માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આઈઆઈએમસી આઈઝોલ ખાતે ભારતના 500મા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન- અપના રેડિયો 90.0 એફએમનું ઉદ્ઘાટન કર્યું
શ્રી વૈષ્ણવે 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી
આઇઆઇએમસીના અપના રેડિયો સ્ટેશન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છેઃ શ્રી વૈષ્ણવ
Posted On:
25 JUL 2024 1:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (આઈ એન્ડ બી) શ્રી અશ્વિની વૈષ્ણવે આજે 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી. મંત્રીશ્રીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન અને મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાની ઉપસ્થિતિમાં ભારતના 500માં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું. 'અપના રેડિયો 90.0 એફએમ' સ્ટેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, આઇઝોલ દ્વારા સંચાલિત એક સ્ટેશન છે.
ભારતની સામુદાયિક રેડિયો યાત્રામાં આ સીમાચિહ્નની જાહેરાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ પહેલ અપના રેડિયો સ્ટેશનના કવરેજ ક્ષેત્રમાં રહેતા લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ શુભારંભ સરકારની એક્ટ ઇસ્ટની નીતિમાં પણ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
મંત્રીએ મિઝોરમના મુખ્યમંત્રીને માહિતી આપી કે, કેન્દ્રીય બજેટમાં પૂર્વોત્તર ક્ષેત્ર માટે રેલવે બજેટ અંતર્ગત વિક્રમજનક ફાળવણી કરવામાં આવી છે. તેનાથી મિઝોરમને સારી રેલવે કનેક્ટિવિટી મળવાના લાંબા સમયથી ચાલતા સપનાં પૂરાં થશે.
મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે, આઇઆઇએમસી આઇઝોલ ખાતે અપના રેડિયો સ્ટેશન રાજ્ય માટે સંચારમાં નવો અધ્યાય લખશે. મિઝોરમ મુખ્યરૂપે કૃષિ પ્રધાન રાજ્ય છે, કેમકે તેની કૃષિ ક્ષમતા ઘણી જ વધુ છે. ખેડૂત સમુદાય માટે એક સામુદાયિક રેડિયો સ્ટેશનની સ્થાપના કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે, જે તેમને દૈનિક હવામાન અપડેટ્સ, સરકારી યોજનાઓ અને કૃષિ સંબંધિત માહિતી પ્રદાન કરશે. તેમણે આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે સાથસહકાર અને સમર્પણ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા અન્ય તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આ પ્રકારનાં સ્ટેશનોની સામાજિક રીતે લાભદાયક પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ખાનગી રેડિયો ચેનલોની વ્યાવસાયિક પ્રકૃતિની સામે સામુદાયિક રેડિયો સ્ટેશનોની સ્થાપના છેવાડાનાં માઈલ સુધી માહિતી સંચાર કરવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કુદરતી આપત્તિના સમયમાં આ સ્ટેશનોની ભૂમિકા નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ જણાવ્યું કે, સામુદાયિક રેડિયો સ્ટેશન કૃષિ સંબંધિત માહિતી, ખેડૂતોનાં કલ્યાણ માટેની સરકારી યોજનાઓ, હવામાનની માહિતી વગેરેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક અનન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે જ્યાં વૈકલ્પિક અવાજો સાંભળી શકાય છે અને સામગ્રી સ્થાનિક બોલીઓ અને પ્રાદેશિક ભાષાઓમાં રજૂ કરવામાં આવે છે. આ સામુદાયિક રેડિયો ખાસ કરીને સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગ માટે મહત્વપૂર્ણ છે, જેની મુખ્યધારાની મીડિયા સુધી પહોંચ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે મંત્રાલય દેશભરમાં સામુદાયિક રેડિયો સ્ટેશનોના વિકાસને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.
આઇઆઇએમસીના વાઇસ ચાન્સેલર ડૉ.અનુપમા ભટનાગરે જણાવ્યું કે 'અપના રેડિયો 90.0 એફએમ'નું ઉદ્ઘાટન એ મિઝોરમના ઇતિહાસનો એક નવો અધ્યાય છે, જે સંવાદ દ્વારા સમુદાયોને એક સાથે લાવશે, સ્થાનિક સંસ્કૃતિનું પ્રદર્શન કરશે, નાગરિકોને પ્રોત્સાહન આપશે અને સશક્ત બનાવશે.
10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓ
શ્રેણી: વિષયગત પુરસ્કાર
- પ્રથમ પુરસ્કાર: રેડિયો મયુર, જિલ્લો સારણ, બિહાર, કાર્યક્રમ: ટેક સખી
- દ્વિતીય પુરસ્કારઃ રેડિયો કોચી, કેરળ, કાર્યક્રમ: નિરાંગલ
- તૃતિય પુરસ્કાર: હેલો દૂન, દહેરાદૂન, ઉત્તરાખંડ, કાર્યક્રમ: મેરી બાત
શ્રેણી: વિષયગત સર્વાધિક અભિનવ સામુદાયિક સહભાગિતા પુરસ્કાર
- પ્રથમ પુરસ્કાર: યેર્લાવાણી સાંગલી, મહારાષ્ટ્ર, કાર્યક્રમ: સ્ટોરી ઓફ સુનંદાચી
- દ્વિતીય પુરસ્કારઃ વાયલાગા વનોલી, મદુરાઈ, તમિલનાડુ, કાર્યક્રમઃ ચાલો એક નવા માપદંડનું નિર્માણ કરીએ
- તૃતિય પુરસ્કાર: સલામ નમસ્તે નોઇડા, ઉત્તર પ્રદેશ, કાર્યક્રમ: મેડ દીદી
શ્રેણી: સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર
- પ્રથમ પુરસ્કાર: રેડિયો બ્રહ્મપુત્રા, દિબ્રુગઢ, આસામ, કાર્યક્રમઃ ઇગારેકુન
- દ્વિતીય પુરસ્કારઃ રેડિયો કોટાગિરી, નીલગિરિ, તમિલનાડુ, કાર્યક્રમઃ અ જર્ની વિથ માય પીપલ
- તૃતિય પુરસ્કાર: રેડિયો એક્ટિવ, ભાગલપુર બિહાર, કાર્યક્રમ: અંગ પ્રદેશ કી અદબુત ધરોહર
શ્રેણી: સંધારણીયતા મૉડલ પુરસ્કાર
- પ્રથમ પુરસ્કાર: બિશપ બેનઝિગર હોસ્પિટલ સોસાયટી, કોલ્લમ, કેરળ દ્વારા સંચાલિત રેડિયો બેન્ઝિગર
- દ્વિતીય પુરસ્કારઃ યંગ ઈન્ડિયા દ્વારા સંચાલિત રેડિયો નમસ્કાર, કોણાર્ક, ઓડિશા
- તૃતિય પુરસ્કાર: શરણબસબેશ્વર વિદ્યા વર્ધક સંઘ દ્વારા સંચાલિત રેડિયો અંતરવણી, ગુલબર્ગા, કર્ણાટક
મંત્રાલયે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો (સીઆરએસ) વચ્ચે નવીનતા અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2011-12માં નેશનલ કમ્યુનિટી રેડિયો એવોર્ડ્સની સ્થાપના કરી હતી.
સામાન્ય રીતે દર વર્ષે રાષ્ટ્રીય સમુદાય રેડિયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ શ્રેણીમાં મંત્રાલયે આજે નીચેની 4 શ્રેણીઓમાં 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી છે.
- વિષયગત પુરસ્કાર
- સૌથી નવીન સામુદાયિક સહભાગિતા પુરસ્કાર
- સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર
- સ્થાયિત્વ મૉડલ પુરસ્કાર
દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર ક્રમશઃ 1.0 લાખ રૂપિયા, 75,000 રૂપિયા અને 50,000 રૂપિયા છે.


AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2036759)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada