પ્રધાનમંત્રીનું કાર્યાલય
આકાંક્ષી જિલ્લાઓ અંગેના'સંકલ્પ સપ્તાહ' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
30 SEP 2023 6:29PM by PIB Ahmedabad
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, સરકારના તમામ અધિકારીઓ, નીતિ આયોગના તમામ સાથીદારોઅને આ કાર્યક્રમમાંદેશના વિવિધ ભાગોમાંથી, અલગ અલગ બ્લોકમાંથી, પાયાનાં સ્તરે જે લાખો સાથીઓ જોડાયા છે, ખૂબ મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ પણ આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને જેઓ આ વિષયમાં રસ ધરાવે છે તેઓ પણ આજે વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે જોડાયા છે, હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હું તમને બધાને, ખાસ કરીને નીતિ આયોગને આ કાર્યક્રમ માટે અભિનંદન પણ પાઠવું છું અને આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું.
તમે લોકો ભારત મંડપમ્માં એકઠા થયા છો અને તેનાથી દેશની વિચારસરણી ખબર પડે છે, ભારત સરકારની વિચારસરણીની ખબર પડી શકે છે અને તે એ છે કે, એક મહિનાની અંદર જ, અત્યારે એ લોકો અહીં એકઠાં થયાં છે જે દેશના દૂર-સુદૂરનાં ગામની ચિંતા કરનારા લોકો છે, છેવાડે બેઠેલા પરિવારની ચિંતા કરનારા લોકો છે, તેમની ભલાઇ માટે યોજનાઓને આગળ વધારનારા લોકો છે. અને આ જ એક મહિનામાં અહીં જે લોકો બેઠા હતાં, જેઓ દુનિયાને દિશા આપવાનું કામ કરતાં હતાં.એટલે કે, તમે કૅનવાસની રૅન્જ જોઇ લો. જે ભારત મંડપમ્માં આ જ એક મહિનામાં વિશ્વના ગણમાન્ય નેતા મળીને વિશ્વની ચિંતા કરી રહ્યા હતા એ જ ભારત મંડપમ્માં મારા દેશના પાયાનાં સ્તરે પરિવર્તન લાવનારા, મજબૂતી લાવતા અને જુસ્સો બુલંદ કરીને કામ કરતા લાખો સાથીઓને આજે હું મળી રહ્યો છું એ મારા માટે ગર્વની વાત છે. મારા માટે આ શિખર સંમેલન પણ જી-20થી ઓછું નથી.
આપણી સાથે ઘણા લોકો ઓનલાઇન પણ જોડાયેલાં છે. આ કાર્યક્રમ 'ટીમ ભારત' ની સફળતાનું પ્રતીક છે, તે 'સબકા પ્રયાસ'ની ભાવનાનું પ્રતીક છે. આ કાર્યક્રમ ભવિષ્યના ભારત માટે પણ મહત્વપૂર્ણ છે અને તેમાં સંકલ્પ સે સિદ્ધિ સમાવિષ્ટ છે, તેનું પ્રતિબિંબ છે.
સાથીઓ,
જ્યારે પણ આઝાદી પછી બનેલી ટોચની 10 યોજનાઓનો અભ્યાસ થશે, ત્યારે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમે, આકાંક્ષી જિલ્લા અભિયાને દેશના 112 જિલ્લાઓમાં 25 કરોડથી વધુ લોકોનું જીવન બદલી નાખ્યું છે, જીવનની ગુણવત્તામાંપરિવર્તન આવ્યું છે, શાસનની સરળતા- ઈઝ ઑફ ગવર્નન્સમાં પરિવર્તન આવ્યું છે અને જે કાલ સુધી છોડો યાર બસ જીવન પૂરું કરી લો, એમ જ ગુજારો કરવાનો છે. તેવા વિચારમાંથીબહાર નીકળીનેત્યાંનો સમાજ હવે એમ જ નથી રહેવું, કંઇક કરી બતાવવું છે એવા મૂડમાં છે. મને લાગે છે કે તે એક બહુ મોટી તાકાત છે. આ અભિયાનની સફળતા હવે આકાંક્ષી બ્લોક કાર્યક્રમનો આધાર બની ગઈ છે. જિલ્લા સ્તરનો અનુભવ એટલો સફળ રહ્યો છે કે વિશ્વમાં વિકાસના મૉડલનીચર્ચાકરનાર દરેક આમાંથી ઘણા પાઠ ખાસ કરીને વિકસતા દેશો માટે સૂચવી રહ્યા છે. આપણે પણ તેમાંથી ઘણું શીખ્યા છીએ અને તેમાંથી વિચાર આવ્યો કે દેશનાં દરેક રાજ્યમાં જ્યાં પણ હોય ત્યાં 500 બ્લોક્સ અને તેનું મૂલ્યાંકન એક માપદંડ હેઠળ કરવામાં આવ્યું છે. અને તેમાંથી, આ 500 બ્લોક્સ, જો આપણે તેને રાજ્યની સરેરાશ પર લાવીશું, જો આપણે તેને રાષ્ટ્રીય સરેરાશ પર લઈ જઈશું, તો તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું પરિવર્તન આવશે, કેટલું મોટું પરિણામ આવશે અને મને વિશ્વાસ છે કે જેમ આકાંક્ષી જિલ્લા કાર્યક્રમેસફળતાનો ઝંડો લહેરાવ્યો છે, તેવી જ રીતેઆકાંક્ષી બ્લોક કાર્યક્રમ પણ 100 ટકા સફળ થવાનો જ છે.અને એટલા માટે નહીં કે યોજના બહુ અદ્ભૂત છે, પરંતુ એટલા માટે કે જે લોકો કામ કરી રહ્યા છે તે અદ્ભૂત છે. હમણાં થોડી વાર પહેલા, હું 3 સાથીઓ સાથે વાત કરી રહ્યો હતો. તમે ચર્ચા સાંભળી છે. તેમનો આત્મવિશ્વાસ તમે જુઓ અને જ્યારે હું જમીની સ્તરે કામ કરતા આપણા સાથીઓનો આત્મવિશ્વાસ જોઉં છું, ત્યારે મારો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે, બલકે ગુણાકાર થઈ જાય છે.મારી માત્ર શુભેચ્છાઓ તમારી સાથે છે એવું નથી, હું સંપૂર્ણપણે તમારી સાથે ઊભો છું. જો તમે 2 ડગલા ચાલશો, તો હું 3 ડગલા ચાલવા તૈયાર છું, જો તમે 12 કલાક કામ કરો, તો હું 13 કલાક કામ કરવા તૈયાર છું.