, "ટેકનોલોજીએ પ્રગતિ કરી હોવા છતાં, લોહીનો કોઇ જ વિકલ્પ નથી અને 1 યુનિટ રક્ત ત્રણ જેટલા જીવ બચાવી શકે છે.”

ડૉ. માંડવિયાએ રક્તદાન શિબિરમાં આવેલા રક્તદાતાઓ સાથે મુલાકાત કરી હતી અને રક્તદાન કરવાના તેમના નિઃસ્વાર્થ કાર્યની પ્રશંસા કરી. રક્તદાનને લગતી માન્યતાઓને દૂર કરતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “વ્યક્તિના શરીરમાં 5 થી 6 લીટર લોહી હોય છે અને તેઓ દર 90 દિવસે (3 મહિનામાં) રક્તદાન કરી શકે છે.” શરીર ખૂબ જ ઝડપથી રક્ત ફરીથી પ્રાપ્ત કરી શકે છે; 24 - 48 કલાકમાં રક્ત પ્લાઝ્માનું પ્રમાણ પાછું મેળવી શકાય છે, લાલ રક્તકણો લગભગ 3 અઠવાડિયામાં અને પ્લેટલેટ્સ અને શ્વેત રક્તકણો અમુક મિનિટોમાં જ પાછા મેળવી શકાય છે.
આ દેશવ્યાપી કવાયત ઇ-રક્તકોશ પોર્ટલ નામની સેન્ટ્રલાઇઝ્ડ બ્લડ બેંક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા સમર્થિત છે, જે રક્તદાતાઓના રાષ્ટ્રીય ભંડાર તરીકે કાર્ય કરશે. આનાથી રક્તદાતાઓનો મજબૂત રેકોર્ડ તૈયાર કરવાનું સુનિશ્ચિત થશે અને જ્યારે જરૂર હોય ત્યારે રક્તની ઉપલબ્ધતાને ઝડપી બનાવશે.
ઇ-રક્તકોશ પોર્ટલ માટેની લિંક:
https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html
ડૉ. માંડવિયાએ ભારતની આરોગ્ય સંભાળ પ્રત્યે સફદરજંગ હોસ્પિટલના યોગદાનને દર્શાવતા પુસ્તક “ફૂટપ્રિન્ટ્સ ઓન ધ સેન્ડ્સ ઓફ ટાઇમ”નું પણ વિમોચન કર્યું હતું.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1860185)
आगंतुक पटल : 383