આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

મહુવા તાલુકાના તરસાડી ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાયો


આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ

Posted On: 15 JAN 2024 4:59PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે  સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે મહુવા તાલુકાના ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ, તરસાડી ખાતે  જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્યોના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે જિ.પંચાયત પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ ઉમરપાડા તાલુકામાં 36 ગામો, માંડવીના 23 ગામો, મહુવાના 25 ગામો, બારડોલીના 4 ગામો અને માંગરોળ તાલુકામાં 1 ગામ મળી કુલ 89 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે સૌને સંકલ્પબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે દિવાસી સમાજ સશકત અને મજબૂત બને તે માટે અનેક યોજનાઓ શરૂ કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. સમગ્ર દેશમાં આદિવાસી સમાજને 11 લાખ એકર જમીનોના હકો આપ્યા છે. પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ દેશભરમાં વસતા આદિમજૂથના લોકો માટે 24 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.

મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, મહુવા તાલુકામાં સાત નદીઓ આવેલી છે. રસ્તા, આરોગ્ય, સિંચાઈ જેવી સુવિધાઓ આદિવાસી પરિવારોને મળી રહે તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ PVTG (આદિમજૂથ સમુદાય) વસ્તી ધરાવતા ગામોમાં વસતા કુટુંબોને 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત રૂ.24 હજાર કરોડના અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના 15 રાજ્યોના 100 જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમને લાઈવ સંબોધન કરી આદિમજૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેનું અહીં ઉપસ્થિત સૌ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

YP/JD


(Release ID: 1996272)