અને હું તમારો એક સાથી બનીને કામ કરવા માગું છું, તમારી ટીમના એક સભ્ય બનીને કામ કરવા માગું છું અને મને વિશ્વાસ છે કે આપણે લોકો એક ટીમ બનીને આ આકાંક્ષી બ્લોકની જે સફળતા ઈચ્છીએ છીએ, જો આપણે એ માટે 2 વર્ષનો સમય નક્કી કર્યો છે તો મને પાક્કો વિશ્વાસ છે કે આપણે તે દોઢ વર્ષમાં કરી દઈશું, જો આપણે દોઢ વર્ષ નક્કી કર્યા તો આપણે તે એક વર્ષમાં કરી દઈશું એ મારો પાક્કો વિશ્વાસ છે. અને કેટલાક બ્લોક તો એવા નીકળશે જે એકાદ બાબતને એક કે બે અઠવાડિયામાં જ સામાન્ય રાજ્ય સરેરાશથી ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે, તે કરી બતાવશે એવો મને પાક્કો વિશ્વાસ છે. કારણ કે તમે બધા પણ જાણો છો કે હું તેને દરરોજ જોવાનો છું, હું તેને દરરોજ બારીકાઇથી જોવાનો છું, એટલા માટે નહીં કે હું તમારી પરીક્ષા લેવાનો છું, એટલા માટે કે જ્યારે હું તમારી સફળતા જોઉં છું ને, ત્યારે તે દિવસે મારી કામ કરવાની તાકાત વધી જાય છે, મારો ઉત્સાહ વધી જાય છે. મને પણ થાય કે યાર તમે આટલું કામ કરો છો, ચાલો હું પણ થોડું વધારે કરું છું. હું એટલા માટે ચાર્ટ જોતો રહું છું કે એ ચાર્ટ જ મારી પ્રેરણા બની જાય છે, મારી તાકાત બની જાય છે.
અને એટલા માટે સાથીઓ,
આકાંક્ષી જિલ્લા કાર્યક્રમને હવે 5 વર્ષથઈ ગયાં છે. આ કાર્યક્રમમાંથી કોને શું મળ્યું, શું મેળવ્યું, ક્યાં અને કેવી રીતે તેમાં સુધારો થયો, આ બધી બાબતોનું આકલન જ્યારે કોઇ ત્રીજી એજન્સી કરે છે ત્યારે તે પણ એ સંતોષ વ્યક્ત કરે છે, તો આપણે લોકો તો જે સાથે જોડાયેલા છીએ, આપણને સંતોષ થવો ખૂબ જ સ્વાભાવિક છે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી વધુ એક વાત નક્કી થાય છે. જો આપણે સુશાસનની બહુ બેઝિક બાબતો પર ધ્યાન આપીએ તો પડકારજનક લાગતાં લક્ષ્ય પણ હાંસલ થઈ શકે છે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ માટે આપણે બહુ જ સરળ રણનીતિ હેઠળ કામ કર્યું છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઇ બીમાર પડે ત્યારે તે ડૉક્ટર પાસે જાય છે. ત્યાં ડૉક્ટરને, માનો કે, તેને એવું લાગે છે કે ગંભીર બીમારી છે સર્જરી કરવાની જરૂર છે પણ ડૉક્ટર અર્જન્સી છે તો પણ કહેશે ના, હમણાં 15 દિવસ નહીં, પહેલા આપની ઈમ્યુનિટી બરાબર થવી જોઇએ. જેથી ઓપરેશન થાય તો આપનું શરીર રિસ્પોન્ડ કરે એવી સ્થિતિ હોવી જોઇએ, તેની ક્ષમતા વધવી જરૂરી હોય છે. અને તે દર્દીનો પણ એ જ રીતે ઉપચાર કરે છે, એ જ રીતની મદદ કરે છે, એ જ પ્રકારની તૈયારી કરાવે છે, પછી જેવું શરીર રિસ્પોન્ડ યોગ્ય થઈ જાય, પછી તે ગંભીર બીમારને હૅન્ડલ કરવાની દિશામાં જાય છે. સર્જરી કરશે બાકી કોઇ જરૂરિયાત નથી. ત્યાં સુધી તે ગંભીર બીમારીને હાથ લગાવતા નથી. એ સુનિશ્ચિત કરી લે છે કે દર્દીનું શરીર સર્જરી માટે તૈયાર છે. જ્યાં સુધી દરેક અંગ યોગ્ય રીતે કામ ન કરે ત્યાં સુધી કોઈ પણ શરીરને સંપૂર્ણ સ્વસ્થ માનવામાં આવતું નથી. હવે આપણે પરિમાણો જોયાં, વજન બરાબર છે, ઊંચાઈ બરાબર છે, ફલાણું બરાબર છે પણ શરીરનું એક અંગ કામ કરતું નથી, તો શું આપણે તેને સ્વસ્થ ગણીશું? નહીં ગણીશું. એ જ રીતે, આપણા દેશમાં પણ દેશ દરેક માપદંડ પર એકદમ જાણે વિકસિત દેશ જેવો લાગે છે, પરંતુ જો 2,4,10 જિલ્લા, 2,4 બ્લોક પાછળ રહી જાય તો શું લાગશે?અને તેથી, જેમ ડૉક્ટર દર્દીને તેનાં આખાં શરીરને સંબોધીને કામ કરે છે, જેમ આપણે પણ આપણાં શરીરનાં સ્વાસ્થ્યનો અર્થ દરેક અંગની તંદુરસ્તી ગણીએ છીએ, એક પરિવારમાં પણ, જો એક વ્યક્તિ બીમાર પડે તો તે પરિવારની સંપૂર્ણ શક્તિ, પરિવારનું સમગ્ર ધ્યાન, પરિવારના તમામ કાર્યક્રમો તેની જ આસપાસ કેન્દ્રિત થઈ જાય છે અને અન્ય તમામ કાર્યક્રમોમાં સમાધાન કરવું પડે છે.જો કોઈ બીમાર છે ને બહાર જવું છે તો અટકી જવું પડે છે, જ્યારે પરિવાર સંપૂર્ણ સ્વસ્થ હશે ત્યારે જ પરિવાર પોતાનાં જીવનનો વિકાસ કરી શકે છે. એ જ રીતે, જો આપણે આપણા જિલ્લાનો, આપણાં ગામનો, આપણા તાલુકાનો સર્વાંગી વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, સર્વહિતકારી વિકાસ એ જો આપણે નહીં કરીએ તો આંકડાઓ કદાચ વધી જાય, આંકડાઓ કદાચ સંતોષ પણ આપે, પરંતુ મૂળભૂત રીતે પરિવર્તન શક્ય હોતું નથી. અને તેથી જરૂરી છે કે પાયાનાં સ્તરે દરેક પેરામીટર્સને પાર કરતા આપણે આગળ વધવું જોઇએ. અને આજે આપણે જેઓ આ સમિટની અંદર મારી સાથે બેઠા છે, તમે જોઈ શકો છો કે આ પાછળનો ઈરાદો શું છે. ભારત સરકારની ટોચની ટીમ પણ અહીં બેઠી છે, નીતિ નિર્માણનું કામ કરનારા તમામ સચિવો અહીં બેઠા છે. હવે મારી સામે બે વિષયો છે, શું મારે તેમની પાછળ મારી શક્તિ લગાવીને જે ટોપ છે તેને જ ઠીકઠાક કરું?કે મારે ધરાતલ પર મજબૂતી માટે કામ કરું, મેં ધરાતલ પર મજબૂતીનો માર્ગ પસંદ કર્યો છે અને ધરાતલની મજબૂતાઈથી આપણું પિરામિડ ઉપર જશે. વિકાસનો જે સૌથી નીચેનો વર્ગ છે એ જેટલો વધારે વિકસિત થશે, હું માનું છે કે એટલાં વધુ પરિણામ મળશે.અને તેથી જ આપણો પ્રયાસ એ જ છે કે આ રીતે વિકાસને આગળ વધારીએ, આપણી કોશીશ એ હોવી જોઇએ. જે રીતે અમે ડેવલપમેન્ટ બ્લોક વિશે વિચાર્યું તે જ રીતે હું સરકારના અહીં બેઠેલા સચિવોને પણ વિનંતી કરું છું. આપણે બે દિશામાં કામ કરી શકીએ છીએ અને આ કામને આગળ લઈ જવા માટે દરેક વિભાગે, પોતાનાં કામ માટે, માની લો કેસમગ્ર દેશમાં 100 બ્લોકની ઓળખ કરે.અને તેમને આખી દુનિયા જોવાની જરૂર નથી, તેમના વિભાગમાં કયા 100 બ્લોક્સ પાછળ છે. અને જો માનો કે આરોગ્યની બાબતમાંઆ આખા દેશમાં 100 બ્લોક સૌથી પાછળ છે, તો ભારત સરકારનો આરોગ્ય વિભાગ એક વ્યૂહરચના બનાવશે કે તે 100ની સ્થિતિ સુધારવા માટે શું કામ કરવું પડશે.શિક્ષણ વિભાગે તેના વિભાગ માટે 100 બ્લોક્સ પસંદ કરે, તે 100 બ્લોક્સ શિક્ષણ વિભાગના છે, તે ભારત સરકારનું શિક્ષણ વિભાગ જુએ કે મેં જે 100 બ્લોક્સ ઓળખ્યા છે, હું તેને, આપણે આ આકાંક્ષી જિલ્લા, આકાંક્ષી બ્લોક તેને નીતિ આયોગનો કાર્યક્રમ બનવા નથી દેવાનો, મારે એ સરકારનો સ્વભાવ બનાવવો છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સ્વભાવ બનાવવો છે, કેન્દ્ર અને રાજ્યોના વિભાગોનો સ્વભાવ બનાવવો છે. જ્યારે બધા વિભાગો નક્કી કરે કે મારે ત્યાં જે છેલ્લાં 100 છે તે હવે સરેરાશ કરતા ઉપર નીકળી ગયા છે, ત્યારે જોશો કે બધાં પરિમાણો બદલાઇ જશે. તેથી આ જે આકાંક્ષી તાલુકા છે તેને કામ કરવાની રીત રાજ્ય, જિલ્લા તેના એકમો દ્વારા હશે. પણ શું દેશમાં આ પ્રકારથી વિચાર કરી કરીને આપણે તેને આગળ વધારી શકીએ છીએ? અને હું માનું છું કે એ દિશામાં આપણે પ્રયત્ન કરવા જોઇએ. અને આ રીતે તમામ વિભાગોમાં, જો સ્કીલ ડેવપમેન્ટ છે તો એ પણ જુએ કે હિંદુસ્તાનના એવા કયા કયા 100 બ્લોક્સ છે કે જ્યાં મારે તેને બળ આપવાની જરૂર છે.એ જ રીતે રાજ્ય સરકારો, રાજ્ય સરકારો વધારે નહીં,જે સૌથી પાછળ છે એવાં100 ગામો પસંદ કરે, સમગ્ર રાજ્યમાંથી 100, એકદમ જે પાછળ છે, 100 ગામો પસંદ કરો, તેને એકવાર, 2 મહિના, 3 મહિનાનાં કામની અંદર બહાર લઈ આવો, તેમાંથી તમને ખબર પડશે કે રૂપાંતરણ કેવી રીતે થાય છે, ત્યાંની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય છે, જો ત્યાં સ્ટાફ ન હોય તો ભરતીની જરૂર છે, ભરતી કરવાની છે. ત્યા6 યુવા અધિકારી લગાવવાની જરૂર છે તો યુવા અધિકારી લગાવવાના છે. જો એક વાર તેમની સામે મૉડલ થઈ જાય કે તેમનાં 100 ગામને તેમણે એક મહિનામાં ઠીક કરી લીધાં તો તે મૉડલ તેમનાં 1000 ગામોને ઠીક કરવામાં વાર નહીં લગાડે, તે રેપ્લિકેટ થશે, પરિણામ મળશે. અને એટલે જ્યારે દેશ આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરી ચૂક્યો છે આપણે 2047માં દેશને વિકસિત ભારત તરીકે જોવા માગીએ છીએ, ડેવલપ્ડકન્ટ્રી તરીકે જોવા માગીએ છીએ. અને વિકસિત દેશનો મતલબ એ નથી કે આપણે તે મૉડલને લઈને ચાલતા નથી જ્યાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈમાં ભવ્યતા જોવા મળે અને આપણાં ગામડાંઓ પાછળ રહી જાય, આપણે તો 140 કરોડ લોકોનાં ભાગ્યને લઈ ચાલવા માગીએ છીએ. તેમનાં જીવનમાં પરિવર્તન કરવા માગીએ છીએ અને એ માટે જે માપદંડો નક્કી કર્યા છે અને હું ઇચ્છું છે કે તેની વચમાં સ્પર્ધાનો ભાવ આવે. જ્યારે હું નિયમિતપણે આકાંક્ષી જિલ્લા જોતો હતો, ત્યારે મને ખૂબ આનંદ થતો હતો. પહેલું તોતેમાં આમ પણ વસ્તુઓ ભરવાની કોઈ સુવિધા જ નથી. જ્યાં સુધી ધરતી પર ચકાસાયેલ માહિતી ન હોય ત્યાં સુધી આમ જ આંકડા ભરવાથી કોઇ થનારું કામ નથી. આ તો કરવું જ પડે એવું કામ છે. પણ હું જોઇ રહ્યો હતો કે અમુક જિલ્લાના અધિકારી એટલા ઉત્સાહિત હતા કે દરરોજ, દે દિવસમાં, 3 દિવસમાં તે પોતાના દેખાવને અપલોડ કરતા હતા, સુધારતા હતા, અને પછી હું જોતો હતો કે પહેલાં છ મહિના લાગતા હતા આજે તે જિલ્લો આગળ નીકળી ગયો તો પછી 24-48 કલાકમાં ખબર પડતી કે એ તો પાછળ રહી ગયો અને પેલો એનાથી પણ આગળ નીકળી ગયો, પછી 72 કલાકમાં ખબર પડતી કે પેલો તો એનાથી પણ આગળ છે. એટલે કે એટલો સકારાત્મક, સ્પર્ધાત્મક સ્વભાવ બની ગયો હતો, તેણે પરિણામ લાવવામાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને એનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે, પહેલા મારો તો અનુભવ રહ્યો છે, હું ગુજરાતમાં કામ કરતો હતો અમારે ત્યાં કચ્છ જિલ્લામાં કોઇ અધિકારીની બદલી થતી તો તેના તમામ સાથીઓ એને કહેતા હતા કે તારો સરકાર સાથે ઝઘડો થયો છે કે શું? શું મુખ્યમંત્રી તારાથી નારાજ છે કે કેમ? શું તારો કોઇ પોલિટિકલ પ્રોબ્લેમ છે કે? તને પનિશમેન્ટ પોસ્ટિંગ કેમ આપવામાં આવી? તેના સાથી તેને ટાઇટ કરતા હતા અને તે પણ માનવા લાગતો કે મરી ગયા. પણ જ્યારે એ કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી સારા અધિકારીઓને મૂકવાની જરૂર પડી, સૌને ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું. આજે (1.09.23) સ્થિતિ એવી છે કે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં જો નિમણૂક મળે તો તે સરકારના સૌથી પ્રિય અધિકારી માનવામાં આવશે.એટલે કે જે કાલ સુધી પનિશમેન્ટ પોસ્ટિંગવાળી જગા માનવામાં આવતી હતી એ એક રીતે સૌથી સન્માનીય જગા બની જાય, એ શક્ય હોય છે. જે આકાંક્ષી જિલ્લા, સામાન્ય રીતે ઘણી ઉમર થઈ ગઈ હોય, થાકી ગયા છીએ, અરે ચાલો યાર આ તો બેકાર જિલ્લો છે કઈ પર્ફોર્મ કરતો નથી મૂકી દો એને. અમે જ્યારે આકાંક્ષી જિલ્લામાં યુવા અધિકારીઓને લગાવવા કહ્યું ધડાધડ પરિણામ આવવા લાગ્યાં કેમ કે તેમનો ઉત્સાહ હતો, કંઇક કરવું હતું અને એમને પણ લાગતું હતું કે 3 વર્ષ અહીં કરીશ તો સરકાર મને કોઇ બહુ સારું કામ આપશે અને થયું પણ, આકાંક્ષી જિલ્લામાં જે લોકોએ કામ કર્યું એમને બાદમાં બહુ સારી જગા મળી.
આકાંક્ષી તાલુકા માટે પણ હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ અને ભારત સરકારના અધિકારી પણ ધ્યાન આપે કે જે બ્લોકમાં સફળ થઈ રહ્યા છે ને આગળ એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ હોવું જોઇએ, એ અધિકારીઓને ખાસ કરીને જેથી એમની પાસે કંઇક કરવાનો જુસ્સો છે, તેઓ ધરતી પર પરિણામ લાવનારા લોકો છે, એ ટીમોને આગળ વધારવી જોઇએ, ખાસ કરીને એમને પ્રોત્સાહિત કરવા જોઇએ.
બીજું તમે જોયું હશે સરકારમાં એક પરંપરા બની ગઈ છે. પહેલાંઆપણે ત્યાં આઉટપુટને જ એક પ્રકારથી કામ માનવામાં આવતું હતું, આટલું બજેટ આવ્યું, એ બજેટ ત્યાં ગયું, એમાંથી આટલું ત્યાં ગયું, એમાંથી આટલું અહીં ગયું મતલબ કે બજેટ ખર્ચ થયું. આઉટપુટને જ આપણે ત્યાં એક રીતે એચિવમેન્ટ માનવામાં આવતું હતું. આપે જોયું હશે કે 2014 બાદ અમે સરકારનું આઉટકમ બજેટ પણ આપવાનું શરૂ કર્યું, બજેટની સાથે આઉટકમનો રિપોર્ટ આપવાનું શરૂ કર્યું અને આઉટકમને કારણે ગુણાત્મક ફેરફાર બહુ મોટો આવ્યો છે. આપણે પણ આપણા બ્લોકમાં જોઇએ કે હું જે યોજના માટે પૈસા લગાવી રહ્યો છું, જે યોજના માટે સમય લગાવી રહ્યો છું, જે યોજના માટે મારા આટલા અધિકારી કામમાં લાગ્યા છે, કોઇ આઉટકમ મળે છે કે નથી મળતું. અને આપણે એ આઉટકમ મેળવવા માટે શું કરવું જોઇએ, સાથીઓ જેટલું મહત્વ કેટલાંક લોકોને લાગે છે કે પૈસા હશે તો કામ થશે, આપ વિશ્વાસ રાખો સાથીઓ, મારો બહુ લાંબો અનુભવ છે. સરકાર ચલાવવાનો આટલો લાંબો અનુભવ બહુ ઓછા લોકોને મળે છે જે મને મળ્યો છે અને હું અનુભવથી એ કહું છું કે માત્ર બજેટને કારણે જ પરિવર્તન આવે છે એવું નથી જો આપણે સંસાધનોને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન અને બીજું કન્વર્ઝન્સ એના પર જો આપણે ધ્યાન આપીએ તો આપણે બ્લોકના વિકાસ માટે એક નવો પૈસો આવ્યા વિના પણ એ કામ કરી શકીએ છીએ. હવે જેમ કે માની લો કે મનરેગાનું કામ ચાલી રહ્યું છે પણ શું મેં પ્લાન કર્યું છે કે તે મનરેગાનું કામ એ જ હશે જે મારા વિકાસની ડિઝાઇન સાથે જોડાય? હું મનરેગાનું કામ એ જ કરીશ જેથી મને જે રોડની માટી નાખવાની છે એ રોડની માટી નંખાવી દઈશ તો મારા રોદનું અડધું કામ તો થઈ જ જસ્જે, કન્વર્ઝન્સ પણ થઈ ગયું. એટલે જે કન્વર્ઝન્સ કરીએ છે, પાણી છે, માની લો કે અમુક વિસ્તારો છેજ્યાં પાણીની તકલીફ છે અને તમારે વર્ષના 3-4 મહિના એ પાણી માટે જ જહેમત કરવી પડે છે. પણ આપે જો મનરેગામાં નક્કી કર્યું એ વિસ્તારમાં સૌથી વધારે તળાવ બનાવવાં છે, સૌથી વધારે પાણી સ્ટોરેજ કરવાનું છે, મિશન મોડમાં કામ કરવાનું છે તો આપને આવતા વર્ષે જે 4 મહિના માત્ર પાણી માટે 25 ગામોની પાછળ બગડતા હતા તે બંધ થઈ જશે, આપની શક્તિ બચી જશે. કન્વર્ઝન્સ બહુ મોટી તાકાત ધરાવે છે. અને હું માનું છે કે સુશાસનની પહેલી શરત એ જ છે કે આપણે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીએ.
