પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

"મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય પર વિશેષ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો


ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો અને વન સંવર્ધન કેન્દ્ર, (નર્સરી) ડીસાના સંયુક્ત ઉપક્રમે નર્સરી આથમણા વાસ ખાતે "મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય આધારિત જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું

"પર્યાવરણ સંરક્ષણ માટે શરૂઆત પોતાના ઘરથી કરો: પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય શ્રી

રોજિંદી જીવન શૈલીમાં બદલાવ કરી પર્યાવરણ અને જીવનનું જતન કરીએ : ડો.નવીન ભાઈ

Posted On: 09 JUN 2023 6:17PM by PIB Ahmedabad

આજે વિશ્વ જળવાયુ પરિવર્તનની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની મિશન લાઇફની સંકલ્પનાઓને સાકાર કરવા તેમજ જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો પાલનપુર દ્વારા આયોજીત આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમમાં મિશન લાઇફ અંતર્ગત વ્યક્તિગત જીવનમાં બદલાવના ભાગરૂપે સંકલ્પ લઈ પર્યાવરણલક્ષી જીવન શૈલી અપનાવવા તેમજ આ ઝુંબેશને સાર્વજનિક બનાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ મિશન લાઇફના સંકલ્પોને ડીસાના ઘર ઘર સુધી પહોચાડવા અપીલ કરતા જણાવ્યું હતું કે એક ખેડૂત પુત્ર હોવાની સાથે મારી પર્યાવરણ માટે તેમજ દેશ પ્રત્યે કેટલીક ફરજો બને છે આ માટે હું દર વરસે વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે સંકલ્પબદ્ધ છું સાથે આપણે વિદ્યાર્થી જીવનથી શરૂ કરી જવાબદાર નાગરીકની નૈતિક ફરજના ભાગરૂપે પોતાના વિસ્તારમાં એક પણ વૃક્ષ ઓછું થવા દઈએ નહિ અને જીવન ભર આ સંકલ્પનું પાલન કરીએ વીજળી, પાણી, ઘરતીનું જતન કરવા સુટેવો અપનાવીએ આજ મિશન લાઇફને ચરિતાર્થ કરવાનો સાચો માર્ગ છે. તેઓ એ કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરી સૌને પર્યાવરણ જાળવણી માટે અપીલ કરી હતી.

ડીસાના જાણીતા પર્યાવરણવિદ્ તેમજ સમાજસેવક ડો.નવીન ભાઈએ પર્યાવરણ સમર્પિત પોતાના જીવનની વાત કરતા પ્રકૃતિની જાળવણીના પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે પર્યાવરણલક્ષી જીવન વિકસાવવા કુદરતના જીવનજરૂરી સ્રોતોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવું ખૂબ જરૂરી છે. માનવીય સંકલ્પો દ્વારા પૃથ્વી પરના પ્રાપ્ત સ્રોતોના જરૂરી ઉપયોગ સાથે જ વ્યક્તિગત રીતે હવાનું પ્રદુષણ પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ દ્વારા ઘરતીનું પ્રદૂષણ અટકાવવું આપની નૈતિક ફરજ છે. ડીસાના પ્રગતિશીલ ખેડૂત જેઓ મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા નાની ઉંમરમાં ખૂબ નામના મેળવી છે તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રીના મન કી બાતકાર્યક્રમમાં જેમની નોંધ લેવાઈ છે એવા નાગફણા ગામના પંકજભાઈ દેસાઈએ પોતાનું ઉદાહરણ આપતા પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણ તેમજ જૈવ વિવિધતા ચક્રનું કેવી રીતે જતન કરી શકાય એના સંદર્ભે વિચારો રજૂ કર્યા હતા. નાયબ વનસંરક્ષક શ્રી નટરાજ ભાઈ સાધુએ સરકાર શ્રી દ્વારા વૃક્ષ સંવર્ધનના વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવારના કલાકારો દ્વારા વિષય અનુરૂપ નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત શ્રોતાઓ સાથે પર્યાવરણ જાળવણી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમ સંદર્ભે આગળના દિવસે માતૃ શ્રી એસ.એમ.જી રાજગોર હાઇસ્કુલ,રાણપુર ખાતે આયોજીત ચિત્રકળા, નિબંધ,વકતૃત્વ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને અતિથિઓ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે અનુરૂપ પર્યાવરણ જાળવણી માટેના રાણપુર હાઇસ્કુલ ના આચાર્ય શ્રી જયેશભાઈ જોષીને શિક્ષકગણના પ્રયાસો માટે તેમને સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવારનો ભરપુર સહયોગ પ્રાપ્ત થયો હતો, વન સંરક્ષક વિભાગ, ડીસાના તમામ કર્મચારીઓ અધિકારીઓના વિશેષ સહયોગની પ્રશંસા કરતા  કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અઘિકારી, શ્રી જે.ડી ચૌધરી તેમજ આભારવિધિ નાયબ વન સંરક્ષક શ્રી નટરાજ ભાઈ સાધુએ કરી હતી.

કાર્યક્રમ આયોજનમાં શ્રી પ્રવીણ ભાઈ સાધુ પૂર્વ શિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તાનો પ્રશંસનીય સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં તાલુકા ડેલીગેટ શ્રી એન. ટી.માળી,લોકગાયક શ્રી પ્રકાશભાઈ માળી વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD


(Release ID: 1931083)