પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું
“હું મુલાકાત લેવા અધીર અને આતુર હતો તથા તમારી ખંત, તમારાં સમર્પણ, સાહસ, કટિબદ્ધતા અને ધૈર્યને બિરદાવવા ઇચ્છતો હતો”
“ભારત ચંદ્ર પર છે! આપણે ચંદ્ર પર આપણાં રાષ્ટ્રીય ગૌરવને સ્થાપિત કર્યું છે”
“આ નવું ભારત 21મી સદીમાં દુનિયાની મોટી સમસ્યાઓને સમાધાનો પ્રદાન કરશે”
“જે ક્ષણે ચંદ્રાયાન ચંદ્ર પર ઉતર્યું એ આ સદીની સૌથી વધુ પ્રેરક ક્ષણો પૈકીની એક છે”
“અત્યારે સમગ્ર વિશ્વ ભારતનાં વૈજ્ઞાનિક ઉત્સાહ, આપણી ટેકનોલોજી અને આપણી વૈજ્ઞાનિક ક્ષમતાને જુએ છે અને સ્વીકારે છે”
“આપણાં મૂન લેન્ડરે 'અંગદ'ની જેમ ચંદ્ર પર પોતાનો પગ દ્રઢતાપૂર્વક જમાવી દીધો છે”
“ચંદ્રાયાન-3નું મૂન લેન્ડર જે પોઇન્ટ પર ઉતર્યું છે એ હવે ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે”
“ચંદ્રાયાન 2 એની નિશાનોએ જે પોઇન્ટ પર છોડે છે એ હવે ‘તિરંગા’ તરીકે ઓળખાશે”
“ચંદ્રાયાન-3 ચંદ્ર અભિયાનની સફળતામાં આપણી મહિલા વૈજ્ઞાનિકો, દેશની નારીશક્તિએ મોટી ભૂમિકા ભજવી છે”
“'ત્રીજી હરોળ'માંથી 'પહેલી હરોળ'માં પહોંચવાની આ સફરમાં 'ISRO' જેવી સંસ્થાઓએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે”
“ભારતનાં દક્ષિણ છેડાથી ચંદ્રનાં દક્ષિણ છેડા સુ
प्रविष्टि तिथि:
26 AUG 2023 9:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી ચંદ્રાયાન-3 અભિયાનમાં સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ચંદ્રાયાન-3 અભિયાનમાં થઈ રહેલી પ્રગતિ અને પ્રાપ્ત સંશોધનાત્મક તારણો વિશે ટૂંકમાં જાણકારી પણ મેળવી હતી.
પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે ઉપસ્થિત હોવાની અતિ ખુશી વ્યક્તિ કરી હતી અને જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રસંગ અતિ દુર્લભ છે, જ્યારે વૈજ્ઞાનિક સંસ્થા અને વૈજ્ઞાનિકો આ પ્રકારની ખુશી ધરાવે છે. જ્યારે ઉતાવળ કે અધિરાઈ હાવી થઈ જાય છે, ત્યારે દરેકનાં જીવનમાં થોડી વિશેષ ક્ષણોનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસમાં તેમના પ્રવાસ દરમિયાન તેમણે આવી જ લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમનું ધ્યાન ચંદ્રાયાન 3 અભિયાન પર સતત કેન્દ્રિત હતું. ISTRACની તેમની ત્વરિત મુલાકાતની યોજનાથી ISROના વૈજ્ઞાનિકોને પડેલી અસુવિધાને ધ્યાનમાં લઈને લાગણીસભર થઈ ગયેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ મુલાકાત લેવા આતુર હતા અને વૈજ્ઞાનિકોને તેમની ખંત, સમર્પિતતા, સાહસ, સમર્પણ અને ધૈર્ય માટે બિરદાવવા ઇચ્છતાં હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કોઈ સાધારણ સફળતા નથી. તેમણે કહ્યું હતું કે, આ ઉપલબ્ધિએ અનંત અવકાશમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાના યુગનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે અતિ ખુશ પ્રધાનમંત્રીએ પ્રશંસનીય શબ્દોમાં કહ્યું હતું કે, “ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર પર આપણા રાષ્ટ્રીય ગૌરવને સ્થાપિત કર્યું છે.” આને અસાધારણ સફળતા ગણાવીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ આજનું ભારત છે, જે નિર્ભય છે અને પોતાના ઉદ્દેશો પાર પાડવા અવિરત પ્રયાસો કરી રહ્યું છે. આ એક એવું ભારત છે, જે નવું વિચારે છે અને નવી