બીજો એક અનુભવ થયો છે અને હું પોતાના અનુભવથી કહું છું થાય છે શું? બહુ સ્વાભાવિક ટીચર પણ ક્લાસમાં, જો ઇન્સ્પેક્શન આવવાનું હોય તો જે સારા અને હોંશિયાર વિદ્યાર્થી હોય છે એમને થોડી ટિપ આપે છે અને કહે છે જ્યારે ઇન્સ્પેક્શનમાં કોઇ સવાલ પૂછે તો તું તરત હાથ ઉપર કરી દેજે. ટીચરોવાળું આ બધું હું જાણું છું. બહુ સ્વાભાવિક છે ભાઇ એમણે જરા રોફ જમાવવો છે તો એક સારો છોકરો હાથ ઊંચો કરી દેશે. મારું કહેવાનું તાત્પર્ય છે કે આપણે સ્વભાવથી જ્યાં તત્કાલ પરિણામ મળે છે તેમાં વધારે રોકાણ કરીએ છીએ. જો મારે સરકારમાં, માનો ભારત સરકારમાં મારે એક ટાર્ગેટ પૂરો કરવો છે અને મને લાગે છે આ છ રાજ્ય છે એમને કહીશું તો થઈ જશે તો હું એ 6 રાજ્યો પર જ ધ્યાન કેન્દ્રીત કરીશ બાકી 12 રાજ્ય જેને જરૂર છે, પણ કેમ કે તેમનું પર્ફોર્મ પુઅર છે તો હું તે સંસાધન ત્યાં જવા દઈશ નહીં અને હું એક મીઠી ચામાં વધુ બે ચમચી ખાંડ નાંખી દઉં. થાય છે શું કે જે ડેવલપ થઈ ચૂક્યાં છે, જે પર્ફોર્મ કરી રહ્યાં છે એમને એટલું વધારે મળી જાય છે તે સંસાધનોનો બગાડ થાય છે. હવે જુઓ, તમારાં ઘરમાં, એક જમાનો હતો જ્યારે હું ભણતો હતો મારાં તો નસીબમાં જ એ ન હતું પણ મારા સાથીઓને એમના મમ્મી-પપ્પા કહેતા હતા કે તું જો 10મામાં આટલા નંબર લાવશે તો તને ઘડિયાળ અપાવીશ, તું 12મામાં આટલા લાવીશ તો ગિફ્ટ આપીશ. મારા સમયમાં આવું હતું. આજે કોઇ પણ ઘરના ખૂણામાં હાથ નાખો, 3-4 ઘડિયાળ એમ જ મળી જાય છે. અમુક ઘડિયાળ તો એવી હશે જેને 6 મહિનાથી હાથ લગાવ્યો નહીં હોય પણ એક ગરીબનાં ઘરમાં એક ઘડિયાળ હશે તો એ ઘડિયાળ 365 દિવસ પહેરશે અને સંભાળીને રાખશે. સંસાધન જ્યાં પડ્યાં છે ત્યાં એક્સ્ટ્રા આપવાથી બગાડ છે, જ્યાં જરૂરતથી આપવાથી તેનો વધારે ઉપયોગ થાય છે. અને એટલે હું માનું છું કે આપણાં સંસાધનોનું સમાન વિતરણ અને જ્યાં જરૂરિયાતનો આધાર છે ત્યા6 ખા કરીને વિતરણ એ આદત જો આપણે રાખીશું તો તેમને એક તાકાત મળશે અને આ દિશામાં આપણે કામ કરવું જોઇએ. એ જ રીતે પાણે જોયું હશે કે કોઇ પણ કામ કરવાનું છે, આપણે એ ભ્રમમાં છીએ કે સરકાર બધું કરી લેશે, આ ગઈ સદીની વિચારસરણી છેદોસ્તો, સરકાર જ બધું કરી લેશે એ વિચારસરણીમાંથી આપણે બહાર આવી જવું જોઇએ. સમાજની શક્તિ બહુ મોટી હોય છે, આપ સરકારને કહો કે ભાઇ તમે રસોઇ ઘર ચલાવો અમારે મધ્યાહ્ન ભોજન કરવું હોય તો આંખમાંથી પાણી નીકળી આવે છે પણ આપણા સરદાર ભાઇ-બહેન લંગર ચલાવે છે, લાખો લોકો ખાય છે, કદી થાક અનુભવાતો નથી, આ તો થઈ રહ્યું છે. સમાજની એક શક્તિ હોય છે, આ સમાજની શક્તિને આપણે જોડીએ છે શું? જે જે બ્લોકમાં કે જિલ્લામાં લીડરશિપની સમાજને જોડવાની તાકાત છે, મારો અનુભવ છે ત્યાં પરિણામ જલદી મળે છે.
