સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩નું સમાપન
નડિયાદ સ્થિત ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
કેન્દ્રીય મંત્રીદેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો, સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
પોસ્ટેડ ઓન:
25 MAY 2023 4:13PM by PIB Ahmedabad
ખેડા લોકસભા વિસ્તારની તમામ વિધાનસભા વિસ્તારના ખેલાડીઓને આવરી લેતી સાંસદ ખેલ સ્પર્ધા 2023 ની ફાઈનલ સ્પર્ધાઓ સાથે આજે ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.

નડિયાદ સ્થિત ડિસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં યોજાયેલા સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ ખેલ સ્પર્ધા 2023 ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્પર્ધાની વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રોએનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રસ્સાખેંચ સ્પર્ધાનો ટોસ ઉછાળી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. મેડલ અને ઇનામ વિતરણ સમારંભમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેનો ઉદ્દેશ રમતવીરો અને સમાન્યજનમાં રહેલા રમતગમતના કૌશલ્યોને ઉજાગર કરવાનો હતો.જેના પગલે દેશ અને દુનિયાભરમાં આપણા ખેલાડીઓ નામ રોશન કરી રહ્યા છે.

ખેડા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો, સહિત આણંદ અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી જાહનવીબેન વ્યાસ,ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ ખેલ સ્પર્ધામાં વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, કરાટે, સ્કેટિંગ જેવી સ્પર્ધાઓમાં અંદાજિત ૧૦ હજાર જેટલા ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે નોંધપાત્ર બાબત છે. આજની નવી પેઢી ટીવી અને મોબાઈલમાંથી સમય લઈને રમત ગમતના મેદાન તરફ વળે એવા અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહુ સાંસદોને પોતાના વિસ્તારમાં ખેલ સ્પર્ધાઓ યોજવા પ્રેરણા આપી હતી.

જેના પગલે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ પોતાના લોકસભા વિસ્તારમાં સતત બીજા વર્ષે આ ખેલ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું એટલું જ નહીં આ સ્પર્ધાઓ જ્યાં યોજાઈ ત્યાં રમતો પૂર્વે ખેલાડીઓ અને ઉપસ્થિત સૌને રાષ્ટ્રભાવના ઉજાગર કરતી નવતર પહેલના ભાગરૂપે ભારતના પ્રતિજ્ઞા પત્રનો પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ પઠન કરવા કરાવવા અપીલ કરી હતી. જેને સૌએ વ્યાપક પ્રતિભાવ આપ્યો હતો એમ આ સ્પર્ધાના સંયોજકો પૈકી મનોજભાઈ ત્રિવેદી અને પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.સાંસદ ખેલ સ્પર્ધા 2023 સફળ બની રહે તે માટે જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો, મોરચાના કાર્યકરો સહિત સાંસદ સેવાકેન્દ્રની સમગ્ર ટીમ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1927198)
મુલાકાતી સંખ્યા : 252