રીતે વિચારે છે, જે અંધકારમાંથી પસાર થઈને દુનિયામાં પ્રકાશ પાથરી રહ્યો છે. આજનું ભારત 21મી સદીની દુનિયાની મોટી સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરશે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંદ્રાયાનનું ચંદ્ર પર ઉતરવાની ઐતિહાસિક ક્ષણ દેશવાસીઓના મન પર હંમેશા માટે અંકિત થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, “ચંદ્રાયાનનું ચંદ્ર પર ઉતરાણ કરવી ક્ષણ આ સદીની સૌથી વધુ પ્રેરક ક્ષણો પૈકીની એક છે. દરેક ભારતીયએ એને પોતાની વિજયી ક્ષણ ગણી હતી.” પ્રધાનમંત્રીએ આ ભવ્ય સફળતાનો શ્રેય વૈજ્ઞાનિકોને આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ મૂન લેન્ડરના મજબૂત રીતે ચંદ્ર પર સ્થાપિત થવાના ફોટોગ્રાફ વિશે કહ્યું હતું કે, “આપણાં ‘મૂન લેન્ડર’એ અંગદની જેમ ચંદ્ર પર પોતાનો પગ દ્રઢતાપૂર્વક જમાવી દીધો છે… જેની એક તરફ વિક્રમનું સાહસ છે, તો બીજી તરફ પ્રજ્ઞાનની બહાદુરી છે.” તેમણે જણાવ્યું હતું કે, આ ચંદ્રના ભાગની એવી તસવીરો છે, જે દુનિયાને અગાઉ ક્યારેય મળી નહોતી અને આ કામ ભારતે કરી દેખાડ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા, જુસ્સા, ટેકનોલોજી અને શક્તિને બિરદાવી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ચંદ્રાયાન 3ની સફળતા એકલા ભારતની નથી, પરંતુ આ સફળતા સમગ્ર માનવજાતની છે.” તેમણે ભાર મૂક્યો હતો કે, અભિયાનનું સંશોધન દરેક દેશનાં ચંદ્ર અભિયાનો માટે સંભવિતતાના નવા દ્વાર ખોલશે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનથી ચંદ્રના રહસ્યો ખુલવાની સાથે પૃથ્વી પરના પડકારોનું સમાધાન કરવામાં પણ મદદ મળશે. પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન 3 સાથે સંકળાયેલા દરેક વૈજ્ઞાનિક, ટેકનિશિયન, ઇજનેર અને તમામ સભ્યોને એક વાર ફરી અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, “જે ક્ષણે ચંદ્રાયાન-3ના મૂન લેન્ડરે ઉતરાણ કર્યું હતું એ હવે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.” તેમણે ઉમેર્યું હતું કે, “શિવમાં માનવજાતના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને એ સંકલ્પો પાર પાડવા માટેની ક્ષમતા આપે છે. ચંદ્રનો આ શિવ શક્તિ પોઇન્ટ હિમાલયથી કન્યાકુમારી સાથેના જોડાણની ભાવના પણ આપે છે.”
પ્રધાનમંત્રીએ વિજ્ઞાનનાં સંશોધનનું હાર્દ માનવજાતનું કલ્યાણ છે એ વાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આ પવિત્ર સંકલ્પનો માટે શક્તિનાં આશીર્વાદની જરૂર છે અને એ શક્તિ છે – આપણી નારીશક્તિ. તેમણે ચંદ્રાયાન-3 ચંદ્ર અભિયાનની સફળતામાં આપણી મહિલા વૈજ્ઞાનિકો, દેશની નારીશક્તિએ મોટી ભૂમિકા ભજવી છે એ વાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “ચંદ્રનો શિવ શક્તિ પોઇન્ટ ભારતની આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારસરણીનો સાક્ષી બનશે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંદ્રાયાન-2 એની નિશાનીઓ છોડશે એ પોઇન્ટ હવે ‘તિરંગા’ તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પોઇન્ટ ભારતના દરેક પ્રયાસ માટે એક પ્રેરણા તરીકે કામ કરશે અને આપણને યાદ અપાવશે કે નિષ્ફળતા એ અંત નથી. તેમણે કહ્યું હતું કે, “જ્યાં દ્રઢ ઇચ્છાશક્તિ છે, ત્યાં સફળતા અચૂક મળે છે.”