આ સ્વચ્છતા અભિયાન આજે સફળતાની દિશામાં તેણે પોતાની એક જગા બનાવી દીધી છે, શું કારણ છે? શું તે મોદીને કારણે થઈ રહ્યું છે કે? શું તે 5-50 લોકો ઝાડુ લગાવે છે એના લીધે થઈ રહ્યું છે કે? જી નહીં, સમાજમાં એક વાતાવરણ બન્યું છે કે હવે ગંદકી નહીં કરીશુંઅને જ્યારે સમાજ નક્કી કરે છે ને કે ગંદકી નહીં કરીશ તો સ્વચ્છતા કરવાની જરૂર જ નથી પડતી દોસ્તો. જન ભાગીદારે એ બહુ અનિવાર્ય છે અને આપણે ત્યાં લીડરશિપની એક બહુ મોટી વિકૃત વ્યાખ્યા થઈ ગઈ છે કે જે લાંબા કુર્તા-પાયજામા કહેરીને, ખાદીનાં કપડાં પહેરીને આવે તે જ લીડર હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં લીડરશિપ હોય છે. શિક્ષણ ક્ષેત્રે નેતાઓની જરૂર છે, કૃષિ ક્ષેત્રે નેતાઓની જરૂર છે અને તે રાજકીય નેતાઓની જરૂર નથી ભાઇ. આપણા અધિકારીઓ પણ નેતા હોય છે, તેઓ પણ પ્રેરિત કરે છે. આપણે બ્લોક સ્તરે નેતૃત્વ કેવી રીતે બનાવી શકીએ અને આ સંકલ્પ સપ્તાહ છે ને, તેમાં એક-એક જૂથ બેસવાનું છે, તેનો એક ઉદ્દેશ્ય છે ટીમ ભાવના છે. ટીમ સ્પિરિટ સર્જાશે તો નેતૃત્વ આવશે, ટીમ સ્પિરિટ સર્જાશે તો જનભાગીદારીના નવા નવા વિચારો આવશે.તમે જોયું હશે કે ક્યારેક કોઇ કુદરતી આફત આવે છે, શું સરકારી સંસાધનો તે કુદરતી આફતને સંભાળી શકે છે? જોતજોતામાં, એટલી મોટી સંખ્યામાં લોકો જોડાય જાય છે કે તેઓ જોતજોતામાં સમસ્યાઓ હલ કરવાનું શરૂ કરે છે. લોકો તે કરવા લાગે છે અને તે સમયે આપણને પણ લાગે છે કે અરે વાહ સમાજે ખૂબ મદદ કરી, મારું કામ થઈ ગયું. અધિકારીને પણ લાગે છે કે યાર સારું થયું આ લોકોએ મદદ કરી અને મારું કામ થઈ ગયું.
જે લોકો પાયાનાં સ્તરે કામ કરે છે તેઓ જાણે છે કે આ પ્રકારની સમાજની જે તાકાત છે એને ઓળખીએ, સમાજની શક્તિને જોડીએ. આપણી શાળાઓ અને કૉલેજો સારી રીતે ચાલે. જો પરિવારના સભ્યો જોડાય, વાલીઓ જોડાય, મા-બાપ આવે છે, તો જુઓ કે શાળા ક્યારેય પાછળ નહીં રહે. અને આ માટે માર્ગો શોધવા જોઈએ. હું હંમેશા કહું છે કે ભાઇ ગામનો જન્મદિવસ મનાવો, તમારે ત્યાં રેલવે સ્ટેશન છે તો રેલવે સ્ટેશનનો જન્મદિવસ શોધો, રેકોર્ડમાં મળી જશે, તેનો જન્મદિવસ મનાવો. તમારે ત્યાં સ્કૂલ 80 વર્ષ જૂની હશે, 90 વર્ષ જૂની હશે, 100 વર્ષ જૂની હશે એ સ્કૂલની જન્મ તારીખ કાઢો, અને એ સ્કૂલમાં ભણીને ગયેલા જેટલા લોકો હયાત છે એમને એક વાર એકઠા કરો.
લોકભાગીદારીની રીતો હોય છે, જનભાગીદારીનો અર્થ એ નથી કે તમે દાન આપી દો. હવે જેમ કે કુપોષણની સમસ્યા છે, જો આંગણવાડીમાં કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો તે શું બજેટથી થશે, તે એક રસ્તો છે પણ જો હું કહું કે ભાઇ મારાં ગામમાં એક તિથિ ભોજનનો કાર્યક્રમ યોજીશ.તે તિથિ ભોજનના કાર્યક્રમમાં જો કોઈની જન્મજયંતિ હોય, કોઈનાં માતા-પિતાની મૃત્યુ તારીખ હોય, કોઈની લગ્નની તારીખ છે, તો હું તેમને કહીશ, જુઓ, તમારાં ગામમાં આ આંગણવાડી છે, ત્યાં 100 બાળકો છે, તમારો જન્મદિવસ છે, જો તમે તમારાં ઘરમાં કંઇક સારું ભોજન લેવાના હો,કરવાના હો, તો એવું કરો, તમારા જન્મદિવસ નિમિત્તે આ 100 બાળકો માટે એક ફળ લાવો અને બધા બાળકોને એક-એક કેળું આપી દો. તેમનો જન્મદિવસ મનાવાશે અને કહેવાનું છે, જાતે આવવાનું છે અને જાતે એ બાળકોને આપવાનું છે તો સામાજિક ન્યાય પણ થઈ જાય છે, સમાજમાં જે અંતર હોય છે એ પણ હટી જાય છે. અને તમને વર્ષમાં, ગામમાં 80-100 પરિવાર જરૂર મળી જશે જે સ્કૂલમાં આવીને, આંગણવાડીમાં આવીને એ બાળકોને સારી વસ્તુ ખવડાવશે, સિઝનલ જે વસ્તુઓ હોય છે, માની લો કે ખજૂર આવી ગયા તો કહેશે કે ચાલો ભાઇ આજે હું 2-2 પીસ લઈને આવું છું આ 100 બાળકો છે એમને જરા ખવડાવી આવું છું. જન ભાગીદારી છે. સરકારનાં બજેટમાં એઅટલું બચાવવાનું કામ નથી. જન ભાગીદારીની તાકાત હું જ્યારે ગુજરાતમાં હતો મેં તિથિ ભોજન અભિયાન ચલાવ્યું હતું અને તમામ ધાર્મિક કથાકાર વગેરે પણ પોતાનાં ભાષણમાં લોકોને આહ્વાન કરતા હતા. લગભગ લગભગ 80 દિવસ હું તે સમયની વાત કરું છું, હમણાં તો મને ખબર નથી, એક વર્ષમાં 80 દિવસ એવા નીકળતા હતા જ્યારે કોઈક ને કોઇક પરિવાર આવીને શાળાનાં બાળકો સાથે સારો પ્રસંગ ઉજવતો અને બાળકોને સારું ખવડાવતો. કુપોષણ સામેની લડાઈ પણ થઈ જતી અને આ ભોજન કરાવવાનું ટેન્શન જે ટીચરને રહેતું હતું તે પણ મુક્તિ મળી ગઈ હતી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્યાઓનાં સમાધાનમાં જન ભાગીદારીનું સામર્થ્ય બહુ મોટું હોય છે. જો આપણે, માની લો કે ટી.