સંસ્કૃતિ મંત્રાલય
કેન્દ્રીય જળ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તમિલ પરિવારોના કર્યા વધામણા
તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ તમિલ પરિવારોનું સોરઠ ભૂમિ પર અભિવાદન કર્યું
પોતાના પૂર્વજોની ભૂમિ પર પગ મુકવાનો અનેરો આનંદ અનુભવી રહ્યા છે સૌરાષ્ટ્રિયન તમિલ લોકો : કેન્દ્રીય જળ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત
Posted On:
25 APR 2023 4:15PM by PIB Ahmedabad
‘એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાથી યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યકમ અન્વયે મદુરાઈથી ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પગ મુકતા જ ઝૂમી ઉઠ્યા હતાં. સોમનાથની ધરતી પર આવી પહોંચેલા તમિલ પરિવારોને કેન્દ્રીય જલ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર રાજ્યશ્રી મહારાજા બાબાજી રાજા ભોંસલેએ હરખે વધાવ્યા હતા.
સૌરાષ્ટ્રીયન તમિલ લોકોના આગમનને આવકારતા કેન્દ્રીય જળ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે પોતાના પૂર્વજોની ભૂમિ પર પગ મુકવા મળશે એવું જેમણે કલ્પનામાં પણ વિચાર્યું નહોતું તેઓ આજે સૌરાષ્ટ્રની ધરતી પર પગ મૂકી રોમાંચિત થઈ ઉઠ્યા છે. એમના ચહેરા ઉપર આનંદના ભાવો સ્પષ્ટ દેખાય છે. અને આ બધું શક્ય બન્યું છે પ્રધાનમંત્રીશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના ને સાકાર કરતા કાર્યક્રમ સૌરાષ્ટ્ર તામિલ સંગમમ થકી. આ કાર્યક્રમ એમના માટે અવિસ્મરણીય બની રહેશે તેમાં કોઈ બે મત નથી.
રેલવે સ્ટેશન ખાતે પહોંચી મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારો સૌરાષ્ટ્રના પરંપરાગત સંગીત પર દાંડિયા તથા તાલીઓના તાલે ગરબે રમ્યા હતા. હરખઘેલા થઈ સેલમથી આવેલા ગોપી બી જણાવે છે કે, આ ધરા અમારા પૂર્વજોની ધરા છે. અમને આમ તો આ ભૂમિ પર આવવાનો અવસર ક્યારે મળે ? પણ આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી અમે આ પાવન ભૂમિના દર્શન કરી શક્યા. તમિલથી આવેલા જે.પી.મૂર્તિ જણાવે છે કે, ગુજરાતમાં અમે ખૂબ આનંદ કરી રહ્યા છીએ. ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ અમારું સ્થળે સ્થળે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. અમે નસીબદાર છીએ કે આ ક્ષણના સાક્ષી બની શક્યા.
આ મોંઘેરા મહેમાનોને આવકારવા માટે રેલવે સ્ટેશન ખાતે મંત્રીશ્રીઓ સાથે તાલાલા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, સોમનાથ વેરાવળ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણીયા, પ્રાંત અધિકારીશ્રી બાંટી, રાજકીય અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1919497)
Visitor Counter : 153