આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

'બામ્બુ ક્રાફટ'ને પ્રોત્સાહન આપતા કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડા


નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ લીધેલી મુલાકાત

'બામ્બુ ક્રાફટ ક્લસ્ટર' તિલકવાડાની સ્થળ મુલાકાત સાથે મહિલાઓની કામગીરી નિહાળી અત્યંત પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડા

Posted On: 09 OCT 2022 3:16PM by PIB Ahmedabad

નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન તિલકવાડામાં 'બામ્બુ ક્રાફટ ક્લસ્ટર'ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ભારત સરકાર દ્વારા પુરી પડાતી સહાયની જેમ આ સંસ્થાને પણ 90 ટકા સહાય પુરી પાડવામાં આવે છે જેનાથી આદિજાતિ સમાજને રોજગારી પુરી પાડી આત્મનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય નિહાળી મંત્રીશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા.

         

કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ તિલકવાડાની લીધેલી મુલાકાત દરમિયાન આદિવાસી ભાઈ-બહેનો દ્વારા વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી બામ્બુ ક્રાફટ ક્લસ્ટરના કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્થાનિક મહિલાઓ જેવી રીતે વાંસમાંથી અગરબત્તી બનાવી રહી હતી તે જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, વેસ્ટ વસ્તુને રીસાયકલ કરીને ગુણવત્તા યુક્ત અગરબત્તી તૈયાર કરવામાં આવી રહી છે તે ખુબ જ પ્રસંસનીય બાબત છે. પહેલા ચીન અગરબત્તી માટે મોટુ બજાર હતુ પરંતુ હવે આપણો દેશ જેવી રીતે આ ક્ષેત્રમાં દબદબો કાયમ કરી રહ્યો છે તેનું વિશેષ મહત્વ રહેલું છે. આવા નાના ઉદ્યોગો અને કેન્દ્રો થકી આપણા લોકોને રોજગારી મળશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પણ સાકાર કરશે.

            

નર્મદા જિલ્લાના તિલકવાડામાં બામ્બુ ક્રાફટ કલ્ચરને આગળ ધપાવી આદિવાસી સમાજના ભાઈ-બહેનોને વાંસ દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજ વસ્તુઓની સંપૂર્ણ તાલીમ આપી તેઓને સ્વનિર્ભર બનાવવાના ભાગરૂપે થઈ રહેલા આ ઉમદા કાર્યની કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ સ્થળ મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી.

      

માધ્યમો સાથેના સંવાદમાં મંત્રીશ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, તિલકવાડાના આ કેન્દ્રની મુલાકાત કરી જ્યાં મહિલાઓ કામ કરી રહી છે, વાંસમાંથી અગરબત્તી બનાવવાનું કામ ખૂબ સુંદર રીતે કરી રહ્યાં છે. તેઓ વેસ્ટે મટીરીયલને રિસાયકલ કરીને ક્વોલિટી અગરબત્તી બનાવી રહ્યા છે. સમગ્ર ભારત વર્ષની વાત કરીએ તો વાર્ષિક 10000 કરોડનું અગરબત્તીનું ભારતનું માર્કેટ છે. જે પહેલાં ચાઇનાથી ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી. અંદાજે 7000 કરોડ અગરબત્તીનું ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. ધીમે ધીમે આ ક્ષેત્રમાં આપણા દેશમાં જ ઉત્પાદન શરૂ થતા હવે તેના બે ફાયદા છે, એક તો આપણા સ્થાનિક કારીગરોને રોજગારી મળશે અને બીજો ઈમ્પોર્ટ કરવાના કારણે જે આર્થિક ભારણ સરકાર પર વધતું હતું તે ઓછું થશે. એટલા માટે જ આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે જેમાં લોકો જાતે જોડાઈને કામગીરી કરી રહ્યા છે. હજી પણ આવા ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. અહીં લોકો ખૂબ હળી મળીને કામ કરી રહ્યા છે જેનો મને આનંદ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડવાના ઉમદા આશય સાથે ભારત સરકારના MSMEના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા “બામ્બુ ક્રાફટ ક્લસ્ટર” તિલકવાડાને સરકાર દ્વારા 90 ટકા સહાય પુરી પાડવામાં આવે છે. જેમાં વાંસ આધારિત હાથથી બનાવેલી ચીજવસ્તુઓ, ફર્નિચર, અગરબત્તી, અગરબત્તી સ્ટીક વગેરે તૈયાર કરવામાં આવે છે..

તિલકવાડાના બામ્બુ ક્રાફટ ક્લસ્ટરનું સંચાલન કરતા શિવમ જોષી જણાવે છે કે, અહીં જુદી જુદી બેચમાં આદિવાસી ભાઈ-બહેનોને વાંસ આધારિત ચીજવસ્તુઓના ઉત્પાદન અંગે તાલીમ પણ આપવામાં આવે છે. હાલમાં અંદાજે 430 ભાઈ-બહેનોને આ ક્લસ્ટરના માધ્યમથી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

બામ્બુ ક્રાફટ ક્લસ્ટર” તિલકવાડાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડાની સાથે તેઓશ્રીના અંગત સચિવશ્રી અનીલકુમાર ઝા, આદિજાતિ વિભાગના સેક્રેટરીશ્રી મુરલી ક્રિષ્ના, ભારત સરકારના ટ્રાયફેડના ચેરમેનશ્રી રામસિંહભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયા, તિલકવાડા મામલતદારશ્રી પ્રતિકભાઈ સંગાડા સહિત જિલ્લા વહિવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્રના અધિકારીશ્રીઓ, બામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલકશ્રી શિવમ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


(Release ID: 1866242) Visitor Counter : 212