બી., આપણા બ્લોકમાં જો 10 પણ ટી.બી.ના દર્દી છે અને ટી.બી. મિત્રવાળી યોજના છે આપણે એમને જોડી લઈએ અને આપણે કહીએ કે ભાઇ તમે જરાક એમને દર અઠવાડિયે ફોન કરતા રહેજો, તમે જરા એમને પૂછતા રહેજો 6 મહિનામાં ટી.બી. તેનો ગાયબ થઈ જશે.જેમ જેમ આપણે લોકોને જાણીશું, શરૂઆતમાં મહેનત કરવી પડે છે જોડવામાં, પરંતુ પછીથી તે શક્તિ બની જાય છે. તમે જોયું જ હશે કે આજે વિશ્વમાં ભારતનું નામ ગૂંજી રહ્યું છે. તેનો અનુભવ પણ આપ કરતા હશો. અખબારમાં તો આવે છે કે, મોદીનાં કારણે થઈ રહ્યું છે, મોદીનાં કારણે થઈ રહ્યું છે, મોદી સરકારની કૂટનીતિ ખૂબ સારી છે, ફલાણું છે, ઢીંકણું છે, મને પણ એવું જ લાગે છે.પરંતુ વાસ્તવિકતામાં એક બીજું પણ કારણ છે જેના પર લોકોનું ધ્યાન જતું નથી, જે છે આપણો ડાયસ્પોરા છે. જે લોકો ભારતમાંથી ગયા છે જેઓ તે દેશમાં રહે છે, તેમનામાં જે સક્રિયતા આવી છે, તેમનામાં જે સંગઠિત શક્તિ પેદા થઈ છે, જાહેર જીવનમાં તેમની જે ભાગીદારી વધી છે, ત્યારે તે દેશોનાં લોકોને પણ લાગે છે કે યાર આ લોકો ખૂબ જ ઉપયોગી છે અને તેનાં કારણે ભારતઉપયોગી લાગવા લાગ્યું છે.એટલે કે, જો જન ભાગીદારીની તાકાત વિદેશ નીતિમાં કામ આવે છે, તો પછી જનભાગીદારીની શક્તિ મારા બ્લોકમાં તો ખૂબ જ સરળતાથી આવી શકે છે સાથીઓ. અને એટલા માટે જ મારો આપને આગ્રહ છે કે આ જે સંકલ્પ સપ્તાહ છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરો, ખુલ્લાં મનથી ચર્ચા કરો, ડિઝાઇન વર્કઆઉટ કરો.આપણાં સંસાધનોનો પણ એ જ રીતે ઉપયોગ કરો. આપણે ત્યાં શું થાય છે એક બ્લોકમાં કદાચ 8-10 વાહનો હોય છે, ત્યાં વધારે હોતાં પણ નથી અને માત્ર થોડા અધિકારીઓ પાસે જ વાહનો હોય છે, હવે દૂર સુધી મુસાફરી કરવાની જવાબદારી ઘણા લોકોની છે જેમની પાસે સાધન નથી. મેં ગુજરાતમાં એક પ્રયોગ કર્યો હતો, તે ખૂબ જ સફળ રહ્યો, જો માની લો કે એક બ્લોકમાં 100 ગામો હોય તો મેં 10-10 ગામો 10 અધિકારીઓને આપ્યાં.અને મેં કહ્યું કે જો તમે તમારી ગાડીમાં જાઓ છો, તો આ પાંચ વિભાગોના જે જુનિયર અધિકારીઓ છે તે પાંચ જુનિયર અધિકારીને પણ તમારી ગાડીમાં બેસાડો અને એક મહિના માટે તમારે આ 10 ગામોની જ ચિંતા કરવાની છે. તમામ વિષય આપ ચર્ચા કરશો આપ ભલે કૃષિ વિભાગના અધિકારી છો પણ આપ એ ગામમાં જઈને શિક્ષણની પણ ચર્ચા કરશો, ખેતીની પણ ચર્ચા કરશો, પાણીની પણ ચર્ચા કરશો, પશુઓની પણ બધા જ ચિંતા કરશે. બીજો બીજાં દસ ગામમાં ત્રીજો ત્રીજાં. એ આખો મહિનો એમની પાસે 10 જ ગામ રહેતાં હતાં પછી એક મહિના પછી બદલી નાંખતાં હતાં. અનુભવ એ થયો કે સિલોઝ ખતમ થઈ ગયા હોલ ઑફ ધ ગવર્મેન્ટ એપ્રોચ આવ્યો અને આ જે 10 અધિકારી હતા હવે સપ્તાહમાં એક દિવસ બેસીને પોતાના અનુભવો શેર કરતા હતા કે ભાઇ આ વિસ્તારમાં હું ગયો હતો મારો વિભાગ તો શિક્ષણનો છે પણ મેં કૃષિમાં આ વસ્તુ જોઇ. પાણીનાંક્ષેત્રમાં... એટલો જ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થતો હતો. અને પરિણામો ખૂબ જ ઉત્તમ આવવાં લાગ્યાં અને ત્યાં 10 અધિકારીઓ એવા હતા જેમને તે બ્લોકની સંપૂર્ણ જાણકારી રહેતી હતી. તે હોય કૃષિનો પણ એને શિક્ષણની પણ ખબર રહેતી હતી, એ શિક્ષણમાં હતો પણ એને આરોગ્યની પણ ખબર રહેતી હતી.મને લાગે છે કે આપણે આપણી વ્યૂહરચના બદલવી જોઈએ, જો આપણે આપણી શાસનની વ્યૂહરચના બદલીએ અને આપણે આપણાં સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરીએ, અને આજે સંચારની એક તાકાત પણ છે અને સંચાર એક સમસ્યા પણ છે. એવું લાગે કે હું વીડિયો કૉન્ફરન્સિંગથી માહિતી લઈ લઈશ, હું મોબાઇલથી માહિતી લઈ લઈશ, રૂબરૂ જવાના જે ફાયદાઓ છે ને સાથીઓ તેનો કોઈ વિકલ્પ નથી.આજે હું અત્યારે આપની સાથે વાત કરી રહ્યો છું, તમે તમારા ગામમાં જ રહ્યા હોત અને બની શકે મેં વીડિયો કૉન્ફરન્સિંગમાં કંઈ નવું ન કહ્યું હોત. આ જ કહેતે. પરંતુ અહીં આવ્યા બાદ આપની સાથે નજરથી નજર મેળવ્યા બાદ જે તાકાત આવે છે ને તે વીડિયો કૉન્ફરન્સથી નથી આવતી. અને એટલે આપણી ફિઝિકલ જેટલી જવાબદારી છે, ફિઝિકલી જઈને કરવાની છે એમાં કદી પણ સમાધાન કરવું જોઇએ નહીં.જ્યારે આપણે તે જગ્યાએ જઈએ છીએ, ત્યારે આપણને તેની શક્તિની ઓળખ મળે છે, આ જે આકાંક્ષી બ્લોક છે, તમને કદાચ પહેલી વાર જ્યારે આ સપ્તાહ ચાલશે તો અગાઉ કદી ધ્યાન નહીં ગયું હોય આપને આપના સાથીઓનાં સામર્થ્ય વિશે પહેલેથી ખબર નહીં હોય, ક્યારેક ક્યારેક તો નામ પણ ખબર ન હોય, આપની ઑફિસમાં રોજ મળતો હશે, નમસ્તે પણ થઈ જતું હશે નામ પણ ખબર નહીં હોય. પણ આ જ્યારે એક સપ્તાહ આપ સાથે બેસશો, આપને એમની શક્તિનો પરિચય થશે, તેની વિશેષતાઓનો પરિચય થશે અને એ જ આપણી ટીમ સ્પિરિટ માટે બહુ અનિવાર્ય હોય છે. અને જ્યારે ટીમ બની જાય છે, ત્યારે ઇચ્છિત પરિણામો આપોઆપ પ્રાપ્ત થાય છે. અને તેથી મિત્રો, હું તમને બધાને વિનંતી કરું છું કે 3 મહિનાની અંદર અંદર, ચાલો માની લઈએ કે તમે 30 પરિમાણોમાં પાછળ છો, 5 માપદંડો એવા નક્કી કરો જેમાં આપણે આખાં રાજ્યની સરેરાશથી સંપૂર્ણપણે બહાર આવીએ, કરી લો. તો તમારો આત્મવિશ્વાસ વધશે, યાર 5 તો થઈ ગયા તો હવે 10 થઈ શકે છે. અને એટલે જ આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે શિક્ષકો શું ભણાવતા હતા,જ્યારે પરીક્ષામાં બેસોને ત્યારે જે ઈઝી જવાબો છે એ પહેલા લખો, એવું શીખવાડતા હતા. તો એ ટીચરે શીખવાડેલું અત્યારે પણ કામમાં આવે છે, આપ પણ આપને ત્યાં જે સરળ વસ્તુઓ છે એ તો સૌથી પહેલાં સોલ્વ કરો એમાંથી બહાર નીકળી આવો, તો જો 40 વસ્તુઓ છે તો 35 પર પહેલા આવી જાવ. ધીરે ધીરે, તમે દરેક સમસ્યામાંથી બહાર આવશો, તમે જોતજોતામાં તમારો બ્લોક એસ્પિરેશનલમાંથી બીજાને એસ્પિરેશન વધારવાની આકાંક્ષા બની જશે. તે પોતાનામાં જ એક પ્રેરણા બની જશે.અને મને વિશ્વાસ છે કે, આપણા 112 જિલ્લા, જે ગઈકાલ સુધી આકાંક્ષી જિલ્લા હતા,આજે ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ બની ગયા છે, જોતજોતામાં એક વર્ષની અંદરઅંદર, 500 મહત્વાકાંક્ષી બ્લોક્સ છે, જે 500માંથી ઓછામાં ઓછા 100 બ્લોક્સ ઇન્સ્પિરેશનલબ્લોક્સ બની જશે. તે સમગ્ર રાજ્ય માટે ઇન્સ્પિરેશનલ બ્લોક્સ બની જશે. અને આ કામને પૂરું કરો. સાથીઓ, મને સારું લાગ્યું આ કાર્યક્રમમાં આવીને આપ સૌ સાથે વાત કરવાની તક મળી જે ઓનલાઇન મને સાંભળી રહ્યા છે એમને પણ હું અનેક-અનેક શુભકામનાઓ આપું છું. આપણે મિશન મોડમાં ચાલીએ અને હું વિભાગના લોકોને પણ કહું છું કે આપ 100 બ્લોક્સ સમગ્ર દેશમાં પસંદ કરો અને એને પણ સમયસીમાં આપ રાષ્ટ્રીય સરેરાશ સુધી લાવો. દરેક વિભાગ આ રીતે કામ કરે હું નથી માનતો કે પાયાનાં સ્તરે કોઇ કામ રહી જાય. બધાં કામ 1-2 વર્ષમાં પૂરાં થઈ જશે. દોસ્તો હું અત્યારથી આપને કહું છું 2024માં આપણે ફરી ઑક્ટોબર-નવેમ્બરમાં મળીશું, ફિઝિકલી મળીશું અને આપણે એનો હિસાબ-કિતાબ કરીશું અને હું એ સમયે ત્યાં ઑડિયન્સમાં બેસીને આપમાંથી 10 લોકોની સફળતાની વાતો સાંભળવા માગીશ અને પછી મારે જે કહેવું છે એ હું આવતા વર્ષે 2024 ઑક્ટોબર કે નવેમ્બરમાં આપ સાથે વાત કરીશ. ત્યાં સુધી હું આપનાં કામ માટે આપનો વધુ સમય નથી લેતો કેમ કે આપે બ્લોકને જલદી આગળ વધારવાનો છે, એટલે મારે હવે આપનો સમય ન લેવો જોઇએ. ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1962569)
आगंतुक पटल : 366
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada