સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ બાંધવો ભગિનીઓ સાથે વાર્તાલાપ યોજાયો


વિસ્થાપનની સદીઓ પછી પણ સૌરાષ્ટ્રીયન તમિલોએ પોતાના વારસાને જાળવી રાખ્યો- કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'એક ભારતને શ્રેષ્ઠ ભારત' બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે - કેન્દ્રીય મંત્રીશ્રી
આઝાદીના આ અમૃતકાળે હવે બલિદાન આપવાનો નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટે યોગદાન આપવાનો સમય છે : કેન્દ્રીય મંત્રીશ્રી

પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ દ્વારા સોમનાથ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સુંદર આયોજન બદલ હર્ષ અનુભવતા કેન્દ્રીય મંત્રીશ્રી

Posted On: 25 APR 2023 5:01PM by PIB Ahmedabad

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથની પાવન ધરા પર તમિલનાડુથી પધારેલા ભાઈઓ બહેનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતરાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેની પ્રેરક ઉપસ્થિતિમાં વાર્તાલાપ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સત્કાર દ્વારા વાર્તાલાપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદના કો-ઓર્ડિનેટરશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર શ્રી કમલેશભાઈ જોષીપુરાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રુપરેખા આપી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે, દેશની વિવિધતા અને તેમાં એકતાને જોડી રાખતા કેટલાક આધાર સ્થંભો વિશે જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ સોમનાથ મંદિર પર થયેલા વિદેશી આક્રમણો અને સંસ્કૃતિના રખેવાળોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સદીઓ પહેલાં તમિલનાડુમાં વિસ્થાપિત થઈને વસેલાં સૌરાષ્ટ્રીયોએ બે સંસ્કૃતિને જોડી રાખવાનું કામ કરનારા પૂર્વજોને પણ તેમણે સંભાર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૫માં લોહપુરુષ અને દેશનું એકીકરણ કરનારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિભિન્ન ભાષાઓ, પ્રાંત અને રીતરિવાજના અંતરને ઘડાવાના હેતુથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન’નો પ્રારંભ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી પ્રધાનમંત્રીશ્રી એ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.  ભારતનું જ્ઞાન, સંસ્કૃતિ અને વારસો સમગ્ર વિશ્વમાં પ્રચલિત થાય તેવા હેતુથી  મોદીજી આ અભિયાન અંતર્ગત આપણા વારસાને પુન: લોકપ્રિય બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આઝાદીની લડાઈમાં અનેક વીરોનાં બલિદાનથી રાષ્ટ્રનું નિર્માણ થયું પરંતુ આઝાદીના આ અમૃતકાળે હવે બલિદાન આપવાનો નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટે યોગદાન આપવાનો સમય છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ પ્રસંગે સૌ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું સૂચન કર્યુ હતુ. તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના આયોજન બદલ અભિવાદન કર્યુ હતુ.

 

સૌરાષ્ટ્રીયન તમિલ અને તમિલનાડુની સંસ્કૃતિ વિશે તેમણે જણાવ્યુ હતુ કે, વિસ્થાપની સદીઓ બાદ પણ સૌરાષ્ટ્રીયન બાંધવોએ તમિલનાડુમાં પોતાની મૂળ સંસ્કૃતિને જાળવી રાખી છે. અહીંથી વિસ્થાપિત થયેલા સૌરાષ્ટ્રીયનોની હસ્તકલા, વણાટકામ અને કારીગરીના કારણે સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિનો અનોખો સંગમ થયો છે. સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ પોતાના પૂર્વજનો પગલે ચાલતા તમિલનાડુમાં વારસાને સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ છે.  આ પ્રસંગે તેમણે પાછલા નવ વર્ષમાં દેશમાં આવેલા વિકાસલશ્રી બદલાવ, વિરાસતોની જાળવણીના, કાશી કોરીડોર, મહાકાલ કોરીડોર, કેદારનાથ મંદિર નવનિર્માણ સહિતના ઉદાહરણો ટાંક્યા હતા.  વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બનનાર દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજસ્થાન અને સોમનાથ ભૂમિના જોડાણ અને વીરોના બલિદાનની ગાથા પણ તેમણે વર્ણવી હતી.

કાર્યક્રમના પ્રારંભે તંજાવુરના મહારાજા શ્રી બાબાજી રાજા ભોંસલેએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદૃષ્ટિ અને આ પ્રકારના કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિઓના જોડાણની પહેલને હ્યદય પૂર્વક બિરદાવી હતી. તમિલનાડુના બાંધવોએ પણ પોતાના પ્રતિભાવમાં આ કાર્યક્રમ દ્વારા પ્રભાસ ભૂમિના દર્શન કરવાની તક મળી તે બદલ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામીબેન વાજા, ગુજરાત પ્રવાસનના મેનેજીંગ ડીરેક્ટરશ્રી ડૉ.સૌરભ પારઘી, ગીર સોમનાથના કલેક્ટરશ્રી વઢવાણિયા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1919509) Visitor Counter : 171