ભારત ચંદ્રની જમીન પર સફળતાપૂર્વક ઉતરનાર દુનિયાને ફક્ત ચોથો દેશ છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમની નાનાં પાયે થયેલી શરૂઆતનો વિચાર કરીએ છીએ, ત્યારે આ સીમાચિહ્ન અતિ મોટું લાગે છે. તેમણે એ સમયને યાદ કર્યો હતો, જ્યારે ભારત ત્રીજા વિશ્વનો દેશ ગણાતો હતો તથા પર્યાપ્ત ટેકનોલોજી અને ટેકો ધરાવતો નહોતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે અને હવે વૃક્ષો હોય કે ટેકનોલોજી હોય તેમાં ભારત પ્રથમ દુનિયાનાં રાષ્ટ્રોમાં સામેલ છે. પ્રધાનમંત્રીએ ISROનાં પ્રદાનની પ્રશંસા કરીને કહ્યું હતું કે, “આપણી 'ત્રીજી હરોળ'માંથી 'પ્રથમ હરોળ'માં પહોંચવાની સફરમાં , institutions like our 'ISRO' જેવી સંસ્થાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આ સંસ્થાઓ અત્યારે ચંદ્ર પર મેક ઇન ઇન્ડિયાને લઈ ગઈ છે.”
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને ISROની મહેનત વિશે વાકેફ કરવાની તક ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “દક્ષિણ ભારતથી લઈને ચંદ્રનાં દક્ષિણ છેડા સુધી આ સરળ સફર નહોતી.” તેમણે જાણકારી આપી હતી કે, ISROએ એની સંશોધન સુવિધામાં કૃત્રિમ ચંદ્ર પણ તૈયાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રકારનાં અંતરિક્ષ અભિયાનોની સફળતાને ભારતની યુવા પેઢી વચ્ચે નવીનતા અને વિજ્ઞાન માટે ઉત્સાહ પ્રકટાવવાનો શ્રેય આપ્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, “મંગલયાન અને ચંદ્રાયાનની સફળતા તથા ગગનયાન માટેની તૈયારીએ દેશની યુવા પેઢીને નવો અભિગમ આપ્યો છે.તમારી મોટી ઉપલબ્ધિએ ભારતીયોની એક પેઢીને જાગ્રત અને ઊર્જાવંત કરી છે.” તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારતનાં બાળકો વચ્ચે ચંદ્રાયાન નામનો પડઘો સંભળાય છે. દરેક બાળક વૈજ્ઞાનિકોમાં તેમનું ભવિષ્ય જુએ છે.
પ્રધાનમંત્રીએ ચંદ્ર પર ચંદ્રાયાનના ઉતારણના દિવસ એટલે કે 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનાં જુસ્સાની ઉજવણી કરશે તેમજ હંમેશા માટે આપણને પ્રેરિત કરશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રની મર્યાદાઓ ઉપગ્રહો અને અંતરિક્ષ સંશોધનો પૂરતી મર્યાદિત નથી, તથા એની ક્ષમતાને જીવનની સરળતા અને વહીવટની સરળતા તરીકે જોઈ શકાશે. તેમણે વહીવટ સાથે અંતરિક્ષની ઉપયોગિતા સાથે સંબંધમાં પ્રચૂર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનની સાથે અંતરિયાળ વિસ્તારો શિક્ષણ, સંચાર અને આરોગ્યલક્ષી સેવાઓ, ટેલીમેડિસિન અને ટેલીએજ્યુકેશનમાં અંતરિક્ષ ટેકનોલોજીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે NAVIC સિસ્ટમની ભૂમિકા વિશે અને કુદરતી આફતો દરમિયાન ટેકો આપવા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અંતરિક્ષ ટેકનોલોદી આપણા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો પાયો પણ છે. એનાથી વિવિધ પ્રોજેક્ટના આયોજન, અમલ અને નિરીક્ષણમાં ઘણી મદદ મળી છે. અંતરિક્ષની ઉપયોગિતાનું આ ક્ષેત્ર છે, જે સમયની સાથે વધ્યું છે, જેનાં પરિણામે આપણી યુવા પેઢી માટે તકો પણ વધી છે.”
પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગો સાથે જોડાણમાં ‘વહીવટીમાં અંતરિક્ષ ટેકનોલોજી’ પર રાષ્ટ્રીય હેકેથોનનું આયોજન કરવા ISROને વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મને ખાતરી છે કે, રાષ્ટ્રીય હેકેથોન આપણા વહીવટને વધારે અસરકારક બનાવશે અને દેશવાસીઓને આધુનિક સંકલ્પો પ્રદાન કરશે.”
પ્રધાનમંત્રીએ દેશના યુવા પેઢીને પણ એક કામગીરી સુપરત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું ઇચ્છું છું કે, નવી પેઢી ભારતના ગ્રંથોમાં અંતરિક્ષ વિજ્ઞાન સાથે સંબંધિત ફોર્મ્યુલાઓ કે સૂત્રોને વૈજ્ઞાનિક રીતે પુરવાર કરવા અને તેનો નવેસરથી અભ્યાસ કરવા આગળ આવે. આ આપણા વારસાની સાથે વૈજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ છે. આ રીતે અત્યારે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ માટે બમણી જવાબદારી છે. ભારત જે વૈજ્ઞાનિક જાણકારીનો ખજાનો ધરાવે છે એ ગુલામીના લાંબા સમયગાળા દરમિયાન દબાઈ ગયો હતો, છૂપાઈ ગયો હતો. હાલ આઝાદી કા અમૃત કાલમાં આપણે આ ખજાનાનો ચકાસવો પડશે, સંશોધન કરવું પડશે અને દુનિયાને એના વિશે જાણકારી આપવી પડશે.”
પ્રધાનમંત્રીએ નિષ્ણાતોના અંદાજનો સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, ભારતનો અંતરિક્ષ ઉદ્યોગ આગામી થોડાં વર્ષોમાં 8 અબજ ડોલરથી વદીને 16 અબજ ડોલરને આંબી જશે. જ્યારે સરકાર અંતરિક્ષ ક્ષેત્રનું ઉદારીકરણ કરવા માટે સતત સુધારા કરી રહી છે, ત્યારે દેશની યુવા પેઢીએ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અવિરત પ્રયાસો કર્યા છે, જેનાં પરિણામે અંતરિક્ષ સાથે સંબંધિત સ્ટાર્ટઅપની સંખ્યા 4થી વધીને 150 થઈ છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશનાં વિદ્યાર્થીઓને 1 સપ્ટેમ્બરથી માયગવ દ્વારા આયોજિત ચંદ્રાયાન અભિયાન પર એક વિશાળ ક્વિઝ સ્પર્ધામાં સહભાગી થવા પણ અપીલ કરી હતી.
21મી સદીના આ ગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોખરે રહેવાના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં મોટી સંખ્યામાં યુવા પ્રતિભાઓ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દરિયાની ઊંડાઈથી લઈને આકાશની ઊંચાઈ સુધી, અંતરિક્ષની ઊંડાઈ સુધી, યુવા પેઢી માટે કરવા જેવા અનેક કામો છે.” આ માટે તેમણે ‘ડીપ અર્થ’થી લઈને ‘ડીપસી’ સુધી બહોળી તકો વિશે વાત કરી હતી તથા અદ્યતન કમ્પ્યુટરથી લઈને જેનેટિક ઇજનેરીનાં ક્ષેત્ર પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતમાં તમારા માટે સતત નવી તકો ઊભી થઈ રહી છે.”
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભવિષ્યની પેઢીઓ માટે માર્ગદર્શન એક આવશ્યકતા છે અને આ પેઢીઓ પર વર્તમાન મહત્વપૂર્ણ અભિયાનોને ભવિષ્યમાં આગળ વધારવાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, વૈજ્ઞાનિકો અને તેમના સંશોધનો ભવિષ્યની પેઢીઓનાં આદર્શો છે તથા વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનતે પુરવાર કર્યું છે કે, જો તમે કોઈ પણ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તો એને સાકાર કરી શકાશે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનનાં સમાપનમાં કહ્યું હતું કે, દેશનાં લોકોને વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ છે અને જ્યારે લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, ત્યારે દેશ તરફ પ્રદર્શિત સમર્પણ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત આંતરરાષ્ટ્રી સ્તરે લીડર બનશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણો નવીનતાનો આ જ જુસ્સો 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1952423)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam